સંવત ૧૯૮૧ના વૈશાખ વદ-૪ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે “ધ્યાનની લટક એવી શીખવી જે, ‘મહારાજની મૂર્તિમાં હું છું અને બોલે છે, ચાલે છે તે તો મહારાજ કરે છે’ એમ સમજવું, પણ તે કૃપા સિવાય થાય નહિ. મોટાની કૃપા વિના ધ્યાન કરે ને સિદ્ધિઓ દેખાય ને જો તેમાં લેવાઈ જાય તો કુટાઈ પડે. પરિપક્વ નિશ્ચયવાળો લેવાય નહિ. એ સિદ્ધિઓ પણ સ્વામિનારાયણના પ્રતાપે કરીને પરિપક્વ નિશ્ચયવાળાને મળે છે.”

પછી વાત કરી જે, “એક સમયે હળવદવાળા અમરશી ભક્તના દીકરા મહાદેવ ભક્ત આ કચ્છ દેશમાં આવ્યા હતા. તેમને રામપરાના મંદિરમાં પેસવા પણ ન દીધા, ધક્કો દઈને કાઢ્યા અને બે દિવસ ખાવા ન મળ્યું, તે કેરે ગયા અને ત્રીજે ઉપવાસે એક ડોશી પાસે ગાજર માગ્યાં ને જમ્યા. પછી આપણી વાડીએ આવીને દંડવત કરવા માંડ્યા એટલે અમે કોસ હાંકવો પડ્યો મૂકીને તેમની પાસે ગયા ને ઓળખ્યા ને તેમને જમાડ્યા. પછી તે માંડવી ગયા. તે માંડવીથી પાછા આવ્યા તે આથમણી કોરે કૂવો છે ત્યાં મળ્યા ને ખૂબ વાતો કરી.”

“તે અમરશી ભક્તે શ્રીજીમહારાજ પાસે એવો લેખ લખાવ્યો હતો કે હળવદમાં જેટલા સંત હોય તે સર્વેને દર બારસે પોતાની રસોઈ આપવી. તે જેસીંગભાઈ હતા ત્યાં સુધી આપી હતી. અને તે જેસીંગભાઈ દર બારસે રસોઈ દેતા તેથી હળવદમાં તે બારસિયા કહેવાતા. અને મહાદેવભાઈ સાધુ થવા નીકળ્યા હતા તેમને શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે ના પાડી, છતાં સાધુ થયા ત્યારે મહારાજશ્રીએ શાપ દીધો કે ક્યાંય ટકશો નહિ. એ અયોધ્યાપ્રસાદજી મહારાજનો મહિમા શ્રીજીમહારાજના જેવો હતો. એમને દર્શને શાંતિ થાય એવા હતા. શ્રીજીમહારાજ રોઝે ઘોડે સત્સંગમાં ફરે છે અને મુક્તો ભેળા ફરે છે અને સત્સંગની રમત જુએ છે.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “જુએ છે ખરા, પણ કરતા તો કાંઈ નથી.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આપણે ભગવાનના ભક્તને કાંઈ નથી ગયું. જે ખપે તે સત્સંગમાં છે. ખજીનો સાજો ભર્યો પડ્યો છે, પણ બાળકિયા સ્વભાવને લીધે ખબર પડતી નથી. જો મૂર્તિનો આનંદ અને ખુમારી હોય તો બીજું કાંઈ જોઈએ જ નહિ.” ।।૨૧૯।।