સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૧૧ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ મુક્ત તો મૂર્તિમાં સળંગ રહ્યા છે, માટે મૂર્તિમાં જીવને પહોંચાડે છે અને સાધનવાળાથી મહારાજ પાસે ન લઈ જવાય. મહાપ્રભુજીનું સુખ તો અંધારે સાકર જમે તોપણ ગળી લાગે એવું છે. એ સુખ મહારાજે અને મોટાએ તમને આપી દીધું છે; ફાવે તેમ ભોગવો. સર્વેને મોટા જાણવા, પણ આપણને જેથી સુખ મળે તેમને વધારે મોટા જાણવા. આ મુક્તને વિષે મહારાજ સાક્ષાત્કાર છે એવો ભાવ આવે અને વાતમાં સંશય ન થાય ને શાસ્ત્રની સાખ ન ગોતે તો મોટા તેનું અધૂરું રહેવા દે નહિ. જેમ કલ્પતરુ સંકલ્પ સત્ય કરે છે તેમ મોટા સંકલ્પ સત્ય કરે છે. જે મોક્ષ ઇચ્છે તેને મોક્ષ મળે છે અને અવગુણ લે તો અવગુણનું ફળ મળે છે. મોટાને મોટા જાણે, પણ મોટાની કરેલી અલૌકિક વાતો સમજાય નહિ ત્યારે સંશય થાય જે સાચું હશે કે નહિ હોય, તેને ખોટ આવે છે. જેમ ગાડીમાં ભેળા બેઠા અને મૂંઝાઈને વચમાં ઊતરી પડે તો ભેળો થાય નહિ તેમ. કદાપિ વિશ્વાસ ન આવે અને વાત ન મનાય તોપણ મૂળ સ્વરૂપ જે મહારાજ તે તો સર્વેથી પર છે એમ સમજવા જ. વિશ્વાસ ન આવે તોપણ અવગુણ તો લેવો જ નહિ. જો મોટાનો દોષ આવે તો ભૂંડું થાય.”

“સુખ તો આપણને ઠીક મળ્યું છે તેને ભૂલી જવું નહિ. એને ભુલાવનાર ઘણા છે. અંતર ભુલાવે, બહાર ભુલાવે, લોક ભુલાવે, મા-બાપ ભુલાવે અને સત્સંગી પણ ભુલાવે. એવાં ઘણાં વિઘ્ન છે જે આ માર્ગ હાથ ન આવવા દે. મોટાને વિષે દોષ પરઠે તે સત્સંગમાં કુસંગ છે, બધાંય સાધન હાથ રાખે અને મોટાનો ગુણ, મહિમા અને જોગ તે ગૌણ રાખે એ ઠીક નથી. મુખ્ય રાખવાનો તો મુક્તનો જોગ તથા મૂર્તિ છે તે હાથ રાખવાં. સાધનનો ભાર રાખવો નહિ. ધ્યાને કરીને મૂર્તિ સિદ્ધ કરી હોય તેને પણ મોટા મુક્તનો જોગ જોઈએ; કેમ જે ભોમિયા તો એ છે તે મહારાજનો દિવ્યભાવ જણાવે ને મહિમા જણાવે ને જ્ઞાનનો અને સુખનો પાર પમાડે. જેમ દેહ ને જીવ જુદા પડતા નથી તેમ મહારાજ ને મુક્ત જુદા પડતા નથી. એવા મુક્ત મળે તો કારણ એટલે મૂર્તિનો સાક્ષાત્કાર કરાવી દે અને દેહાદિક કાંઈ વહાલું રહેવા દે નહિ. તેજ ને મૂર્તિ શ્વેત છે. જો મૂર્તિ વિના બીજું પ્રધાન જણાય તો એટલું અધૂરું જાણવું.” ।।૨૪।।