સંવત ૧૯૫૮ની સાલમાં કાણોતરના બાપુભાઈ બાપાશ્રીનો સમાગમ કરવા આવ્યા હતા. તેમને એમના પિતાશ્રી બોઘા પટેલનો કાગળ આવ્યો જે તરત આવો. પછી તે જવા તૈયાર થયા. તેમને બાપાશ્રીએ કહ્યું જે, “ચાલો વાડીએ નાહવા જઈએ છીએ, ત્યાંથી જજો.” પછી વાડીએ જઈને નાહ્યા ને માનસી પૂજા કરીને એમને ઘેર જવાની આજ્ઞા કરી. પછી તે બોલ્યા જે, “બાપા! મને એકલાને જવું કેમ ફાવશે?” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ સામા ડુંગરામાં જુઓ.” પછી ડુંગરામાં જોયું ત્યારે તેજના મંડળમાં શ્રીજીમહારાજની મૂર્તિ દેખાણી. તે જોઈ બાપુભાઈ કહે જે, “આમ ને આમ દર્શન રહે એવી કૃપા કરો.” પછી બાપાશ્રી બોલ્યા જે, “બહુ સારું, એમ ને એમ દેખાશે.”

પછી તે ઘેર આવ્યા ત્યાં સુધી દર્શન થયાં. અને બીજે વર્ષે દર્શને આવ્યા ત્યારે પણ ઘેર જતી વખતે બોલ્યા જે, “બાપજી! હું એકલો શી રીતે જઈશ?” પછી બાપાશ્રી બોલ્યા જે, “આ રસ્તામાં જુઓ. સામું કોણ દેખાય છે?” પછી જોયું ત્યારે બાપાશ્રીને દેખ્યા. ત્યારે કહ્યું જે, “ઠેઠ આમ ને આમ દેખાશે.” એમ કહીને ચાલ્યા તે ઠેઠ ઘેર પહોંચ્યા ત્યાં સુધી છેટે ને છેટે આગળ બાપાશ્રી દેખાયા. તેમને પહોંચી વળવા સારુ બાપુભાઈ ઘણાય દોડે, પણ એટલું ને એટલું છેટું રહે ને ધીમે ચાલે તોપણ એટલું ને એટલું છેટું રહે. એવું ઘેર પહોંચ્યા ત્યાં સુધી રહ્યું. ।।૧૯।।