સંવત ૧૯૭૩ના વૈશાખ માસમાં અમદાવાદથી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત તથા મુળીથી સ્વામી ભગવત્સ્વરૂપદાસજી તથા પુરાણી ધર્મકિશોરદાસજી આદિ સંત તથા હરિજનો કચ્છમાં ગયા હતા. તે ભુજ થઈને વૈશાખ સુદ-૧૦ને રોજ શ્રી વૃષપુર પહોંચ્યા.

વૈશાખ સુદ-૧૧ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ જીવને પાંચ ભૂત વળગ્યાં છે, તેનો વિશ્વાસ ન રાખવો. ભુજમાં સુંદરજીભાઈ હતા તેમણે પ્રવૃત્તિ ઘણી રાખી હતી. તેથી શ્રીજીમહારાજે પંદર દિવસ સુષુપ્તિ અવસ્થામાં રાખ્યા ને પ્રવૃત્તિ ટાળીને શુદ્ધ કરીને દિવ્ય દર્શન કરાવીને લઈ ગયા.”

“અમદાવાદ, ભુજ, વડતાલ આદિના સાધુ-સત્સંગી જે પંચ વર્તમાને યુક્ત હોય તે સર્વે એક મંડળ છે. તેને જુદા જાણે તો ધામમાં ન જવાય, અને તેમનો દ્રોહ કરે તેને શ્રીજીમહારાજ તેડવા ન આવે. માટે સત્સંગ સર્વે એક જાણવો; પણ જુદો ન જાણવો. સર્વેના ધણી એક શ્રીજીમહારાજ છે. માટે એક જાણે તો શ્રીજીમહારાજનો રાજીપો થાય છે.”

“ત્યાગીએ જડ-ચૈતન્ય માયાનો ત્યાગ રાખવો, અને જો એ માયા ગરી આવે તો તેથી ગૃહસ્થમાં રહેવું સારું; માટે વેષ લીધો તે ભજવે નહિ તો દુઃખ થાય. વૈભવ તો મોટા રાજાથી પણ અધિક મળ્યા છે; કેમ જે શ્રીજીમહારાજે ખાવા-પીવાનું, ઓઢવા-પહેરવાનું, રહેવાનું ઘણું આપ્યું છે, પણ એક જડ ને ચૈતન્ય માયાનો જ ત્યાગ રાખવાનું કહ્યું છે. માટે તેનો તો પ્રસંગ જ થાવા દેવો નહિ. બોકડવટ કર્યું તો વેષ ભજવવો, ને જો વેષ ન ભજવાય તો બોકડવટ કરવું નહોતું એટલે સંસાર મૂકીને સાધુ થાવું નહોતું. સાંખ્યયોગી રહીને ઘરનું ખાઈને મોટાનો જોગ કરવો તે ઠીક, પણ ત્યાગી થઈને ધનનો પ્રસંગ રાખવો તે તો બહુ જ ભૂંડું કહેવાય. તેમાં તો સ્ત્રી પણ ભેળી આવી ગઈ, માટે ધનનો પ્રસંગ રાખે તેના ધણી મહારાજ ને અમે નહિ થઈએ. માયા તો જ્યાંથી ત્યાંથી ગરી આવે એવી છે, માટે સાવધાન રહેવું.”

“મોટા મોટા સંત છે તે તો પરભાવમાં એટલે મહારાજની મૂર્તિમાં રહીને અને અવરભાવમાં એટલે આ સ્થળમાં રહીને મૂર્તિનું સુખ ત્રણે અવસ્થામાં ભોગવે છે; માટે મૂર્તિનું સુખ લેવું, પણ બીજું સંભારવું નહિ. આ જડ-ચૈતન્ય માયાના નિષેધની વાત કરીએ છીએ તેમાં કોઈને દુઃખ તો નથી લાગતું ને? આ તો આપણા બાપની કહેલી વાત કરીએ છીએ, માટે દુઃખ લગાડશો નહિ. આ લોકમાં ગૃહસ્થમાં કોઈના બાપે મરતી વખતે કહ્યું હોય જે, ‘મારી કેડે આમ કરજે’ તો તે પ્રમાણે જ તેના દીકરાને કરવું પડે છે. તો આ તો શ્રીજીમહારાજનાં વચન છે તે પાળવાં જ જોઈએ અને તો જ મહારાજ ને મુક્ત રાજી થઈને સુખિયા કરે; પણ વચન ન પાળે તો સુખિયા કરે નહિ. આ જોગમાં રહીને એવા અવળા સ્વભાવ રાખવા નહિ ને પાત્ર તો પોતાને જ થાવું જોઈએ. આજ્ઞા, નિયમ યથાર્થ પાળે તે પુરુષપ્રયત્ન કહેવાય; તે પુરુષપ્રયત્ન પણ પોતે જ કરવો, તો મહારાજ ને મોટા પછી કૃપા કરે.” ।।૧૬૬।।