સંવત ૧૯૬૩ના વૈશાખ સુદ-૧૩ને રોજ સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “સામત તથા મૂળજી અને કૃષ્ણજીએ તથા ગુંદાળી ગામના બે કાઠીએ શું કર્યું તે વાત કરો”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સામત એના દીકરાની સ્ત્રીને તેડવા ગયો હતો ત્યાં તેને મહેણું દીધું જે, ‘તારા દીકરાને તો ખપ નથી ને જો તારે ખપ હોય તો તું લઈ જા.’ તે સાંભળીને વિચાર કર્યો જે, ‘હું શ્રી સ્વામિનારાયણનો ભક્ત છું ને મને મહેણું આપ્યું; માટે ઇંદ્રિય જ ન રાખવી.’ એમ વિચારીને ભસ્મ કરી નાખી.”

“અને મૂળજી અને કૃષ્ણજી કચ્છ દેશમાં ગામ માનકુવાના હતા. તે શ્રીજીમહારાજ પાસે ત્યાગી થવા ગયા હતા; તેમને મહારાજે ત્યાગી ન કર્યા ને પાછા વાળી મૂક્યા. તેમણે ભગવાં લૂગડાં પહેરીને ગામમાં ઝોળી માગવા માંડી. પછી તેમના સંબંધીએ રજા આપી એટલે ગઢડે આવ્યા. તેમને શ્રીજીમહારાજે વિમુખ કરીને કાઢી મૂક્યા તોપણ વિમુખપણાની માનીનતા રાખી નહિ અને ઘેલા નદીને કાંઠે દેરીમાં જઈને કીર્તન બોલવા માંડ્યા. પછી શ્રીજીમહારાજે તેડાવીને ભેળા રાખ્યા.”

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “એ બેમાંથી કોણે ભસ્મ કર્યું હતું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કૃષ્ણજીએ કર્યું હતું. મૂળજીનું નામ સર્વજ્ઞાનંદ સ્વામી હતું. અને તે અમદાવાદમાં મહંત હતા અને કૃષ્ણજીનું નામ ઘનશ્યામાનંદ સ્વામી હતું.”

“અને ગુંદાળી ગામના બે કાઠી હરિભક્તને ઘેર સાધુ આવ્યા તેમને એ કાઠીની માએ ખીચડી આપી. પછી સાધુએ ખીચડી રાંધવા મૂકી, તેની ગામના ઘરડેરા કાઠીને ખબર પડી. તેણે સાધુને રસોઈ કરવા દીધી નહિ ને કાઢી મૂક્યા. તે ઘરડેરા કાઠીને તે બે ભાઈએ મારી નાખ્યો અને પોતે પણ મરાણા એવો પક્ષ રાખ્યો હતો.”

પછી વળી સ્વામીએ કહ્યું જે, “સુંદરજીભાઈ તથા ડોસા વાણિયા આદિકની વાત કરો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સુંદરજી સુતાર કચ્છ ભુજના હતા. તે રાજાની જાને જતા હતા, તેમને શ્રીજીમહારાજે વસ્ત્ર, ઘરેણાં, થોભા ઉતરાવીને કોપીન વળાવીને તુંબડી આપીને કાશીએ મોકલ્યા; તોપણ એમ ન કહ્યું જે, ‘હું જાન વળાવીને પછી જાઉં.’ તેમ જ મનમાં સંકલ્પ પણ થયો નહિ. એ મહિમા વિના થાય નહિ.”

“અને ગામ બંધિયાના ડોસા વાણિયાને કહ્યું જે, ‘તારું ધન હોય તે કૂવામાં નાખી દે ને દાણા-લૂગડાં જે હોય તે બાળી દે ને કોપીન પહેરીને તુંબડી લઈને કાશીએ જા.’ પછી તે એમ કરીને ચાલ્યા તે વડોદરે પહોંચ્યા. ત્યાં અનાદિ મુક્તરાજ સદ્‌ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી મળ્યા તેમણે પાછા વાળ્યા; ને શ્રીજીમહારાજ પાસે મોકલ્યા. તે શ્રીજીમહારાજ પાસે આવ્યા ત્યારે મહારાજે કહ્યું જે, ‘ઘેર જાઓ ને ઘરનું માણસ ઘરમાં હોય ત્યારે તમારે બહાર રહેવું અને એ બહાર નીકળે ત્યારે તમારે ઘરમાં જાવું. જો બેય સાથે ઘરમાં જાઓ તો ઉપવાસ કરવો.’ એમ આજ્ઞા કરી તે આજ્ઞા દેહપર્યંત પાળી.”

“અને રાણો, ભીમ, વશરામ ને રાઘવ એ ચાર ભાઈ ગોળીડા ગામના રાજગર બ્રાહ્મણ હતા. તેના ગામમાં યમ પેઠા. તેમને પેસતાં દેખીને તેમણે કાઢી મૂક્યા. તેમાંનો ભીમ દેહ મૂકી ગયો ને વશરામ ને રાઘવ એ બે સાધુ થયા. રાણો દેહ મૂકતી વખતે પોતાની માતુશ્રીને કહ્યું જે, ‘મારા બારમાને બીજે દિવસે તને તેડી જઈશ.’ તે પ્રમાણે તેડી ગયો હતો.”

“અને કઠલાલની ડોશી હતાં તેમણે શ્રીજીમહારાજનો અંગૂઠો પાણીના ઘડામાં બોળાવીને તે પાણી ગામના કૂવામાં નાખ્યું, તે એમ ધારીને કે ગામના લોકો પાણી પીશે તે બધાનું કલ્યાણ થાશે. એવો શ્રીજીમહારાજનો એને મહિમા હતો.”

“અને પ્રહ્‌લાદજીની વાત તો વચનામૃતમાં લખેલી છે.”

આટલી વાર્તા કરીને કથાની સમાપ્તિ કરીને “શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય અને આ સભાની માયાનો ક્ષય” એમ વર દીધો. ।।૬૨।।