મુળીના સાધુ સંતદાસજી તથા ભગવત્સ્વરૂપદાસજી તથા શ્વેતવૈકુંઠદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીના શિષ્ય પુરુષોત્તમપ્રિયદાસજી આદિ સંવત ૧૯૬૮ના ફાગણ માસમાં શ્રી વૃષપુર ગયા હતા. ત્યાં બાપાશ્રીએ સર્વેને અતિ પ્રસન્ન થકા જળ હાથમાં આપીને મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપ્યા. ત્યારે સંતદાસજી કહે જે, “બાપા! હું તુંબડુ ભરવા ગયો હતો તે રહી ગયો છું માટે મને પણ હાથમાં જળ આપીને આશીર્વાદ આપો.” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પાણી અધિક કે વચન અધિક?” એમ કહીને બોલ્યા જે, “સત્પુરુષ વાક્યં ન ચળંતિ ધર્મ.” પછી કાંડું ઝાલીને કહ્યું જે, “લ્યો! આ મૂર્તિ આપી.” એમ કહીને અંતર્વૃત્તિ કરાવી દીધી.

પછી બપોરના કાકરવાડીએ નાહવા ગયા ત્યાં નાહ્યા અને પુરુષોત્તમપ્રિયદાસજી આંબા નીચે વાતો કરતા હતા. તે બોલ્યા જે, “સંતદાસજી! અહીં આવો ને, કેમ તડકે બેઠા છો?” ત્યારે કહે જે, “તાવ આવ્યો છે તે તડકો ઠીક લાગે છે.” પછી મંદિરમાં આવ્યા. ને સાંજ વખતે બાપાશ્રી ગાજર લાવીને સુધારીને બોલ્યા જે, “જેમ સાધુ બળદેવદાસચરણનો જામફળનો દહાડો કર્યો હતો તેમ આજ સંતદાસજીનો રાતડિયાનો દહાડો કરીએ છીએ.” પછી ઠાકોરજીને જમાડીને સર્વેને વહેંચી આપ્યા અને બોલ્યા જે, “હવે સંતદાસજી ધામમાં જશે.” ત્યારે નાના સનાતનદાસજી બોલ્યા જે, “બાપા! મેં કોઈને દેહ મૂકતાં જોયા નથી.” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “જાઓ ઓરડીમાં; સંતદાસજી દેહ મૂકે છે તે જુઓ.” પછી તે ગયા ને સંતદાસજીએ દેહ મૂક્યો. ।।૬૨।।