સંવત ૧૯૮૨ના આસો વદ-૭ને રોજ સવારે વૃષપુરના મંદિરમાં વચનામૃતની કથા વંચાતી હતી.

ત્યારે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, “મહારાજ અમને ઠેલી ઠેલીને પોતાનો મહિમા કહેવા સારુ મૂકે છે તેથી મહારાજનો મહિમા જેવો છે તેવો કહીએ છીએ, પણ એ મહિમાની વાતો કેટલાક સમજી શકતા નથી તેથી સંશય કરે છે જે, તમે આમ કેમ કહો છો? તેઓ મહારાજનો મહિમા, ઐશ્વર્ય, પ્રતાપ જેવો છે તેવો જાણી શકતા નથી તેથી એમ બોલે છે. આગળ પણ જેને સંશય થતા તે માનતા નહિ.”

પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, “બાપા! શ્રીજીમહારાજ સાથે આવેલા મુક્તો તો મહાપ્રતાપી હતા. તે તો જેવા શ્રીજીમહારાજ સર્વોપરી છે તેવા જ વર્ણન કરતા, એવા મોટાના જોગવાળા સર્વોપરી મહિમા કહેવામાં અટકે નહિ. તોય જીવને સંશય કેમ રહેતો હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ વખતે પણ બધાયને મહિમા એક સરખો ન કહેવાય. શ્રીજીમહારાજ પોતાની સાથે જે મુક્તોને લાવે છે તે તો એ મૂર્તિના સુખભોક્તા હોય તેથી તેમનું કાંઈપણ અજાણ્યું હોય નહિ. પણ કેટલાક બીજાં ધામમાંથી આવેલા હોય તે જેવો છે તેવો મહિમા જાણવામાં અટકે ખરા. જ્યારે મહારાજ મનુષ્યચરિત્ર કરતા હોય, પોતાના પ્રતાપને ઢાંકીને વર્તતા હોય ત્યારે તેમની રીત જુદી જ દેખાય. તે જુઓને! ‘સત્સંગિજીવન’ ગ્રંથ લખાતો હતો ત્યારે સાત દિવસ સુધી સદ્‌. નિત્યાનંદ સ્વામીએ સૌથી જુદા પડી મહારાજને જેવા છે તેવા લખાવવા તે ગ્રંથ અટકાવ્યો હતો. તે સમયે મહારાજે સદ્‌. શ્રી નિત્યાનંદ સ્વામીની ખૂબ પરીક્ષા લીધી, પણ સ્વામી લેશમાત્ર ડગ્યા નહિ.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “બાપા! ‘સત્સંગિજીવન’ ગ્રંથ લખાતો હતો ત્યારે સદ્‌. નિત્યાનંદ સ્વામીની કેવી રીતે પરીક્ષા લીધી હતી તે વિસ્તારથી સમજાવવા કૃપા કરો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજે ‘સત્સંગિજીવન’ ગ્રંથ કરવા માંડ્યો ત્યારે મોટા મોટા સંતોને પૂછ્યું જે, ‘આ ગ્રંથમાં અમને કેવા લખવા?’ ત્યારે કેટલાક સંત કહે કે, ‘આપની જેમ ઇચ્છા હોય તે પ્રમાણે લખો.’ કેટલાક સંત એમ બોલ્યા જે, ‘મહારાજ શાસ્ત્ર પ્રમાણે લખાય તો ઘણા જીવને સમાસ થાય.’ કેટલાક સંતોએ કહ્યું કે, ‘મહારાજ! આપ જેવા છો તેવા જ લખાવોને!’ એવી રીતે જેમ જેને ઠીક લાગ્યું તેમ સર્વે બોલ્યા. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, ‘તમારો અભિપ્રાય અમે જાણ્યો; હવે અમને ઠીક પડશે તેમ કરીશું.’”

“થોડીવાર પછી નિત્યાનંદ સ્વામી મહારાજ પાસે ગયા ને કહ્યું જે, ‘મહારાજ! આવું શું ચરિત્ર આદર્યું છે? મારે સભામાં આપને કહેવું હતું, પણ આપ એમ બોલ્યા જે, ‘અમને ઠીક પડશે એમ કરીશું.’ તે તમને કેવી રીતે ઠીક પડે છે?’ ત્યારે મહારાજ કહે કે, ‘અમે શ્રીકૃષ્ણ છીએ એમ લખવા ધાર્યું છે.’ ત્યારે સ્વામી કહે, ‘મારે એટલું જ જાણવું હતું તેથી હું બોલ્યો ન હતો. જ્યારે બીજા મોટેરા સંતો સદ્‌. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા આ વાત જાણશે ત્યારે એ તો હા નહિ જ પાડે; કદાચ એ હા પાડે તોપણ હું તો હા પાડવાનો નથી.’”

“ત્યારે મહારાજ કહે કે, ‘અમે કેવી રીતે લખીએ તો તમે હા પાડો?’ ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, ‘મહારાજ! તમે સર્વોપરી, સર્વ-કારણ, સર્વ અવતારના અવતારી, સર્વના નિયંતા, અનંત કોટિ બ્રહ્માંડના અધિપતિ મહારાજાધિરાજ એવા લખો તો હું હા પાડું.’ ત્યારે મહારાજ કહે, ‘તમે તમારે આસને જાઓ; અમે જેમ ધાર્યું હશે તેમ કરીશું.’”

“તેમના ગયા પછી મહારાજે સદ્‌. ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી એ બન્નેને પોતાની પાસે બોલાવીને આ વાત કરી. તે વખતે સદ્‌. ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, ‘મહારાજ! આપ અક્ષરધામમાંથી જે સંકલ્પ કરી પધાર્યા છો તેવું જ ગ્રંથમાં લખાય તો ઘણા જીવને સમાસ થાય. બીજા અવતાર જેવા લખવાથી આપનો મહિમા જેવો છે તેવો કોણ જાણી શકે? માટે કૃપા કરી જેમ નિત્યાનંદ સ્વામી કહે છે તેમ લખાય તો આપ જેવા સર્વોપરી છો તેવા એ ગ્રંથમાંથી મુમુક્ષુ જીવો સમજીને સુખિયા થાય. જો આપનું પ્રગટપણું, સર્વોપરીપણું, સર્વાવતારીપણું, નિયંતાપણું, કર્તાપણું, કારણપણું આવા ગ્રંથમાં ન લખાય તો આપની ચોખ્ખી ઉપાસના કેમ સમજાય?’”

“તે વખતે સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા જે, ‘મહારાજ! રાજાને ચાકરની ઉપમા ઘટે? ચંદ્રમાને શું તારાની ઉપમા શોભે?’ ત્યારે મહારાજ કહે, ‘રાખો! તમારા બન્નેનો અભિપ્રાય અમે જાણી લીધો; હવે અમારી મરજી હશે તેમ કરીશું.’”

“બીજે દિવસે મહારાજે સભામાં સર્વે સંતોને બોલાવ્યા અને કહ્યું જે, ‘‘સત્સંગિજીવન’ ગ્રંથમાં અમને શ્રીકૃષ્ણ જેવા લખવાની અમારી ઇચ્છા છે.’ તે વખતે સદ્‌. નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, ‘મહારાજ! આપને અવતાર જેવા લખવાની આ સભામાં કોઈપણ હા નહિ પાડે.’ ત્યારે મહારાજ કહે, ‘સભાની વાત પછી, તમે હા પાડો છો કે ના પાડો છો?’ ત્યારે સદ્‌. નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, ‘મહારાજ! એ વાત નહિ બને, કેમ કે ચક્રવર્તી રાજાને ખંડિયા રાજાની ઉપમા લખવી શું યોગ્ય છે? જો એમ જ લખાય તો આપનો સર્વોપરી મહિમા જીવ કેવી રીતે સમજી શકે? માટે હું તો બીજા અવતાર જેવા તમને લખવાની ના પાડું છું.’”

“પછી મહારાજે સર્વે સંતોને કહ્યું જે, ‘જુઓ! આ નિત્યાનંદ સ્વામી અમારું માનતા નથી ને સામા પડે છે. માટે તમો અમારા પક્ષમાં રહો તો આ ગ્રંથ કરીએ.’ તે વખતે કેટલાક સંત એમ બોલ્યા જે, ‘મહારાજ! અમે કાંઈ નિત્યાનંદ સ્વામી સારુ મૂંડાવ્યું નથી. અમે તો તમારા જ પક્ષમાં છીએ અને રહીશું. તમે જેમ લખો એમ અમે રાજી છીએ.’ ત્યારે મહારાજ કહે કે, ‘તો તો ઠીક.’”

“પછી સંતોને મહારાજે આસને આસને ફરીને પૂછ્યું જે, ‘આ નિત્યાનંદ સ્વામી અમારા સામા પડ્યા છે, તે તમે અમારા પક્ષમાં રહેશો કે તેમનો પક્ષ રાખશો?’ તે વખતે પણ સંતોએ કહ્યું જે, ‘મહારાજ! તમારા પક્ષમાં કેમ ન રહીએ? અમે તો તમારા આજ્ઞાધીન છીએ, તમારા વચનમાં અને તમારા રાજીપામાં જ અમે કલ્યાણ માન્યું છે.’”

“પછી મહારાજ આસને પધાર્યા. વળી, અર્ધી રાત્રિએ ડુંગરજી પાર્ષદને મોકલી સદ્‌. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ બન્નેને મહારાજે પોતાની પાસે બોલાવીને સદ્‌. મુક્તાનંદ સ્વામીને કહ્યું કે, ‘આ નિત્યાનંદ સ્વામી સામા પડ્યા છે તેનું કેમ કરવું?’ ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે, ‘મહારાજ! જેમ આપની મરજી હોય તેમ કરો.’ તે વખતે સદ્‌. બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, ‘સ્વામી! નિત્યાનંદ સ્વામી કહે છે એમ કરવાનું કહોને!’ ત્યારે સદ્‌. મુક્તાનંદ સ્વામી કહે કે, ‘મારાથી એમ ન કહેવાય; તમે કહો.’ ત્યારે સદ્‌. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, ‘મહારાજ મને પૂછે તો હું એમ જ કહું.’ ત્યાં તો મહારાજ બોલ્યા કે, ‘તમને કોણ પૂછે છે તે તમે બોલ્યા? તમને તો અમારે એટલું જ પૂછવાનું છે કે તમે અમારા પક્ષમાં રહેશો કે નહિ રહો? એ કહો.’ ત્યારે સદ્‌. બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, ‘મહારાજ! નિત્યાનંદ સ્વામીનું કહેવું સાચું છે. તેથી મારો આત્મા તો નિત્યાનંદ સ્વામીના પક્ષમાં જ છે અને દેહ તો આપના પક્ષમાં રાખવો જ પડશે.’ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘અમારે દેહનું જ કામ છે. આત્મા ભલે નિત્યાનંદ સ્વામીના પક્ષમાં રાખો.’”

“પછી બન્ને સદ્‌ગુરુઓને રજા આપી તેથી તે આસને ગયા. સવારે નિત્યવિધિ કરીને વળી એ જ વાત લીધી કે, ‘સભા કરો ને સૌ સંતોને બોલાવો, અમારે નક્કી કરવું છે.’ એમ આજ્ઞા થવાથી સભા મોટી થઈ; સૌ સંતો શ્રીજીમહારાજના મુખકમળ સામું જોઈ રહ્યા હતા. તે વખતે મહારાજ બોલ્યા જે, ‘અમારા વચનમાં તત્પર હો અને અમારા પક્ષમાં રહેવા રાજી હો એટલા સંતો અમારી પાસે બેસો અને આ નિત્યાનંદ સ્વામીના પક્ષમાં જેને રહેવું હોય તે તેમના ભેળા બેસે. કોઈ અમારી મહોબતમાં તણાશો નહિ.’”

“પછી સૌ સંતો મહારાજ પાસે બેઠા. સદ્‌. નિત્યાનંદ સ્વામી તો એકલા જુદા બેસી રહ્યા. તે વખતે મહારાજે એમ કહ્યું જે, ‘જુઓ! તમારું હવે શું ચાલવાનું છે? તમે હવે એકલા થઈ રહ્યા. માટે અમારું માનો અને જેમ લખીએ તેમ હા પાડો.’ ત્યારે સદ્‌. નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, ‘મહારાજ! ભલે હું એકલો રહું, મને તમે ગમે તેમ કરો, પણ હું આપને જેવા છો તેવા જ લખવાની હા પાડીશ. મારે તમારું વચન લોપવું નથી, પણ તમારી મોટપ તથા સામર્થ્ય જાણવા છતાં બીજા અવતાર જેવા લખવાનું કહો તે કેમ માન્યામાં આવે?’”

“પછી મહારાજે કહ્યું કે, ‘તમે બધા સંત કરતાં શું મોટા થઈ ગયા? જુઓ! આ બધાય અમારું વચન માને છે ને તમે નથી માનતા, તે એમાંથી ઠીક નહિ થાય.’ ત્યારે સ્વામી કહે, ‘મહારાજ! હું પણ આપના વચનમાં જ છું. કદાચ આપની મોટપ કહેતાં દુઃખ આવશે તો સહન કરીશ, પણ બીજા અવતાર જેવું આપનું વર્ણન લખવા નહિ દઉં.’ ત્યારે મહારાજ કહે, ‘તમે માનતા નથી પણ આગળ ખબર પડશે.’”

“બીજે દિવસે દીનાનાથ ભટ્ટ પાસે મહારાજે ગ્રંથ લખાવવા માંડ્યો તે વાત સદ્‌. નિત્યાનંદ સ્વામીના જાણવામાં આવી તેથી ભટ્ટ પાસે જઈને લખેલાં પાનાં જોવા માગ્યાં અને વાંચીને તરત ફાડી નાખ્યાં. પછી કહ્યું જે, ‘મારી આજ્ઞા વિના જો તમે લખશો તો હું તમને કાઢી મૂકીશ ને મહીસાગર ઓળંગીને આ બાજુએ આવવા નહિ દઉં.’ ત્યારે ભટ્ટજી કહે, ‘સ્વામી! આમાં મારો શો વાંક! મહારાજ શાસ્ત્ર પ્રમાણે બરાબર લખાવે છે. તમે મારી મહેનત વ્યર્થ કરી તેથી મહારાજ મને ઠપકો આપશે.’ ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, ‘તમે મહારાજને કહેજો કે નિત્યાનંદ સ્વામી આ રીતે લખવાની ના પાડે છે.’ પછી ભટ્ટજીએ શ્રીજીમહારાજ પાસે જઈને આ સર્વ વાત કહી અને કહ્યું જે, ‘એમની મરજી વિના હું હવે લખી શકીશ નહિ.’”

“પછી શ્રીજીમહારાજે શુકાનંદ સ્વામીને બોલાવીને કહ્યું જે, ‘તમે નિત્યાનંદ સ્વામી પાસે જઈને એમ કહો કે શ્રીજીમહારાજે એમ કહ્યું છે કે અમે ગ્રંથ કરીએ છીએ તેમાં તમે આડા કેમ આવો છો? ને એ ગ્રંથનાં લખેલાં પાનાં કેમ ફાડી નાખ્યાં? ભટ્ટજીને લખવાની ના કેમ પાડી? તમે કાંઈ સત્સંગના ધણી નથી; સત્સંગના ધણી તો અમે છીએ તેથી અમને ગોઠે તેમ કરીએ. અમે જે કરતા હોઈએ તેમાં તમારે સામા ન પડવું. સામા પડશો તો એમાંથી ઠીક નહિ થાય.’”

“પછી સદ્‌. શુકાનંદ સ્વામીએ સદ્‌. નિત્યાનંદ સ્વામી પાસે જઈ એવી જ રીતે કહ્યું ત્યારે સદ્‌. નિત્યાનંદ સ્વામીએ તેમનું અપમાન કરીને કહ્યું કે, ‘તમે આવો સંદેશો લઈને શું આવ્યા? જાઓ મહારાજને કહેજો કે હું ધણી છું, હું. તમે જાણતા નહિ કે હું મહારાજને ભૂલીને બોલું છું. મહારાજ તો મારા પ્રાણ સમાન છે, પણ આવા સમાચાર લાવ્યા તેથી તમને કહેવું પડે છે. તમે મહારાજની ભુજારૂપ કહેવાઓ છો, તમે પાસે રહીને મહારાજના કેટલાય પ્રતાપ જોયા છે તોય મહારાજને અવતાર જેવા લખવા તે શું તમને ઠીક લાગે છે? તમે મહારાજને કહેજો કે, ‘દયા કરી ભટ્ટને જેવા છે તેવા લખવાની આજ્ઞા કરો. જો મને એ સેવા આપો તો હું તો તૈયાર જ છું.’ એમ કહેજો. અને જો એમ નહિ થાય તો હું તમને કહું છું કે ભટ્ટને આવી રીતે તો ગ્રંથ લખવા નહિ દઉં.’”

“પછી સદ્‌. શુકાનંદ સ્વામીએ શ્રીજીમહારાજ પાસે આ સર્વ વાત કહી. આવી રીતે સાત દિવસ સુધી મહારાજે સ્વામીશ્રીને સમજાવવાના ઘણા ઉપાય કર્યા, પણ સ્વામીશ્રી તો લેશમાત્ર ડગ્યા નહિ. પછી શ્રીજીમહારાજે ભગુજી આદિક પાર્ષદોને આજ્ઞા કરી કે, ‘અમારે નિત્યાનંદ સ્વામીનું સત્સંગમાં કામ નથી, કારણ કે તે અમારા કામમાં આડા આવે છે. અમારું વચન માનતા નથી તેથી તમો તેમને મારે વચને કરીને એવા વિકટ વનમાં મૂકી આવો કે ફરીથી તે પાછા આવી શકે નહિ.’”

“આજ્ઞા થતાં ભગુજી, ડુંગરજી આદિક પાર્ષદોએ સ્વામીશ્રી પાસે આવીને કહ્યું કે, ‘સ્વામી! ઊઠો! તમને વનમાં મૂકી આવવાની મહારાજની આજ્ઞા થઈ છે.’”

“તે વખતે લોયાના સુરા ખાચર સભામાં બેઠા હતા. તે ઊભા થઈ મહારાજને કહેવા લાગ્યા જે, ‘મહારાજ! આ પાર્ષદ અજાણ્યા છે તે ક્યાં મૂકી આવશે? આ કામ પાર્ષદોથી ન થાય. હું મારી સાથે દશ પસાયતા લાવ્યો છું તે સહુની પાસે ઘોડાઓ છે ને તે આવા કામમાં કસર નહિ રાખે. જો આપની આજ્ઞા હોય તો અહીં મોકલું તે હાલ ને હાલ ઘોડે બેસાડીને લઈ જાય.’ ત્યારે મહારાજે રાજી થઈને કહ્યું કે, ‘ભલે, એમને અહીં ઝટ મોકલો.’”

“પછી સુરા ખાચરે પોતાના ઉતારે જઈને તે પસાયતાને આ વાત સમજાવીને કહ્યું જે, ‘શ્રીજીમહારાજ સદ્‌. નિત્યાનંદ સ્વામીને દેશવટો દેવાના છે. એ કામ તમારા પાસે કરાવવાનું છે. તો તમે આ ઓરડીમાં પાણીનો ઘડો મૂકી કૂંચી તમારી પાસે રાખીને મહારાજ પાસે જઈને કહો જે, ‘મહારાજ! અમને કેમ બોલાવ્યા છે?’ ત્યારે મહારાજ તમને એમ કહેશે જે, ‘આ નિત્યાનંદ સ્વામીને ફરી પાછા ન આવે એવા વન-પર્વતમાં કે ઘાટી ઝાડીમાં મૂકી આવો.’ ત્યારે તમે એમ કહેજો કે, ‘અમે આપનું આ કામ કરીએ તે બદલ અમને મોજ શું આપશો?’ ત્યારે મહારાજ તમારા ઉપર રાજી થઈ મોક્ષ કરવાનું વરદાન આપશે. પછી તમે સદ્‌. નિત્યાનંદ સ્વામીને ઘોડા પર બેસારી દસ-બાર ગાઉ ફેરવી વિસામો કરાવી આ ટીમણ હું તમને આપું છું તે જમાડજો અને જ્યારે ગામ બધુંય જંપી જાય ત્યારે આ ઓરડીમાં લાવીને સુવાડજો. પછી રાત્રિએ મહારાજ પાસે જઈ મહારાજને જગાડીને કહેજો કે, ‘મહારાજ! અમે તમારા કીધા પ્રમાણે કરી આવ્યા.’ આવી રીતે શિખવાડીને સુરા ખાચરે તે પસાયતાઓને મહારાજ પાસે મોકલ્યા.”

“તે દશેય પસાયતાઓ આવી મહારાજને પગે લાગી બોલ્યા કે, ‘મહારાજ! અમને સુરા ખાચરે આપની પાસે મોકલ્યા છે તે અમારું શું કામ છે?’ ત્યારે શ્રીજીમહારાજે છેલ્લીવારે સભામાં સર્વને સાંભળતાં સદ્‌. નિત્યાનંદ સ્વામીને કહ્યું કે, ‘સ્વામી! હવે તમારે માટે જ આ બધા તૈયાર ઊભા છે; માટે માનો તો ભલે, નહિ તો થાઓ તૈયાર.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘મહારાજ! તમે મને વિકટ વનમાં મૂકો કે ઉજ્જડ અરણ્યમાં મૂકો કે પર્વતની ટોચે પહોંચાડો, પણ હું તો તમને સર્વોપરી જેવા છો તેવા લખાવવાનો જ. હવે જેમ આપની મરજી હોય તેમ કરો.’ ત્યારે મહારાજે પસાયતાઓને આજ્ઞા કરી કે, ‘આ સાધુ કોઈનું માને તેમ નથી માટે તમો તેમને એવે ઠેકાણે મૂકી આવો કે ફરીને તે પાછા આવે નહિ.’”

“ત્યારે તે પસાયતાઓ કહેઃ ‘ભલે મહારાજ! એ કામ અમારું; તેમાં કાંઈ કહેવું પડશે નહિ. પણ અમને મોજ શું આપશો?’ ત્યારે મહારાજ કહે કે, ‘આ અમારા મોટા સંત મુક્તાનંદ સ્વામીની હારે તમારું કલ્યાણ કરીશું.’ તેથી પસાયતા રાજી થયા. પછી સ્વામીને કહે જે, ‘ઊઠો! ઘોડા પર બેસો; જો નહિ ઊઠો તો બાવડાં ઝાલીને ઉઠાડવા પડશે, માટે ઝટ ઊઠો.’”

“આવાં તે પસાયતાનાં વચન સાંભળી સૌ સંતો તેમજ પાર્ષદો સભામાં બેઠા હતા તે દિલગીર થઈ ગયા ને વિચારવા લાગ્યા જે, ‘આવા સર્વોપરી નિશ્ચયવાળા વિદ્વાન સદ્‌ગુરુને મહારાજ રજા આપે છે તે ઠીક થતું નથી; પણ શું કરવું? આપણાથી તો મહારાજને શું કહેવાય?’ એમ વિચાર કરે છે ત્યાં તો સ્વામીશ્રીને પસાયતાઓએ ઘોડા પર બેસાર્યા તે મહારાજ તથા બીજા સંતો-પાર્ષદો જોઈ રહ્યા.”

“પછી પસાયતાઓ સુરા ખાચરે જે પ્રકારે શીખવ્યું હતું તે પ્રમાણે ઘોડાં આઠ-દશ ગાઉ ફેરવી રાત્રે ઓરડીએ લઈ આવ્યા. પછી મહારાજ પાસે ઉતાવળા ઉતાવળા આવીને કહ્યું જે, ‘મહારાજ! નિત્યાનંદ સ્વામીને બહુ જ છેટે વનમાં મૂકી આવ્યા. ત્યાં એવી ઝાડી ને ડુંગરા છે કે કોઈ માણસનો તો પત્તો જ ન લાગે.’ એ સાંભળી શ્રીજીમહારાજ અતિ પ્રસન્ન થઈ બોલ્યા જે, ‘તમે બહુ સારું કર્યું. જાઓ! તમારું મુક્તાનંદ સ્વામીની હારે કલ્યાણ!’ એવું વચન સાંભળી પસાયતાઓ રાજી થઈને પોતાને ઉતારે ગયા.”

“બીજે દિવસે જ્યારે સભા થઈ ત્યારે સદ્‌. મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, ‘હે મહારાજ! આજ આ સભા શોભતી નથી; કેમ જે સભાનું ભૂષણ હતું તે ગયું.’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘ત્યાગીને વળી ભૂષણ શું હોય?’ ત્યારે સદ્‌. મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, ‘મહારાજ! નિત્યાનંદ સ્વામી આ સભાનું ઘરેણું હતું. એવા સાધુ અનંત કોટિ બ્રહ્માંડમાં ગોત્યા જડે નહિ. એવા સદ્‌ગુરુને વગર વાંકે કાઢી મૂક્યા તે ઠીક તો ન થયું.’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘સ્વામી! એ અમારી ભૂલ થઈ ખરી. અમે તમને લોજમાં ગુરુ કર્યા હતા તે ગુરુપણું આજ તમે સાર્થક કર્યું અને અમારી ભૂલ ઓળખાવી. પણ જ્યારે અમે તમને બોલાવીને પૂછ્યું હતું ત્યારે તમે કહ્યું હોત તો આમ થાત નહિ.’ ત્યારે સ્વામીશ્રી કહે કે, ‘મહારાજ! મને પણ આવી ખબર નહિ કે આપ આવી લીલા કરશો. બ્રહ્માનંદ સ્વામીને તો કહેવાની મરજી હતી, પણ આપે ના પાડેલી તેથી તે પણ બોલ્યા નહોતા.’”

“ત્યારે મહારાજે કહ્યું કે, ‘એમ થયું ખરું. અમને ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું હતું, પણ તે વખતે અમે તેમને પણ એમ કહેલું જે અમને ઠીક પડશે તેમ કરીશું. નિત્યાનંદ સ્વામી હવે ક્યાંથી આવે? અને કોણ લાવે? અમે તો એ સ્વામીનાં દર્શન કર્યા વિના થાળ જમીશું નહિ.’ એમ કહી મહારાજ પાર્ષદો પ્રત્યે બોલ્યા કે, ‘નિત્યાનંદ સ્વામીને ગમે ત્યાંથી ખોળી લાવો; તેનાં દર્શન વિના અમારાથી જમાશે નહિ.’”

“ત્યારે સુરા ખાચર કહે, ‘મહારાજ! એ પાર્ષદો ક્યાંથી ખોળી લાવશે? એ તો જે મૂકી આવ્યા હોય તે જ જાય તો ખબર પડે.’ એમ કહી પસાયતાને બોલાવ્યા. તેને મહારાજે આ વાત કરી. ત્યારે તેઓ કહે જે, ‘મહારાજ! હવે એ સ્વામી ક્યાંથી જડે? એ તો ક્યાંય જતા રહ્યા હશે; કાં તો કોઈ જનાવરે ઠેકાણે પાડી દીધા હશે. ભગવાને એનું મોઢું જોવાનું લખ્યું હોય તો એ આવે. હવે તમે કહો તો જઈએ ખરા, પણ લાવવા માટે બંધાતા નથી. જો જડશે તો લાવીશું.’”

“એમ કહીને પસાયતા ગયા. પછી પ્રથમની પેઠે ઘોડાં દોડાવી રાત્રે પાછા આવી જ્યાં નિત્યાનંદ સ્વામી હતા ત્યાંથી ઘોડે બેસાડી મહારાજ પાસે લાવ્યા ને કહ્યું જે, ‘મહારાજ! સ્વામીને લાવ્યા. એ તો જ્યાં અમે બેસાર્યા હતા ત્યાં બેઠા હતા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરતા હતા. હવે તમે અમારા ઉપર રાજી થાઓ.’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘તમે આ સંતને લાવ્યા તે બહુ ભારે કામ કર્યું.’ એમ પ્રસન્નતા જણાવી કલ્યાણ કરવાનું ફરીથી વચન આપ્યું. પછી સદ્‌. નિત્યાનંદ સ્વામીને મહારાજ બાથમાં ચાંપીને બહુ હેતથી મળ્યા ને પોતે જમીને સ્વામીશ્રીને પ્રસાદી જમાડીને કહ્યું જે, ‘જાઓ, અત્યારે આસને સૂઈ જાઓ. અમે તમારા ઉપર બહુ જ રાજી છીએ.’”

“બીજે દિવસે સભા થઈ ત્યારે સદ્‌. નિત્યાનંદ સ્વામીનો હાથ ઝાલી શ્રીજીમહારાજ સભામાં પધાર્યા. સૌ સંત-પાર્ષદ જોઈ અતિ રાજી થયા. પછી સદ્‌. નિત્યાનંદ સ્વામીને મહારાજે આગળ બેસાર્યા અને કહ્યું જે, ‘સ્વામી! અમે તમારી ઘણી કસોટી કરી. તમે અમારા ડગાવ્યા પણ ડગ્યા નહિ. બીજા સંતોએ તો અમારી હા એ હા કહી, પણ તમે અમને જીત્યા; માટે આજ તમે અમારી પૂજા કરો.’ પછી સદ્‌. નિત્યાનંદ સ્વામીએ ચંદન-પુષ્પહારથી મહારાજની પૂજા કરી. ત્યારે શ્રીજીમહારાજ ઊભા થઈને સ્વામીશ્રીને બાથમાં ચાંપી ઘણું હેત જણાવીને મળ્યા ને તેમની પૂજા પણ મહારાજે કરી. અને પોતાના કંઠમાંથી હાર ઉતારી સ્વામીશ્રીને પહેરાવ્યો અને મસ્તકે હાથ મૂકી સભા પ્રત્યે બોલ્યા જે, ‘સંતો! ઉપાસક તો આવા જ જોઈએ. આ સંત અમારો સંપૂર્ણ મહિમા જાણે છે. કેટલાક તો અમારા ફેરવ્યા ફરી ગયા, પણ આ એક સ્વામી ફર્યા નહિ.’”

“પછી મહારાજે સદ્‌. નિત્યાનંદ સ્વામીને સમજાવીને કહ્યું જે, ‘શાસ્ત્રમાં લખાણ શાસ્ત્રની રીતે થાય અને તમે કહો છો તે પણ ખરું છે. અમે આ ‘સત્સંગિજીવન’ ગ્રંથ અનંત જીવના હિતને અર્થે લખાવીએ છીએ. તેથી આ ગ્રંથમાં અમારું જે રહસ્ય છે, જેવું અમારું સ્વરૂપ છે, જેવું અમારું સામર્થ્ય છે, જેવો અમારો મહિમા છે, જેવા અમે છીએ, તેમ જ જો લખીએ તો સાધારણ જીવો તથા અન્ય ઉપાસકો એ વાત સમજી શકે નહિ; એટલે સાંભળવા પણ ન આવે અને તમારી પાસે બેસે પણ નહિ. તે સર્વને આ ગ્રંથ ખેંચી લાવશે. પછી તેમને તમો અમારો મહિમા સમજાવજો. આ ગ્રંથમાં તો આમ જ ઠીક. અમારી ઉપાસના માટે અમે જે વચનામૃત ગ્રંથ કરીએ છીએ તેમાં અમારું પૂરેપૂરું રહસ્ય છે અને અમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન છે. તેને સમજીને તે પ્રમાણે જે વરતશે તેનો આત્યંતિક મોક્ષ થશે. માટે એ ગ્રંથ સર્વોત્તમ છે.’ એમ વાત કરી. એવી રીતે શ્રીજીમહારાજે સદ્‌. નિત્યાનંદ સ્વામીની પરીક્ષા લીધી હતી.”

વળી બાપાશ્રીએ બીજી વાત કરી જે, “એક સમે શ્રીજીમહારાજ ગામ તેરે બિરાજતા હતા. ત્યાં પોતાના મહિમાની ઘણીક વાતો કરી. તે સમે મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું જે, ‘સ્વામી! અમને કેવા જાણો છો?’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘હે મહારાજ! પૂર્વે થઈ ગયા જે શ્રીકૃષ્ણ તે જ તમે છો.’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘તમે કાળાતળાવે રવજીભાઈ પાસે હમણાં જાઓ. ત્યાં તેમને આ પ્રશ્ન પૂછજો.’”

“આજ્ઞા થતાં મુક્તાનંદ સ્વામી કાળાતળાવ જવા માટે નીકળ્યા. મારગમાં ચાલતાં એક સંત મળ્યા. તેમણે કહ્યું જે, ‘સાધુરામ! ક્યાં જાઓ છો?’ ત્યારે સ્વામીના મનમાં એમ થયું જે, ‘આ સંત દેખાય છે તો આપણા સાધુ જેવા, પણ હું ઓળખતો નથી. મને એમણે ક્યાંથી ઓળખ્યો હશે?’ એટલામાં તો એ સંત અદૃશ્ય થઈ ગયા. પછી સ્વામી તો આગળ ચાલ્યા. ત્યાં થોડેક છેટે એવા ને એવા બીજા સંત મળ્યા. તેમણે પણ એવી જ રીતે પૂછ્યું જે, ‘મુક્તાનંદ સ્વામી! ક્યાં જાઓ છો?’ ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, ‘કાળાતળાવે રવજીભાઈ પાસે જાઉં છું.’ એમ કહે છે ત્યાં તો એ સંત પણ અદૃશ્ય થઈ ગયા. પછી સ્વામી તો આશ્ચર્ય પામતાં થકા આગળ ને આગળ જતા હતા. થોડેક છેટે ત્રીજા સંત મળ્યા. એમણે પણ એવી જ રીતે કહ્યું જે, ‘મુક્તાનંદ સ્વામી! ક્યાં જાઓ છો?’ ત્યારે સ્વામીએ આશ્ચર્ય પામીને કહ્યું જે, ‘કાળાતળાવ રવજીભાઈને પ્રશ્ન પૂછવા જાઉં છું.’ ‘ત્યારે તે સંત બોલ્યા જે, ‘તમારે શું પૂછવું છે? જે પૂછવું હોય તે મને પૂછો.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘શ્રીજીમહારાજે મને પ્રશ્ન પૂછ્યો જે, ‘તમે મને કેવો જાણો છો?’ ત્યારે મેં કહ્યું જે, ‘પૂર્વે થઈ ગયેલા શ્રીકૃષ્ણ તે જ તમે છો.’ ત્યારે મને મહારાજે કાળેતળાવ રવજીભાઈ પાસે જવાની આજ્ઞા કરી છે.’”

“આમ મુક્તાનંદ સ્વામીએ કહ્યું એટલાકમાં તો એ સંતે લાંબો હાથ કરીને મુઠ્ઠી વાળીને ઉઘાડી ત્યાં તો કોટાનકોટિ કૃષ્ણ દેખાડ્યાને કહ્યું જે, ‘આમાં તમારા સ્વામિનારાયણ શ્રીકૃષ્ણ કયા? તે બતાવો.’ એમ કહીને ચપટી વગાડી ત્યારે તે બધાં શ્રીકૃષ્ણરૂપ અદૃશ્ય થઈ ગયાં. પછી એ સંત બોલ્યા જે, ‘આવા કોટાનકોટિ શ્રીકૃષ્ણ એક વાસુદેવબ્રહ્મના તાબામાં છે. એવા કોટાનકોટિ વાસુદેવ તે એક મૂર્તિમાન અક્ષરના તાબામાં છે. અને કોટાનકોટિ અક્ષરોથી પર શ્રી સ્વામિનારાયણ ભગવાનના તેજરૂપ અક્ષરધામમાં અનંત પરમ એકાંતિક મુક્ત શ્રીજીમહારાજની સન્મુખ રહ્યા છે તથા શ્રીજીમહારાજની મૂર્તિમાં અનંત અનાદિમુક્ત રહ્યા છે. તેમાંના અમે અનાદિમુક્ત છીએ અને આપણા સ્વામી શ્રીજીમહારાજ છે તે સર્વના ઉપરી છે; એથી પર કોઈ નથી. એવા શ્રીજીમહારાજને જાણીને પાછા વળો.’ એમ કહીને એ મુક્ત અદૃશ્ય થઈ ગયા.”

“ત્યારે મુક્તાનંદ સ્વામીએ પાછા તેરે આવીને શ્રીજીમહારાજને આ વાત કહી જે, ‘હે મહારાજ! હું અનાદિમુક્ત થકી આપનો સર્વોપરી મહિમા હવે સમજ્યો.’ પછી શ્રીજીમહારાજે રાજી થઈને કહ્યું જે, ‘અમે એવા જ છીએ એમ અમને સમજજો.’ પછી સ્વામી સભામાં બેઠા. આવી રીતે શ્રીજીમહારાજનો મહિમા સમજવો તે બહુ કઠણ છે. બધાયથી પોતાની મેળે સમજી શકાય તેવો નથી.”

તે ઉપર વાત કરી જે, “સંવત ૧૯૦૬ની સાલમાં અમદાવાદની હવેલી પૂરી થઈ ત્યારે વડતાલથી ધ. ધુ. આચાર્યશ્રી રઘુવીરજી મહારાજને તેડાવ્યા હતા. તે વખતે અ.મુ. શ્રી ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી, અદ્‌ભુતાનંદ સ્વામી, ભોમાનંદ સ્વામી આદિ ઘણા સંતો પાર્ષદોને સાથે લઈને પધાર્યા હતા. ધ.ધુ. આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ તથા શ્રી રઘુવીરજી મહારાજ બંને સભામાં એક પાટ ઉપર બિરાજતા હતા, ત્યાં વારાફરતી મોટા મોટા સદ્‌ગુરુઓ વાતો કરતા.”

“એક દિવસ સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીને સભામાં વાતો કરવાની આજ્ઞા આચાર્યજી મહારાજે કરી ત્યારે પ્રથમ થોડીકવાર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની વાતો કરીને પછી શ્રીજીમહારાજના મહિમાની અને સર્વોપરી ઉપાસનાની વાતો કરવા માંડી તેમાં સર્વે અવતારોથી મહારાજને મોટા કહ્યા. તે વાત કેટલાકને સમજાણી નહિ. પછી શણગાર આરતી થયા કેડે બન્ને આચાર્યજી મહારાજ પાસે કેટલાક સંત-હરિજનોએ જઈને કહ્યું કે, ‘સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીએ આજે સભામાં વાત કરી તેમાં ઘણાંક શાસ્ત્રોને બાધ આવે એવી વાત થઈ. માટે આપ તેમને બોલાવીને કહો તો ઠીક.’”

“પછી તેમને બોલાવ્યા ને કહ્યું જે, ‘સ્વામી! તમારે શાસ્ત્ર વિરૂદ્ધ વાતો સભામાં ન કરવી.’ તે વખતે આનંદાનંદ સ્વામીએ આચાર્ય મહારાજ પાસે ઊભેલા કેટલાક ન સમજનારા સંતો તથા હરિભક્તોને કહ્યું જે, ‘બેટી કા બાપ! તેરામાં શ્રીજીમહારાજ આવી જ વાતો કરતા. તે શું તમે નથી જાણતા?’ ત્યારે કેટલાક સંત બોલ્યા જે, ‘સ્વામી! તે દિવસ તો એવું પ્રકરણ હતું.’ પછી આનંદાનંદ સ્વામી બોલ્યા જે, ‘બેટી કા બાપ! પ્રકરણ તો ક્રિયા કા ફિરતા હે; જ્ઞાન તો મુદ્દા હે. ઉસકા પ્રકરણ નહિ ફિરતા.’”

“ત્યારે કોઈક સંતે પૂછ્યું જે, ‘વચનામૃતમાં આવી વાતો છે?’ ત્યારે શુકાનંદ સ્વામીએ કહ્યું જે, ‘હા, ઘણે ઠેકાણે છે. જુઓને, મધ્ય પ્રકરણના ૩૧મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે, ‘એવા અક્ષરાત્મક બ્રહ્મરૂપ પુરુષ ઘણાક છે અને એ અમારી ઉપાસના કરે છે.’ ત્યારે કેટલાક સંતોએ કહ્યું જે, ‘વચનામૃતમાં હોય, પણ સભામાં આવી વાત ન કરવી.’ તે વખતે અ.મુ. ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, ‘ગુણાતીતાનંદ સ્વામીને છૂટી. તમારે શાસ્ત્રવાળાને કરવી હોય તો કરજો ને ન કરવી હોય તો ન કરજો; પણ મહારાજને સર્વોપરી જાણ્યા વિના છૂટકો નથી.’”

“આ રીતે સમજાવનારા દયા કરીને સમજાવે તોપણ સમજવું તે બહુ કઠણ છે.” ।।૩।।