સંવત ૧૯૮૪ના ચૈત્ર વદ-૪ને રોજ કણબીની ચોવીશ ગામની નાતના હરિભક્તો આવવા માંડ્યા, સાથે મંડળીઓ ઝાંઝ-મૃદંગ વગાડે, કીર્તન બોલે. કોઈ ‘આજ સખી આનંદની હેલી’, તો કોઈ ‘લટકાળો લટકંતો આવે’, ‘માણકીએ ચડ્યા રે મોહન વનમાળી’ તથા ‘ઓરા આવો મારા લેરખડા લેરી.’ કોઈ હરખભર્યા બોલે જે, ‘રાય રે તારાં શહેર બહુ સાંકડાં, મારા હરિવરના હાથીડા ન માય.’ વળી, ‘ઊઠ ઊઠ રે ભીમકની નાર તોરણે આવ્યા જગદાધાર.’ એવાં એવાં કીર્તન બોલે, ચોઘડિયાં વાગે, સભામાં સૌ બેઠા હોય.

સંતની સભામાં સૌના કંઠમાં હજારી ફૂલના હાર, મહારાજ પાસે જે દર્શને આવે તે શ્રીફળ, મેવા આદિક લાવીને મૂકે, પુરાણી અને પુસ્તકની પૂજા કરી બાપાશ્રીને હાર પહેરાવે, ચંદન ચર્ચે; તેવાં દર્શનથી સૌના હૃદયમાં આનંદ સમાય નહિ. ગામ અને સીમમાં હરિભક્તો ઊભરાતા દેખાય. એ સર્વેને જમાડવા સુખડીના મોટા ઓરડા ભરેલા તથા શીરાના હોજ કરેલા; અને ખીચડી, શાક આદિ ભોજન તૈયાર કરવા તથા પીરસવા ઘણા હરિભક્તો તત્પર થઈ રહ્યા હતા.

બાપાશ્રી તથા સંતોએ મહારાજની મૂર્તિ લઈને હરિભક્તોએ સહિત તે પાકશાળામાં પધારી, જ્યાં સુખડીના ઓરડા ભરેલા હતા ત્યાં મહારાજને પધરાવ્યા, આગળ ઘીના દીવા કર્યા. પછી સૌએ થાળ બોલી મહારાજને જમાડ્યા અને જળપાન કરાવ્યું.

તે વખતે બાપાશ્રી બોલ્યા જે, “આ સુખડી મહારાજ હેતે કરીને જમ્યા છે. તેથી આ પ્રસાદી જમનારા અપાર સુખમાં પહોંચશે; કેમ કે મહારાજ તથા અનંત કોટિ મુક્તો જમ્યા એવી પ્રસાદી ક્યાંથી મળે?”

તે વખતે સાધુ દેવજીવનદાસજી પંખેથી વાયુ નાખતા હતા. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમે મહારાજને વાયરો નાખો છો તે બોલતા જાઓ જે, ‘તમે જમો ને ઢોળું હું તો વાયરે વારી જાઉં વાલમજી.’” એમ રમૂજ કરી.

પછી થાળીમાં વાટો પ્રગટાવી બાપાશ્રી તથા સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતોએ મળી આરતી ઉતારી.

પછી બાપાશ્રી એમ બોલ્યા જે, “આપણે આવા યજ્ઞ કારણ મૂર્તિ શ્રીજીમહારાજને રાજી કરવા કરીએ છીએ. તેથી જુઓને! મહારાજ મંદમંદ હસે છે, સૌને અમૃત નજરે જુએ છે.” તે વખતે નારાયણપુરના ખીમજીભાઈએ છડી પોકારી સૌને રાજી કર્યા.

પછી બાપાશ્રીએ સ્વામી આદિ સંતોને કહ્યું જે, “આ સુખડી જે જમશે તેનો અમે આત્યંતિક મોક્ષ કરી મૂર્તિના સુખમાં રાખશું. તમો પણ સર્વે એવો સંકલ્પ કરજો. આપણે કોઈને મૂકવા નથી. આ સભાનો દિવ્યભાવ આવે એટલે કાંઈનું કાંઈ કામ થઈ જાય અને જો અભાવ આવે તો મોક્ષમાં વાંધો આવી જાય.”

એમ કહીને ત્યાંથી શીરાના હોજ પાસે જવા સૌ ચાલ્યા. મારગમાં હરિભક્તો કીર્તન બોલતા હતા તેથી સર્વે નાના-મોટા દર્શન કરી રાજી થતા. પાકશાળામાં શીરો આદિક પાક તૈયાર કરનારા બાપાશ્રી તથા સંતોને આવતાં જાણી અતિ હર્ષાયમાન થયા અને પોતપોતાનાં સ્થાનકે ઊભા રહી બાપાશ્રીને હાથ જોડી જય સ્વામિનારાયણ કહ્યા. ત્યારે બાપાશ્રીએ સેવા કરનારા હરિભક્તો ઉપર અમૃત નજરે અતિ પ્રસન્નતા જણાવી.

પછી શીરાના હોજ ભરેલા હતા ત્યાં રેશમી ચાકળાએ સહિત બાજોઠ ઉપર મહારાજને પધરાવ્યા. આગળ ઘીના દીવા તથા અગરબત્તીના ધૂપ થયા. સંત તથા હરિભક્તો ફરતા ઊભેલા ત્યાં વચમાં આસન પાથરી બાપાશ્રી તથા સદ્‌ગુરુઓને બેસાડ્યા. સંતો ‘અવિનાશી આવો રે જમવા કૃષ્ણ હરિ, શ્રી ભક્તિ ધર્મ સુત રે જમાડું પ્રીત કરી’ એ થાળ બોલવા લાગ્યા. થાળ બોલી રહ્યા ત્યાં સુધી બાપાશ્રી ધ્યાનસ્થ બેઠા હતા. તે જાગૃત થઈ અતિ પ્રસન્નતા જણાવી મહારાજને જળપાન કરાવ્યું. ત્યાં પણ શ્રીજીમહારાજની બાપાશ્રી તથા સદ્‌ગુરુઓએ આરતી ઉતારી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી. ત્યાં કરાંચીવાળા સોમચંદભાઈએ છડી પોકારી.

પછી બાપાશ્રી એમ બોલ્યા જે, “શ્રીજીમહારાજે કાંકરીએ યજ્ઞ કર્યો તે વખતે અતિ પ્રસન્નતા જણાવી પોતે અનંત મુક્તોએ સહિત થાળ જમ્યા હતા. તે રીતે આપણા યજ્ઞમાં આજ પણ મહારાજે ઘણી પ્રસન્નતા જણાવી છે. આ શીરો, સુખડી તો સર્વે દિવ્ય વસ્તુ થઈ ગઈ. આ મહાપ્રસાદી જે કોઈ જમશે તેને વગર સાધને મહારાજની મૂર્તિનું સુખ મળશે.”

એમ આશીર્વાદ દઈ સંતોએ સહિત માર્ગમાં હરિભક્તો કીર્તન બોલતાં આવે એ રીતે બાપાશ્રી મંદિરમાં પધાર્યા. આવી રીતે વૃષપુરમાં બાપાશ્રીની કૃપાથી હજારો સંત-હરિભક્તો આત્યંતિક મુક્તિના ભાગ્યવાન બન્યા.

સંતોમાં સદ્‌. સ્વામી વૃંદાવનદાસજી, સદ્‌. સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સદ્‌. સ્વામી ઘનશ્યામજીવનદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી, હરિપ્રસાદદાસજી, કેશવપ્રિયદાસજી, તથા સ્વામી શ્વેતવૈકુંઠદાસજી, સ્વામી ભગવત્સ્વરૂપદાસજી, દેવજીવનદાસજી, મુક્તવલ્લભદાસજી આદિ તથા અમદાવાદ, મુળી, વરતાલ, ગઢડા, જૂનાગઢ આદિક ધામોના સંતો આવેલા હતા તે આ યજ્ઞમાં હરિભક્તોની સરભરા કરવામાં, કથા-વાર્તા કરી સુખિયા કરવામાં તત્પર હોવાથી બાપાશ્રી પણ તેમને વારંવાર બોલાવતા, રમૂજ કરી હસાવતા, પ્રશંસા કરતા. તેથી સંતો પોતાનું અહોભાગ્ય માનતા હતા.

હરિભક્તોમાં અમદાવાદના શેઠ બળદેવદાસ, શંકરભાઈ, બહેચરભાઈ, ચુનીલાલભાઈ, સોમચંદભાઈ આદિ તથા સરસપુરના કોઠારી ઈશ્વરદાસ વગેરે ઘણાક હરિભક્તો તથા વિરમગામના ડો. નાગરદાસ અને તેમના ભાઈ મણિલાલ તથા વઢવાણવાળા માસ્તર કેશવલાલ, પાટડીના નાગજીભાઈ, વાંસવાના શામજીભાઈ, માંડલના ઠક્કર મોતીભાઈ, રણછોડભાઈ, મેરાઈ લવજીભાઈ આદિ, મેડાના મોહનભાઈ, જટાભાઈ આદિ તથા ડાંગરવાના મિસ્ત્રી દલસુખરામ, મણિપરાના જીવા પટેલ, ઝવેરભાઈ આદિ તથા જોષીપરાના કલ્યાણદાસ, ખોડીદાસ આદિ તથા ધરમપુરના ઝવેરભાઈ, ભાવજીભાઈ આદિ તથા કડી, કરજીસણ આદિ ઘણાંક ગામોના હરિભક્તો અને અશ્લાલીના જેઠાભાઈ તથા રાવસાહેબ બાલુભાઈ, વહેલાલના ચતુરભાઈ તથા કણભાવાળા આશાભાઈ તથા પટેલ ભલાભાઈ, છોટાભાઈ, ગોધાવીના માસ્તર જગન્નાથ તથા તેમના દીકરા મણિલાલ આદિ, મોડાસરના માસ્તર લલ્લુભાઈ તથા રનોડા, ઉપરદળ, રેથલ આદિ નળકંઠાના ઘણાક હરિભક્તો સૌ બાપાશ્રીને રાજી કરવા અતિ હર્ષાયમાન થકા સેવા કરતા હતા. તથા ભાલ, ચરોતર, કાઠિયાવાડ, ઝાલાવાડ, હાલાર, કલકત્તા, કટક, ઝરિયા, કરાંચી, સુરત, ભરૂચ, ખંભાત આદિ દેશોદેશના હરિભક્તોથી વૃષપુરમાં ચાલવાની જગ્યાએ પણ ભીડ થઈ રહી હતી. માલણિયાદના ચતુરભાઈ, વેલસીભાઈ, જેઠાભાઈ, ઈશ્વરલાલ, પ્રાણજીવન આદિ સવારથી રાત સુધી સેવાઓ કરતા.

જ્યારે ગરબી ગવાય ત્યારે તેમનાં હેત સૌને દેખાઈ આવતાં. તેથી બાપાશ્રી પોઢ્યા હોય તોય જાગીને એ ગાતા હોય ત્યાં વચ્ચે આવીને બેસે, પ્રશંસા કરે, પ્રસાદી આપે, મળે. એ જ રીતે ગામોગામના હરિભક્તો પણ જુદી જુદી રીતે બાપાશ્રીને રાજી કરી પોતાને કૃતાર્થ માનતા હતા. બાઈઓનો સમૂહ પણ જ્યાં બાપાશ્રીનાં દર્શન થાય ત્યાં છેટેથી જય સ્વામિનારાયણ કરતાં તથા યજ્ઞની સામગ્રી તૈયાર કરવાની સેવા કરી બાપાશ્રીની પ્રસન્નતા મેળવી મહારાજને રાજી કરવા કોઈ રાત કે દિવસ જોતાં નહિ. હરિભક્તો કોઈ થાકને તો ગણે જ નહિ. જાગ્રત, સ્વપ્નમાં એક જ તાન– મહારાજ તથા બાપાશ્રી અને સંત-હરિભક્તનાં દર્શન. કથા-કીર્તન તથા પંક્તિ ટાણે દર્શન. વળી આરતી થાય, ચોઘડિયાં વાગે એ સર્વેમાં પણ આનંદ ને આનંદ. એવી રીતે સૌ આત્યંતિક મુક્તિના ભાગ્યવાન થતા હતા.

બે દિવસ રાત્રે પાલખીમાં મહારાજને પધરાવી આગળ ગામોગામની મંડળીઓ ઉત્સવની ઝીંક વગાડે, આરતી વાગે, છડીદાર ‘મહારાજાધિરાજાને ઘણી ખમ્મા’ એમ ઊંચે સ્વરે બોલે, ચમર ઢોળે. શેરીઓમાં કોઈ આવે-જાય એટલી જગ્યા પણ મળે નહિ. સૌને હર્ષ સમાય નહિ, ગુલાલ ઊડે, વચમાં હેતવાળા હરિભક્તો મંડળીઓને પાણી પાય.

કીર્તનમાં પણ હેત ઊભરાય. ‘મારો વાલોજી વરતાલ આવ્યા’, ‘મહારાજ આજ વરતાલથી આવશે’, ‘માણકીએ ચડ્યા રે મોહન વનમાળી’, ‘લટકાળો લટકંતો રે આવે’, એવાં જુદાં જુદાં કીર્તન બોલે.

એ રીતે શેરીએ શેરીએ પાલખી લઈ જાય. સૌ દર્શન કરે, શ્રીફળ તથા રૂપામહોર મહારાજને ભેટ કરે. ચોક વચ્ચે સલોકા બોલાય; એમ ગામ આખામાં ફરી પાછા ગાજતે-વાજતે સૌ મંદિર આવે. મંદિરના બારણેથી મંડળીઓને કીર્તન બોલતાં બબ્બે કલાક થઈ જાય, પણ એકબીજા થાકે નહિ. એ બધા જ્યારે ચોકમાં આવે ત્યારે બાપાશ્રી સૌને રાજી થઈ પ્રસાદી આપે. રાત્રે વાડીઓમાં ગામોગામના હરિભક્તો કીટસન લાઈટો વચમાં રાખી ગરબીઓ ગાય, કેટલીક મંડળીઓ ઉત્સવ કરે. એકબીજા થાકે નહિ, ઊંઘ-ઉજાગરાનું તો કોઈ યાદ જ ન કરે. સવારોસવાર કીર્તન બોલાય. આ રીતે આ યજ્ઞમાં વૃષપુર મહામોટું ધામ બની ગયું હોય તેમ શોભી રહ્યું હતું. ।।૧૩૯।।