એક સમયે નારાયણપુરમાં ફૂલડોલને દિવસે બાપાશ્રી ધનજીભાઈની વાડીએ ગયા હતા. ત્યાં આંબા તળે ધ્યાનમાં બેસી રહ્યા. પછી અર્ધા કલાકે જાગ્યા, ત્યારે ધનજીભાઈ આદિક હરિભક્તોએ કહ્યું જે, “અમારે રંગ નાખવાની હોંશ હતી, પણ આપ તો ધ્યાનમાં બેસી રહ્યા.” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “ગોડપરમાં કુંવરજીએ દેહ મૂક્યો તેને ધામમાં મૂકવા ગયા હતા.”

પછી કુંવરજીનો ભાઈ કાનજી ત્યાં હતો તેને જોઈને બાપાશ્રી બોલ્યા જે, “કાનજી! તારો ભાઈ દેહ મૂકી ગયો છે માટે તું ઝટ ઘેર જા.” ત્યારે કાનજી ઘેર ગયો. ત્યાં કુંવરજીને દેન દેવા લઈ ગયા હતા તે અગ્નિસંસ્કાર કરતી વખતે ભેગો થયો, ને બાપાશ્રીએ કરેલી વાત કહી તે સાંભળી સૌ આશ્ચર્ય પામ્યા. ।।૫૪।।