સંવત ૧૯૮૪ના ચૈત્ર વદ-૬ને રોજ સવારમાં અમદાવાદના શેઠ બળદેવભાઈ તથા ભુજના ભોગીલાલભાઈ, ધનજીભાઈ, લાલશંકરભાઈ તથા રામપુરના દેવરાજભાઈ અને ભારાસર તેમજ નારાયણપુરના મોટેરા હરિભક્તો તથા કરાંચીના લાલુભાઈ અને પાટડીના નાગજીભાઈ, ડો. નાગરદાસભાઈ, મણિલાલભાઈ, શિવલાલભાઈ આદિ મોટા મોટા હરિભક્તોને બાપાશ્રીના મોટા પુત્ર કાનજીભાઈએ કહ્યું કે, “આજે આપણે ત્યાં ઠાકોરજીની છાબો ભરાય છે માટે તમે ઘેર ચાલો.” એમ કહી સૌને ઘેર તેડી ગયા.

મંદિરમાં કથા ચાલુ થઈ. સમાપ્તિનો દિવસ હોવાથી જરિયાની તથા સોનેરી વસ્ત્ર અને રૂપામહોરભરી છાબો તૈયાર કરી મંદિરમાં લાવતાં આગળ મંડળીઓએ ઉત્સવ કરી કીર્તન બોલવા માંડ્યા જે, ‘વાલો વધાવું મારો વાલો વધાવું; આજની ઘડી રળિયામણી રે મારો વાલો વધાવું’ એ કીર્તન બોલતાં સૌ મંદિરમાં આવ્યા. છાબો સભામાં મૂકી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલ્યા. કથાની સમાપ્તિ થઈ ત્યારે બાપાશ્રી તથા તેમના પુત્ર-પૌત્રાદિકે મળી આરતી ઉતારી. પુરાણી આદિક સર્વે સંતોને વસ્ત્ર ઓઢાડ્યાં. સભામાં ‘આનંદ આપ્યો અતિ ઘણો રે’ એ કીર્તન બોલાતું હતું. પછી હરિભક્તોને પૂજા કરવાની છૂટી થઈ. ત્યારે સૌએ સંતોની પૂજા કરી અને ભુજના મંદિર તરફથી કોઠારીએ બાપાશ્રીને તથા તેમના પુત્રોને પાઘડીઓ બંધાવી. પછી સદ્‌ગુરુઓએ તથા બધા સંતોએ બાપાશ્રીને ચંદન ચર્ચ્યાં અને હરિભક્તોએ પણ સંતોને ધોતિયાં ઓઢાડ્યાં તથા બાપાશ્રીને પાઘડીઓ બંધાવવા માંડી. એમ બે કલાક થઈ, ત્યારે બાપાશ્રી કહે, “હવે હરેને મોડું થાય છે તે રાખો ને સહુ પંક્તિમાં જાઓ. સંતો પણ ઠાકોરજીને જમાડવા જાય. આવા દિવ્ય સુખમાં કોઈને મૂર્તિ વિના બીજું કાંઈ સાંભરે તેવું નથી.”

તે વખતે કાલાવડથી રાજકવિ માવદાનજી આવેલા તેમણે સંતો પાસે પ્રાર્થના કરી બાપાશ્રીના ગુણનું તથા દિવ્યભાવનું વર્ણન કવિતામાં કરેલ તે બોલ્યા. તેની પ્રથમ ટૂંક ‘કળિયુગમાં કલ્યાણકારી આજ અબજીભાઈ છે’ તે ઘણી કડીઓ એક પછી એક બોલતાં સંત-હરિભક્તો સૌ પ્રસન્ન થઈ રહ્યા. તેમાં સાર એવો હતો કે આ સમયમાં સત્સંગમાં આપે મહારાજનું સુખ આપવાનો સુગમ માર્ગ કર્યો, આત્યંતિક મુક્તિના કોલ આપ્યા, અનાદિની સ્થિતિ કરાવવા અતિ સામર્થી વાપરી, કણબી કુળમાં પ્રગટ થવા છતાં તત્ત્વજ્ઞાનીને પણ અગમ્ય એવા ગૂઢ જ્ઞાનની લહાણી કરી, અનેકને તાર્યા, ઉગાર્યા, દુખિયા મટાડી સુખિયા કર્યા, શરણાગત પર અઢળક ઢળ્યા.

શ્રીજીમહારાજની પ્રસન્નતા જેને આ સમયે જોઈતી હોય તેને થોડે દાખડે ને વગર સાધને ‘કળિયુગમાં કલ્યાણકારી આજ અબજીભાઈ છે’ એવાં વચનોની ટૂંક વારંવાર બોલી બાપાશ્રીને પાઘડી બંધાવી, સંતો તથા હરિભક્તોને અતિ રાજી કર્યા ને પોતે સભામાં બોલ્યા જે, “મહારાજે મારા પર દયા કરી જેથી મને આ યજ્ઞમાં બાપાશ્રીને પ્રસન્ન કરવાનો લાભ મળ્યો.” એ પછી બીજા હરિભક્તો પણ એ યજ્ઞના મહિમાના શ્લોક બોલ્યા.

તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “હવે સૌ રાખો. ઠાકોરજીને જમાડવાનું હવે મોડું થાય છે.” એમ કહી સભાની સમાપ્તિ કરી. પછી બાપાશ્રી સંતોને તાણ કરી જમાડી હરિભક્તોની પંક્તિમાં બે-ત્રણ કલાક ફર્યા. હરિભક્તો હાથ જોડે, હાર પહેરાવે, દંડવત કરે, ચંદન ચર્ચે, કોઈ નાનાં નાનાં છોકરાને બાપાશ્રી પાસે લાવી માથે હાથ મુકાવે, બાપાશ્રી પંક્તિની વચમાં જરા ટૂંકુ ધોતિયું પહેરેલ ને ઢીંચણથી નીચે સુધી જાડી ઘેરવાળી આંગડી ને માથે સાદી પાઘડી, ખભે ખેસ અને હાથમાં લાકડીએ સહિત ફરે. હરિભક્તોનો સમૂહ ફરતો ચાલે.

એ રીતે ધીરે ધીરે ચાલતાં સૌને દર્શન દેતાં પીરસનારાઓને કહે જે, “ખૂબ પીરસજો, કસર મ રાખજો; નહિ તો મહારાજ લડશે.” એમ કહી પીરસવાનું કહેતા.

કોઈ લે નહિ તેને એમ કહે જે, “આ પ્રસાદ દુર્લભ છે. શ્રીજીમહારાજ ને અનંત મુક્ત જમ્યા એવી પ્રસાદી ક્યાંથી મળે! તમે ના ન પાડો, નહિ તો દેવતા આકાશમાંથી આવીને લઈ જશે.”

વળી પીરસનારા તથા પાકશાળાના આગેવાન હરિભક્તોને બાપાશ્રી કહે જે, “પંક્તિમાં શીરો તથા સુખડી પીરસાવવામાં ખટકો રાખજો. જરાય બીશો નહિ કે કેમ થાશે. જેતલપુરના યજ્ઞ વખતે દેવ સરોવરમાં બ્રાહ્મણોએ લાડવા નાખી દીધા હતા તથા કાંકરિયે યજ્ઞ થયો ત્યારે લાખો મનુષ્યો તથા પશુ-પક્ષી જમતાં હતાં, પણ મહારાજે એક કૂડલામાંથી ઘી કાઢી સૌને જમાડી દીધા ને જરાય ખૂટવા ન દીધું. એ જ મહાપ્રભુ આ પાકશાળામાં દિવ્ય રૂપે બધાયની સેવા તથા ભક્તિભાવ જોઈ રહ્યા છે, સેવા કરનારા પર રાજી થાય છે. માટે કોઈ વાતે ફિકર મ રાખજો ને ખૂબ પીરસજો. આ પંક્તિમાં શ્રીજીમહારાજ પોતે સંતોએ સહિત ફરે છે. એ મૂર્તિને રાજી કરવા આ યજ્ઞ છે તેથી સૌ ખટકો રાખજો.”

એમ કહી બાપાશ્રી પંક્તિમાં ફરતા હતા, તે વખતે ભડાકા થયા એટલે જમવાની છૂટી થઈ. ચોઘડિયાના નાદથી તથા મંડળીઓના ઉત્સવથી વૃષપુર ગાજી રહ્યું હતું.

પછી બાપાશ્રી પોતે હરિભક્તોની પંક્તિમાં સૌને સુખડી પીરસવા લાગ્યા. આગળ હરિભક્તો સુખડીનાં પાત્ર ઉપાડી ચાલે તેમાંથી પોતે ધીરે ધીરે ચાલતાં ઊભા ઊભા મોટા મોટા કટકા સહુને આપે, હરિભક્તો હાથ ધરે, પાત્ર ધરે, તેને સુખડી આપે. એમ પંક્તિમાં દર્શન દઈ સહુને રાજી કરતાં ટૂંક બોલ્યા જે, “સુખડી સુખ દેશે અપાર, જમ્યા છે પોતે ધર્મકુમાર.”

એમ બોલી અતિ પ્રસન્નતા જણાવીને કહ્યું જે, “અમારે તો આમ સુખડી જમાડીને, શીરા જમાડીને, કથા-વાર્તા રૂપી બ્રહ્મયજ્ઞ કરીને સર્વને મૂર્તિનું સુખ આપવું છે. આ સમે શ્રીજીમહારાજની અપાર દયા છે તેથી મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ ભોગવવું. મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ જોયા જેવું નથી. અમે તો ગમે તે કામ કરીએ, વાતો કરીએ, કોઈને હેતે કરીને મળીએ, કોઈને વઢીએ, કોઈને વખાણીએ, જમીએ કે જમાડીએ; એવી અનેક ક્રિયા કરીએ, પણ મૂર્તિને ઘડીવાર મૂકીએ નહિ. આવી દિવ્ય સભાનો જે ગુણ લેશે તેને પણ મૂર્તિમાં મૂકી દેશું. આવો અમારો અભિપ્રાય છે તે જે જાણતા હોય તેને આનંદ વર્તે. આ લોકમાં તો એકે કાંઈ કીધું ને બીજાએ કાંઈ કીધું એવું ચાલે છે, પણ જેને મહારાજ તથા મોટા મુક્ત મળ્યા છે તેને એ કામનું નથી. આપણે તો મૂર્તિના સુખરૂપ મહારસનું પાન કરવું; એ અમૃતરસ મેલીને પ્રકૃતિના કાર્યમાં કુટાવું નહિ. આ સમે મહારાજે જીવો ઉપર ઘણી દયા કરી છે તેથી વાંક-ગુના સામું જોતા નથી. નજરે ચડ્યા તે ન્યાલ થાય છે.” એવી રીતે વાતો કરતા.

બાપાશ્રી સૌને દર્શન દઈ આંબાની છાંયે પાથરેલ આસન પર બેઠા. પછી સૌ જમી જમીને આવતાં મોટી સભા ભરાઈ.

બાપાશ્રીએ તે વૃક્ષ નીચે વાત કરી જે, “આ યજ્ઞમાં જે જે આવ્યા અને જે આ મહાપ્રસાદી જમ્યા તેનો છેલ્લો જન્મ થયો જાણજો. અમે તો સૌને મૂર્તિમાં રાખવાનો સંકલ્પ કર્યો છે. આ સભા દિવ્ય છે. આ મુક્ત સર્વે અક્ષરધામના છે, મૂર્તિમાં રહેનારા છે. મહારાજના અનાદિમુક્તોએ દયા કરીને મૂર્તિનું સુખ પમાડવા આવા માર્ગ કાઢ્યા છે. અમે તો આજ સુધી આવાં જ કામ કર્યાં છે. અમને બીજું કાંઈ આવડતું નથી. તમો આ યજ્ઞ, આવાં દર્શન, આ જમવું-રમવું અને મળવું, એ બધુંય સંભારી રાખજો.”

એમ કહીને આશાભાઈને આગળ બોલાવ્યા ને એમ કહ્યું જે, “આવો આશાભાઈ!” પછી પોતાના હાથે તેમના માથે પાઘડી બાંધવા માંડી.

ત્યારે આશાભાઈ કહે, “બાપા તમે રાજી છો, દયા કરી સેવામાં રાખો છો તે મને ખરેખરી સાચી પાઘડી બંધાવી છે. આ સેવા ક્યાંથી મળે! તમે આવા ને આવા સદાય રાજી રહેજો એટલે મને બધુંય આપ્યું.”

ત્યારે સૌ હરિભક્તોને સાંભળતાં બાપાશ્રી બોલ્યા જે, “આ આશાભાઈ મારી રાત ને દિવસ સેવા કર્યા કરે છે. તેને ઊંઘ, ઊજાગરો, ભૂખ કે થાકની ગણતરી નથી. આ તો મહિમાની મૂર્તિ છે. હું આને વઢું, વખાણું, બોલાવું કે ન બોલાવું, રહેવાનું કહું કે જવાનું, પણ ક્યારેય અકળાય નહિ. પૂરી ઊંઘ એણે કરી મેં જોઈ નથી. હું કહું એ તો કરે, પણ ઘરમાં નાનું છોકરું હોય ને તે કહે, ‘આશા બાપા!’, તો કહે, ‘હા, બાપા!’ એમ કહેતાં તરત ઊઠીને જાય. અમારે વાડીમાં કામ હોય તો ત્યાં પણ પહોંચી જાય. મંદિરમાં સાધુ કે હરિભક્ત સર્વે તેમની સેવાએ રાજી રાજી થઈ જાય છે.”

“આ આશાભાઈ ને આ ભુજના મોતીભાઈ બંને મારા કામમાં બહુ આવે છે. મોતીભાઈ તો ઢૂંકડા રહે જેથી સમાચાર મોકલીએ કે તરત આવ્યા જ છે. તેમના દીકરા પણ એવા. અહીંના હીરજી તથા જાદવજી પણ મારી સેવા ઘણી કરે છે. અમારા કાનજી ને મનજી તો બેસવાનું કહીએ તો બેસે ને ઊઠવાનું કહીએ તો ઊઠે એવા. આ નાનો માવજી તથા જાદવો અને હરજી વગેરે મહિમાવાળા છે. એ બધાય સેવા કરનારા ખરા, પણ આ આશોભાઈ તો આશોભાઈ.”

એમ કહી પ્રસન્નતા જણાવી તેમને પોતાને હાથે પાઘડી બંધાવી અને મોતીભાઈ આદિક સૌને પણ પાઘડીઓ બંધાવી.

પછી બોલ્યા જે, “આ હીરજીભાઈનો પ્રેમજી નાનો તે પણ મારી સેવા બહુ કરે છે. નાહવા ટાણે એ પાસે આવીને ઊભો જ હોય, નવરાવે. રાત્રે એમ ને એમ પાથર્યા વિના સૂએ, ઓચિંતાનો જાગીને મારી પાસે આવે, ‘બાપા! શું કામ છે?’ ત્યારે હું કહું, ‘પ્રેમજી બચ્ચા! આ ટાણે હજી રાત છે. સૂઈ જા.’ ત્યારે જાય. સભામાં બેસે, વાતો થાય તેમાં સમજે ને સાધુ આવે ત્યારે તો દોડી દોડીને સેવા કરે. આટલી નાની ઉંમરમાં સમજણે સહિત મહિમા તે મોટાના રાજીપાનું ફળ છે.” એમ કહી તેને કંઠમાંથી હાર ઉતારીને આપ્યો ને માથે હાથ મૂક્યા.

પછી પાકશાળામાં કામ કરનારા તથા ગામોગામના આગેવાન હરિભક્તોને બાપાશ્રીએ પાઘડીઓ બંધાવવા માંડી ત્યારે સૌએ પ્રથમ બાપાશ્રીની તથા તેમના પુત્રોની ચંદન-પુષ્પહારે પૂજા કરી લહાવ લીધો. એમ યજ્ઞની સમાપ્તિ સુધી અનેક પ્રકારે બાપાશ્રીએ સૌને મૂર્તિનાં નવાં નવાં સુખ પમાડ્યાં.

પછી ગામેગામની મંડળીઓ અને નાતના તથા આસપાસનાં ગામડાંના જે જે હરિભક્તો જવા તૈયાર થાય તે સર્વેને મળીને બાપાશ્રી એમ બોલે જે, “આવા યજ્ઞ હવે થવા દુર્લભ. આ યજ્ઞ, આ સભા, સંત, હરિભક્ત સૌને સંભારી રાખજો. આ તો શ્રીજીમહારાજના સંકલ્પથી આમ દેખાય છે, પણ આ સભા સનાતન છે, દિવ્ય છે. એક એક મુનિમાં અનેક મુનિનાં વૃંદ છે. આપણે સર્વે મૂર્તિમાં જ છીએ.”

એમ કહેતાં હરિભક્તો પ્રાર્થના કરે તેને આશીર્વાદ આપી, મળી, માથે હાથ મૂકી રાજી કરતાં મહાયજ્ઞની પૂર્ણાહુતિ કરી સૌને વિદાય કર્યા.

પછી વાંસે રહેલા સંત-હરિભક્તોને કહ્યું જે, “તમો કાલે છત્રીએ રહસ્યાર્થવાળાં વચનામૃતનું પારાયણ સૌ મળીને કરો, એવો મને સંકલ્પ થયો છે.” ત્યારે સંતો રાજી થયા.

ત્યાર પછી બીજે દિવસે સવારે બાપાશ્રી નિત્યવિધિ કરીને છત્રીએ આવવા તૈયાર થયા. આગળ ઠાકોરજીની પાલખી તથા ઉત્સવિયા ઝાંઝ-મૃદંગે સહિત કીર્તન બોલતાં આવે એ રીતે બાપાશ્રી છત્રીએ પધાર્યા. સદ્‌ગુરુ સ્વામી આદિ સંતોએ પારાયણ કરવા તૈયારી કરી હતી તેથી બાપાશ્રીએ પુસ્તકની તથા સંતોની ચંદન-પુષ્પહારે પૂજા કરી. સૌ આજ્ઞા થતાં વાંચવા લાગ્યા. પછી જ્યારે સમાપ્તિ થઈ ત્યારે સંતોને વળી ચંદન ચર્ચ્યાં તે વખતે હરિભક્તો કીર્તન બોલ્યા. પછી બાપાશ્રીની સૌ સંત-હરિભક્તોએ ચંદન-પુષ્પે પૂજા કરી.

ત્યારે બાપાશ્રી એમ બોલ્યા જે, “આ સભા દિવ્ય છે, તેમાં કોઈ મનુષ્યભાવ પરઠશો નહિ. આ તો બહુ અલૌકિક પ્રાપ્તિ છે. અમારે તો સૌને મૂર્તિને સુખે સુખિયા કરવા છે. આ વાત જે જાણી રાખશે તેને મોહ નહિ થાય. પણ જે આવી દિવ્ય સભાને વિષે તથા અમારે વિષે સંશય કરશે તેને તો આ સભાથી છેટું થઈ જશે. માટે ભલા થઈને સહુ દિવ્યભાવ રાખજો. અમારે તો સૌનું સારું કરવું છે તેથી તમને કહીએ છીએ.”

પછી એમ બોલ્યા જે, “હવે હરે વખત થઈ ગયો છે, તે સમાપ્તિ કરો.” એમ કહી સંત-હરિભક્તોએ સહિત મંદિરમાં આવ્યા ને સંતોને જમાડી, હરિભક્તોની પંક્તિમાં પોતે ફરી દર્શન દઈ ઘેર ઠાકોરજીને જમાડવા પધાર્યા. થોડીવારે આવ્યા. પછી જે જે હરિભક્તો પોતાને ગામ જાય તેને મળીને અત્યંત પ્રસન્ન થઈ આશીર્વાદ આપી રજા આપે, મર્મવચનો કહે, પણ સાથે રમૂજ કરે એટલે કોઈ સમજી શકે નહિ જે, બાપા આમ કેમ બોલે છે.

તે મર્મવચન તે શું? તો “મહારાજને અંતર્યામી જાણજો. હવે સૌ આજ્ઞામાં ખબડદાર રહેજો. વચનમાં ફેર પડે તો જાણજો જે આ બાપો તે વખતે આવીને ઊભા રહેશે, પણ આમ પ્રત્યક્ષ દેખો છો તેમ તો ક્યાંથી દેખશો?”

વળી કોઈને એમ કહે જે, “આ મળવું કેવું સુગમ છે! પણ અક્ષરધામમાં મળવા જવું હોય તો કેટલું ખર્ચ કરવું પડે! અત્યારે મળો છો તે તો મહારાજે અગમ સુગમ કર્યું છે, પણ આ જોગમાં રહી જશે તેને તો આમ સુગમ ક્યાંથી થશે? આ ટાણે તો રોકડું કલ્યાણ છે. ભાદરવામાં મેહ મોંઘા ન હોય, પણ પછી તો મોંઘા ખરા. આ સભા ભેગી રાખજો. હવે મનુષ્યભાવે આમ સહેજમાં મળાય કે નહિ, પણ દિવ્યભાવે મૂર્તિમાં ભેગા જ છીએ એમ જાણજો.”

એવાં કેટલાંક વચનોમાં મર્મ કરતા, પણ સર્વેને યજ્ઞમાં બહુ સુખ આપેલાં તેથી કોઈ બાપાશ્રી આમ કેમ કહે છે તે સમજી શકે નહિ. એવી રીતે બાપાશ્રીએ મહાયજ્ઞમાં આવેલા સૌ સંતોને તથા દેશોદેશના હરિભક્તોને અપાર સુખ આપ્યાં. ।।૧૪૦।।