સંવત ૧૯૮૩ના ફાગણ વદ-૧૦ને રોજ સવારે નિત્યવિધિ કરીને બાપાશ્રીએ વાત કરી જે, “વ્યાવહારિક શબ્દ મરચા-મીઠાને ઠેકાણે વાપરવા અને ભગવાન સંબંધી શબ્દ તે તો પકવાનને ઠેકાણે જાણવા. અવશ્ય જરૂર હોય તેટલું જ બોલવું તેમજ ક્રિયા કરવી. અને જમવાનું ઝાઝું હોય, પણ મરચું-મીઠું તો તેમાં ચપટીમાં લઈને જ નખાય તથા જોઈતું જોઈતું વપરાય અને પકવાન તો પેટ ભરીને જમાય; તેમ ભગવાન સંબંધી ધ્યાન, કથા, વાર્તા, કીર્તન, ભગવાનની લીલા, ચરિત્ર, ભજન, સ્મરણ જે થાય તેટલું શ્રદ્ધા રાખી કર્યા કરવું અને બાળકિયા સ્વભાવવાળા હોય તેનો સંગ ન રાખવો. વ્યવહાર સંબંધી કાર્ય તો પોતાને અવશ્ય અને જરૂર જેટલું જ કરવું અને તેટલું જ બોલવું; કેમ કે તે ભગવાનના માર્ગમાં વિઘ્નરૂપ છે. આપણે સત્સંગમાં શું કરવા આવ્યા છીએ? તો અનાદિ મહામુક્ત છે તેમનો જોગ-સમાગમ કરવા. એ અવશ્ય કરવાનું છે તે કરી લેવું અને વચલો જે વ્યવહાર છે તે ખોટી કરે તેવો છે, માટે તેમાં ક્યાંય રોકાઈ જવું નહિ.”

પછી બાપાશ્રી એમ બોલ્યા જે, “મંદિરમાં જ્યારે હોમ-હવન કરી મૂર્તિ પધરાવી, પછી તે મૂર્તિમાં તર્ક ન કરવો જે આ ભાવ સારો છે ને આ ભાવ સારો નથી. જેમ પતિવ્રતા સ્ત્રી ઘરમાં આવી પછી કહે જે, ‘પતિ કુરૂપ છે, સારો નથી’; તેવું થાય. જેને આંખમાં કમળો થાય તેને આવા મુક્ત અને મહારાજ પીળા દેખાય. તે શું? તો આવા સંત અને આવા મુક્તમાં મનુષ્યભાવ જણાય અને મૂર્તિમાં ચિત્ર-પાષાણનો ભાવ આવે તે મંદવાડ થઈ આવ્યો કહેવાય. મહારાજે તો એમ કહ્યું છે જે, ‘અક્ષરધામની મૂર્તિ ને આ મૂર્તિમાં એક રોમનો ફેર નથી.’ સ્વામિનારાયણમાં ત્યાગ-ભાગ નથી.”

“આ તો અચળ, સનાતન ને અનાદિ છે ને સર્વેના ઉપરી છે તે કોઈથી દબાય નહિ, પણ બીજાને પોતે દબાવી દે; એવી સામર્થીએ યુક્ત મહારાજ અને મુક્ત સદાય છે, છે ને છે જ. એવા સર્વોપરી મહારાજ અને મુક્ત આ સભામાં બેઠા હોય તોપણ તેનો મહિમા ન જાણે તેને તો પરોક્ષ છે. જેને જ્ઞાન હોય તેને તો મહારાજ અને મુક્ત કોઈ કાળે પરોક્ષ થાય તેમ નથી. જેમ મહારાજ અનાદિ છે તેમ મુક્ત પણ અનાદિ છે. એવા મુક્ત તો સદાય મૂર્તિમાં જ રહે છે. જેમ દેહમાં જીવ રહે છે તેમ સાથે જ રહે છે. એવો મહિમા જાણે તો તે મહિમા જાણનારથી પણ મહારાજ જુદા ન રહે. તે મોટા અનાદિ તો સદાય મૂર્તિમાં રહે છે જેથી અનંત મનુષ્ય ખેંચાય છે. એવા મુક્તનો જોગ ક્યાંથી મળે! એવું મોટાના સમાગમનું અધિકપણું છે. તેમાંથી પ્રીતિ, આત્મનિષ્ઠા, મહિમા, સ્વધર્મ, ભક્તિ એ સર્વે આવે તો મોટું કામ થઈ જાય; માટે જોગ કરી લેવો. સર્વોપરી ઉપાસના સમજીને મોટાની સાથે જોડાય તો અનાદિમુક્તની સ્થિતિને પામે; તેને માટે બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ કે અક્ષરાદિક કોઈ ધામ નથી અને રાત-દિવસ નથી. તે તો અનંત કોટિ કલ્પ સુધી મૂર્તિમાંથી નવાં નવાં સુખ ભોગવે છે. એવા અનાદિને તો એક મૂર્તિ જ છે.”

પછી તુલસીદાસભાઈએ પૂછ્યું જે, “અક્ષરને મહારાજનું દર્શન ને સુખ હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજનું સુખ ને દર્શન અક્ષરને હોય તો અક્ષર જુદા શું કરવા રહે? મુક્ત ભેગા બેસી ન જાય? માટે અક્ષરની સભા જુદી છે અને એનો દરજ્જો પણ જુદો છે; કારણ કે અક્ષરને તેજનો પડદો રહ્યો છે. જેમ મનુષ્યને સૂર્યની મૂર્તિ દેખાતી નથી અને વાલખિલ્ય ઋષિને પ્રકાશનો પડદો નથી તેમ શ્રીજીમહારાજના જે હજૂરી મુક્ત છે તેને શ્રીજીમહારાજના તેજનો પડદો નથી; તે તો સદાય મહારાજનું સુખ ભોગવે છે.”

“આપણે તો એક મહારાજનું જ કામ છે અને એ સર્વેના કારણ છે. એમ જાણી આપણે કારણનું મંથન કરવું, પણ કાર્યનું મંથન કરવું નહિ. તે કાર્ય તે શું? તો મૂર્તિ વિના બીજાં શાસ્ત્ર, ઐશ્વર્ય, દિગ્વિજય, સમૈયા, ઉત્સવ એ આદિક સર્વે કાર્ય છે અને એક મૂર્તિ કારણ છે. માટે આપણે કારણનું સુખ ને કારણની સભા, કારણનું તેજ, કારણની સામર્થી તેનું કામ છે. તેમાં જ્ઞાનમાર્ગ તે પગથિયું છે તે જ્ઞાનમાર્ગ જાણે ત્યારે ઠેઠ પહોંચાય; નહિ તો જાણ્યા વિના ક્યાંય અટકી પડે. આ સંત બ્રહ્મવિદ્યાના ભોમિયા છે, બ્રહ્મની મૂર્તિઓ છે; અચળ, સનાતન ને દિવ્ય છે. બીજા સૌને પોતપોતાને સ્થાનકે રાખવા ને મહારાજને સર્વોપરી જાણવા. મહારાજ વિના બીજું સંભારવું તે તો ખોટી થવા જેવું છે માટે હલરવલરમાં કાંઈ નહિ વળે. આપણે તો એક મૂર્તિ જ રાખવી.” ।।૭૫।।