સંવત ૧૯૭૧ના ચૈત્ર સુદ-૬ને રોજ બપોરે સભામાં સાધુ મુક્તવલ્લભદાસજીએ પૂછ્યું જે, “મહારાજની અને મોટાની પ્રાપ્તિ થઈ છે તોપણ માયાના ગુણ કેમ વ્યાપે છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેને મહારાજની અને મોટાની પ્રાપ્તિ થઈ છે તેને જે માયાના ગુણ વ્યાપે છે, તે તો મહારાજે અને મોટાએ તેના સમાસને અર્થે રાખ્યા છે જે એને દીનપણું રહે, ને મોટાના જોગની ત્વરા રહે, ને નિર્માનીપણું રહે એટલે મોટાનો જોગ ને સેવા કરે; તેણે કરીને મહારાજની ને મોટાની પ્રસન્નતા થાય ને કૃપાએ કરીને મહિમા સમજાવે, ને મહારાજનું અને મુક્તનું સાધર્મ્યપણું પામે; એટલા માટે એ રાખ્યા છે. આજ તો મહારાજ ને મોટા સહાયમાં છે તેણે કરીને ભગવાનને માર્ગે ચલાય છે. શ્રીજીમહારાજની અને મોટા મુક્તની સન્મુખ થાય તો ઘાટ-સંકલ્પ થાય નહિ.” ।।૧૪૦।।