સંવત ૧૯૭૩ના જેઠ વદ-૬ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ સભામાં શ્રીજીમહારાજ તથા અનાદિ, પરમ એકાંતિક તથા એકાંતિક એ સર્વે વિરાજે છે ને સાધનિકને બ્રહ્મચર્ય પળાવીને મુક્ત કરે છે. જેમ રાજા રૈયતની ખબર રાખે છે, તેમ તે સાજા સત્સંગની ખબર રાખે છે. એવો આ સંતને વિષે વિશ્વાસ હોય તો સુખ આવે; માટે આવા સંતમાં હેત કરવું. ‘હેત જોઈ હરિજનનાં વાલો પોતે થયા પ્રસન્ન’. માટે શ્રીજીમહારાજ હેત જોઈને બહુ પ્રસન્ન થાય છે. આ મોંઘી વસ્તુઓ બહુ ઠેકાણે ન હોય! ઘરોઘર ન હોય! ઠામ ઠેકાણે જ હોય. આ મોંઘી વસ્તુ તમને મળી છે. આ વખતે ચીંથરે વીંટ્યાં રત્ન છે, માટે મીન તથા ચકોરની પેઠે હેત કરીને પૂરું કરી લેવું. આ વખત ને આ દાવ જો ભૂલ્યા તો પૂરું થાય એમ નથી, માટે ચાલોચાલ સત્સંગ ન કરવો; તો સુખ આવે.”

“અમે અડતાલીસની સાલમાં સ્વામીશ્રીને દર્શને અમદાવાદ ગયા હતા. ત્યાં જાદવજીભાઈ, વશરામભાઈ, કેસરાભાઈ એ સર્વે આગલે દિવસે આહીરના ગામથી દરિયે આવીને તે પછી વહાણમાં બેસીને વવાણીએથી રેલે બેસીને અમદાવાદ પહોંચેલા, અને અમે બીજે દિવસે અમદાવાદ પહોંચ્યા. ત્યારે સ્વામીએ તેમને કહ્યું જે, ‘જુઓ! આ અમારા જીવનપ્રાણ આવ્યા.’ એમ કહીને ઊઠીને મળ્યા ને બહુ રાજી થયા. એમ મોટા સુખિયા કરતા, તેમ તમને અમે સુખિયા કરીએ છીએ.”

“અમારા ગામમાં પ્લેગ આવ્યો ત્યારે સૌ ઠાકોરજીને મૂકીને વગડે ભાગી ગયા. પછી અમે શ્રી ઠાકોરજીને વાડીએ લઈ ગયા ને મંદિર કરીને પધરાવ્યા તે સૌ હરિભક્તો ત્યાં આવીને દર્શન કરે અને દાક્તર આવે તે દર્શન કરીને કહે જે, ‘તુમ અચ્છા કરતે હો, અહીં ભગવાન છે તે પ્લેગ નહિ આવે.’ પછી જ્યારે હરિભક્તોએ જાણ્યું જે, હવે પ્લેગ ગયો છે માટે ગામમાં ચાલો; ત્યારે અમે કહ્યું જે, ‘દસ દિવસ ખમીને પછી ગામમાં ચાલશું’, પણ કાનજીભાઈ આદિકે ભડાભૂટ કરીને કહ્યું જે, ‘અમારા ઠાકોરજી આપો, અમારે તો ગામમાં જાવું છે.’ તેમને અમે કહ્યું જે, ‘હજી પ્લેગ ગામમાં છે.’ તોપણ તે ગામમાં ગયા. પછી તો કાનજીને ઘેરથી જ બે-ત્રણ મનુષ્ય મરી ગયાં, તેથી દાક્તરે કહ્યું જે, ‘એનું ઘર લગાડી દો.’”

“પછી ગામધણી અને દાક્તર આપણી વાડીએ આવ્યા. તેમણે અમને કહ્યું જે, ‘ખાવંદ! અમને તમે કહ્યું હોત તો અમે ગામમાં કોઈને પેસવા દેત નહિ.’ પછી અમે કહ્યું જે, ‘અમે તો કહ્યું હતું જે હવા સારી નથી ને પ્લેગ ગયો નથી.’ ત્યારે એમણે કહ્યું જે, ‘હા, ખાવંદ! તમે એવું તો કહ્યું હતું.’ પછી તેમણે કહ્યું જે, ‘કાનજીનું ઘર બાળવાનો ઠરાવ કરીને આવ્યા છીએ.’ ત્યારે અમે બાળવાની ના પાડી ને કહ્યું જે, ‘એને બદલે અમારું ઘર બાળો, પણ એનું બાળશો નહિ અને પ્લેગ હવે જતો રહેશે.’ તેમણે અમારાં વચનના વિશ્વાસથી ઘર ન બાળ્યું, પણ કાનજીને છેટે રાખ્યો ને બધાય બહાર ગયા. પછી અમે જ્યારે કહ્યું ત્યારે ઠાકોરજીને લઈને ગાજતે-વાજતે ગામમાં પેઠા ને ગામ જમાડ્યું. ત્યારે ગામધણીએ કહ્યું જે, ‘શોક છે ને જમાડો છો તેનું કેમ?’ પછી અમે કહ્યું જે, ‘અમારે શોક ન હોય.’ તેથી તેને ગુણ બહુ આવ્યો તેથી આજ પણ આપણું વચન ઉલંઘતો નથી.”

“અને ભોજો ભક્ત હતા તેમણે કહ્યું જે, ‘વાડીમાં તો પ્લેગ નહિ આવે માટે તમે બોલાવીને મને ધામમાં મોકલો.’ ત્યારે અમે કહ્યું જે, ‘કાલે બોલાવશું.’ પછી બીજે દિવસે પ્લેગ આવ્યો ને શીરો જમાડીને તેમને ધામમાં મોકલ્યા. ત્યારે લોકો કહે જે, ‘તમે એમને અડ્યા તે તમને પાસ લાગશે.’ ત્યારે અમે કહ્યું જે, ‘અમને તો કાંઈ પાસ લાગતો નથી.’”

“અને અમે વાડીમાં સાત પારાયણો વચનામૃતની કરી ને ડોસા ડોસા દસ બેસતા, ત્યારે પણ કાનજીએ ભુજ જઈને કહ્યું જે, ‘કથા-વાર્તા કરે છે.’ તેથી સ્વામીએ કાગળ લખ્યો જે, ‘તમે માણસો ભેળા કરશો નહિ.’ ત્યારે અમે લખ્યું જે, ‘અમે કથા-વાર્તા ન કરીએ ત્યારે શું કરીએ?’ એમ મોટાઓને ઉપાધિઓ થતી આવે છે.”

“અહીં ભુજમાં સૂરજબા હતાં તેમને સંતોએ ત્રણ દિવસ સુધી મંદિરમાં પેસવા દીધાં નહિ. જ્યારે શ્રીજીમહારાજે શ્રી અચ્યુતદાસજી સ્વામીને દર્શન આપીને કહ્યું જે, ‘અમને થાળ ત્રણ દિવસથી ભાવતો નથી, કારણ કે તમે અમારા મુક્તને મંદિરમાં પેસવા દેતા નથી.’ ત્યારે સૌને પશ્ચાત્તાપ થયો ને કોઠારી પાસે સૂરજબાને વિનંતી કરીને બોલાવરાવ્યા.”

“તેમ જ આજ પણ આપણને કોઈક કહે તોપણ કામ કરી લેવું; પણ પોચા પોચા ન રહેવું. મહારાજની આજ્ઞા પાળવી ને અંગ ફેરવવું તે સૌ જાણે જે આમણે જોગ કર્યો તેથી આમનું અંગ ફરી ગયું છે. જેમ સમુદ્રમાં મીઠું પાણી આવે છે તે ખારા પાણીને ઠેલીને પાછું લઈ જાય છે, તેમ આપણે આજ્ઞામાં ફેર પડવા દેવો નહિ અને આસક્તિ ટાળીને મહારાજમાં જોડાવું. દેશ-પરદેશ ફરવું ને રમવું તે સર્વે મૂકી દેવું, અને ઊતરતા ભેગા ભળી જાવું નહિ. સત્સંગની લટક હાથ આવે ત્યારે જોગ કર્યો કહેવાય. આ સંતનાં દર્શન, સ્પર્શ, પ્રસાદથી કલ્યાણ થાય એવા દ્વિભુજવાળા આ પરમહંસ છે. આ સંત સાંભરે તો મૂર્તિ સાંભરે. માંદાને શીરો, પૂરી, લાડુ તે ઝેર થઈ પડે ને બળહીન થઈ જાય, પણ સાજો થાય તો જમાય ને બળિયો થાય તે પાંચ મણનો પત્થર ઉપાડે; તેમ આ જીવને જીવના વૈદ મળે તો આ લોકમાંથી લૂખા કરીને મહારાજના સુખે સુખી થાય એવા બળિયા કરી દે. જે સ્વામિનારાયણના છે તે સર્વે આપણા છે. તે ઉપર દયા રાખીને તેમનો મોક્ષ કરવો એ આપણું કર્તવ્ય છે.”

“આ કુંવરજીભાઈ, ઘેલાભાઈ, ભોગીલાલભાઈ, ધનજીભાઈ તથા તમે સર્વે મૂર્તિમાં રહેવા ભેળા થયા છો, તે અમે રાખીશું. આપણે બીજા માટે ભેગા થયા નથી, એક મૂર્તિ સારુ જ ભેગા થયા છીએ, માટે તમને મૂર્તિમાં ભેળા રાખીશું.”

“શ્રીજીમહારાજ વિના બીજા કાળ-કર્માદિકને તથા અક્ષરાદિક કોઈને કર્તા જાણે તે મોટો દ્રોહી કહેવાય. દેવ, દેવલાં, વૈદ, ઔષધ, જંત્ર, મંત્ર એ આદિક સર્વેને કર્તા જાણે તે પણ મોટો દ્રોહી કહેવાય. ઔષધ એનું એ હોય, પણ એથી એકને મટે ને એકને ન મટે તેનું કારણ એ જે એમાં મહારાજ ન ભળે તો ન મટે, ને ભળે તો મટે. મહારાજને તથા અનાદિને તથા પરમ એકાંતિકને જેવા છે તેવા જાણીને પછી કોઈકના કહેવાથી મોટપ ટળી જાય તો તે પણ મોટો દ્રોહી કહેવાય. માટે મરીચ્યાદિકથી લઈને મૂળઅક્ષર સુધી કોઈને કર્તા ન જાણવા. જો કર્તા એમને જાણે તો મોટો દ્રોહી કહેવાય. અને પ્રકૃતિ સુધીનું ખોટું કરે એ તો સુરતના ખાડા ગણી આવ્યા જેવું છે; કેમ કે તેમાં તેણે શું કર્યું? એ તો ખોટું જ છે. શ્રીજીમહારાજે કહ્યું છે જે, ‘અમારા તેજરૂપ પોતાને માનવું તથા અનાદિમુક્તરૂપ માનવું.’”

“જેમ ચમક લોહને ખેંચે છે તેમ અનાદિમુક્ત મૂર્તિમાં ખેંચી લે છે; જેમ મૂળજીને તથા કૃષ્ણજીને મહારાજ ખેંચતા તેમ. મહારાજની મૂર્તિમાં અનાદિમુક્ત રહે છે તે એક થઈ જતા નથી, જુદા રહે છે ને દાસપણે રહે છે. જેની દૃષ્ટિ એટલે પહોંચી ન હોય તેને એમ જણાય જે ભગવાન થઈ જવાય, પણ ભગવાન શી રીતે થઈ જવાય? કેમ જે ધણી પાસેથી સુખ લે છે, તે ધણીને કેમ ભૂલી જવાય? માટે સ્વામી-સેવકપણું તો રહે છે જ.”

પછી ઝીણાભાઈએ ભોગીલાલભાઈની ને કુંવરજીભાઈની પ્રશંસા કરી જે, “તમે બરાબર ભક્ત છો; કેમ જે ટૂંકા થયા છો એટલે મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત થયા છો.” ।।૧૯૨।।