અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી મહાપ્રભુએ અનંત કોટિ અનાદિ મહામુક્તોએ સહિત આ લોકમાં પોતાનું સાક્ષાત્કાર દર્શન આપી અનેક મુમુક્ષુજનોને ન્યાલ કર્યા. તેમનાં અનંત ચરિત્રો ગ્રંથમાં લખાણાં તથા અનાદિ મહામુક્તોના સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપનાં વર્ણનોથી આખા સંપ્રદાયને એ મહાપ્રભુના સ્વરૂપનું સાક્ષાત્કાર જ્ઞાન થતાં અતિ ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરી મૂર્તિને સુખે સુખિયા થવાનું સુગમપણું થયું.

સંવત ૧૯૦૧ થી ૧૯૮૪ સુધી અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીએ પણ અનંત પ્રકારે શ્રીજી મહારાજના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન પ્રવર્તાવવા જન્મથી અંતર્ધાન થવા સુધી ઘણુંય કર્યું. બાળ સ્વરૂપમાં એવાં ચરિત્રો કરતા કે સહેજે અલૌકિક ભાવ આવે. પછી જેમ જેમ પ્રસિદ્ધ થતા ગયા તેમ તેમ બહુ પ્રકારે શ્રીજીમહારાજના મહિમાની વાતો કરતા. ત્યાર પછી સમાધિ થવા માંડી તેથી અનેક સંત-હરિભક્તો આકર્ષાયા. પછી પોતે શ્રીજીમહારાજની મૂર્તિમાં અનાદિમુક્તો રસબસભાવે કેવી રીતે સુખ ભોગવી રહ્યા છે તેનું વર્ણન કરવા માંડ્યું તેથી સ્થિતિવાળા મોટા મોટા સંતો-હરિભક્તો મૂર્તિનું સુખ લેવા જોગ-સમાગમ કરતા અને પોતાના સંબંધવાળા હરિભક્તો તથા મુમુક્ષુજનોને બાપાશ્રીની ઓળખાણ કરાવતા. ત્યારે પછી બાપાશ્રીએ મોટા મોટા યજ્ઞ કર્યા તેમાં પોતે એવા સંકલ્પ કરતા જે અમારા યજ્ઞમાં જે કોઈ આવી પ્રસાદી જમશે તેમનો અમે આત્યંતિક મોક્ષ કરી મૂર્તિના સુખે સુખિયા કરશું.

એ જ પ્રમાણે શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ રાખવાની વાતોથી અનેક સંત-હરિભક્તો મહામોટી સ્થિતિને પામ્યા. એવી ચમત્કારી વાતોનો સંગ્રહ કરવા મેં (ઈશ્વરચરણદાસે) જ્યારે ઇચ્છા જણાવી અને બાપાશ્રીએ જ્યારથી આજ્ઞા આપી ત્યારથી જે જે વાતો થઈ તેમાં પણ જે જે વખતે અમો સમાગમ કરવા જતા ત્યારે વાતો લખી લેતા; તે સંગ્રહ બાપાશ્રીની બે ભાગની વાતોનાં પુસ્તકમાં પ્રસિદ્ધ થયેલ છે.

તેથી યાવત્ચંદ્રદિવાકરૌ સંપ્રદાયમાં શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા અનાદિ મહામુક્તોની સ્થિતિને જાણી પોતે મૂર્તિના સુખભોક્તાપણે એ સ્થિતિ પ્રાપ્ત કરે એ તેમનો મુખ્ય હેતુ એમનાં કૃપામય વચનોમાં વારે વારે જોવામાં આવે છે. આ ઉપરાંત પોતાના સંબંધમાં આવેલા સંત-હરિભક્તો હેતે સહિત જ્યારે સંભારતા ત્યારે અદ્‌ભુત પ્રતાપ જણાવી પ્રત્યક્ષ દર્શન આપતા તથા કેટલાકને અંત સમે શ્રીજીમહારાજની સાથે પોતે દર્શન આપી દેહ મુકાવી મૂર્તિના સુખે સુખિયા કરતા.

એવા અનાદિ મુક્તરાજ બાપાશ્રીના ઐશ્વર્ય-પ્રતાપનો પાર પામી શકાય તેમ નથી; તોપણ બાપાશ્રીના અદ્‌ભુત પ્રતાપની જે કિંચિત્ વાતો જાણવામાં આવી છે તે શ્રીજીમહારાજ તથા બાપાશ્રીની પ્રસન્નતાને અર્થે લખી છે. તે વાંચી મુમુક્ષુજનોને અનાદિ મુક્તરાજ બાપાશ્રીના અલૌકિક પ્રતાપની ખબર પડે અને તેમને વિષે હેત થતાં તેમની કરેલી શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ રહેવાની વાતોનું શ્રવણ-મનન-નિદિધ્યાસ કરી પોતે અનાદિમુક્ત થઈ મૂર્તિમાં રસબસ રહી મૂર્તિનું સુખ ભોગવે એ જ હેતુ છે.

લિ. સાધુ ઈશ્વરચરણદાસ