સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૧૩ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા. ત્યાં નાહીને બાવળ તળે બેસીને માનસી પૂજા કરી.

પછી સંતોએ કહ્યું જે, “બાપાશ્રી! વાત કરો.”

પછી બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “પરમ એકાંતિક છે તથા અનાદિમુક્ત છે તેમને તો શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજો રસ નથી; એવું જાણે તેને નિર્માનીપણું આવે, ઇંદ્રિયોના વેગ ટળી જાય ને દાસાનુદાસ થઈ રહેવાય. જ્યાં લગી શ્રીજીમહારાજ સત્સંગમાં વિરાજે છે ત્યાં લગી સર્વે કામ થાય એવું છે. ચાલોચાલ સત્સંગમાં સુખ ન આવે. જોગ કરતાં સુખ આવ્યું કે ન આવ્યું ક્યારે જણાય? તો જ્યારે મૂર્તિનું સુખ આવે ત્યારે જણાય.”

“સાધનમાત્રનું ફળ મૂર્તિ છે. જપ, તપ, સેવા, માળા, માનસી પૂજા એ સર્વે કરે; પણ તેનું ફળ જે મૂર્તિ તેના સુખનો ઉપાય ન કરે. જેમ કૂવો ખોદે છે તે પાણી થવા માટે ખોદે છે; તેમ સાધન, સેવા, સમાગમ, તેનું ફળ તે મૂર્તિ છે. આ જોગમાં શાંતિ શાંતિ રહી છે તેનું કારણ એ છે જે મૂર્તિ રહી છે. અનાદિમુક્તના શબ્દમાં સુખ આવે, કેમ જે મૂર્તિમાં રહીને બોલે છે.”

“આ જ્ઞાનરૂપી અને મૂર્તિરૂપી યજ્ઞ તે શ્રીજીમહારાજનો છે. પીરસનારા અનાદિમુક્ત છે અને જમનારા સાધનદશાવાળા છે. પરમ એકાંતિક, અનાદિમુક્ત અને શ્રીજીમહારાજ તે તો ભેળા જ છે. અનાદિમુક્ત તો મૂર્તિમાં જ રહ્યા છે. માટે મહારાજ વિના એકલા આવ્યા છે એમ ન જાણવું. એમની દૃષ્ટિમાં માયા જ નથી. આ લોકમાં બીએ, ભાગે, હારે, જીતે એ તો આ લોકની રીતિ છે, પણ તે તો મૂર્તિમાં જ છે. સાધનવાળાને સુખ આપે છે તે મહારાજ આપે છે એમ જાણે છે, પણ અમો આપીએ છીએ એમ નથી માનતા; પોતાને ગુમાસ્તા માને છે.”

“આવા મળ્યા છતાં રાંક ન રહેવું. રાજાની રાણી ભમી ભીખ માગે એવા સ્વભાવ ન રાખવા. સર્વે સામાન શ્રીજીમહારાજે આજ લાવીને આપ્યો છે, પણ જીવને અજ્ઞાનના ડચૂરા ભરાણા છે તે મનાય નહિ. જો મોટાને મન સોંપી દે તો ડચૂરા કાઢી નાખે, પણ માનને લીધે મન અર્પાય નહિ. શીતળ ને શાંત મૂર્તિ છે અને મુક્ત પણ એવા જ શીતળ ને શાંત છે. ‘શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય.’ તેમનો જોગ કરીએ તો શીતળ કરી મૂકે. જેમ ઝાબમાં પાણી ભરાય છે તેમ નિર્માનીમાં ગુણ ને મૂર્તિ આવે છે અને મોટાનો રાજીપો થાય છે.” ।।૩૦।।