(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૬) બપોરે મેડા ઉપર લાલુભાઈ, હીરાભાઈ આદિ હરિભક્તોને સ્વામી વૃંદાવનદાસજી વાતો કરતા હતા કે, “આ ફેરે બાપાશ્રીની દયા તમારા ઉપર અતિ ઘણી છે. બાપાશ્રીનો ઠરાવ એવો છે જે સૌને મૂર્તિના સુખભોક્તા કરવા. તમારાં તો અમને બહુ મોટાં ભાગ્ય જણાય છે; કેમકે કેટલાય હરિભક્તો દેશોદેશમાં સંભારે છે, પ્રાર્થનાઓ લખે છે, તેમ કેટલાકને વચન આપ્યાં છે કે આ ફેરે તમારે ગામ જરૂર આવીશું. તે સર્વેને જાગૃત, સ્વપ્નમાં દર્શન દઈ તાણ પૂરી કર્યાના કાગળો આવે છે. તમને તો વગર માગે સુખ મળે છે તે બહુ મોટું છે. આ બાપો ક્યાંથી! બાપાશ્રી આ વખતે વાતો બહુ કરે છે. એમનો સિદ્ધાંત એ છે કે જે સૌને શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખવા. સાધનના બળે મૂર્તિમાં રહેવાતું નથી, એમાં તો કેવળ કૃપા જોઈએ.”

એ રીતે મહિમાની વાતો થતી હતી ત્યાં બાપાશ્રી ઠાકોરજીને જમાડીને આવ્યા. ત્યારે હરિભાઈએ કહ્યું જે, “બાપા! સૌ તમારી વાટ જુએ છે.” ત્યારે બાપાશ્રીએ કહ્યું કે, “છેટું રહેવાનું હોય ત્યાં સુધી વાટ જોવાની રહે ખરી; મૂર્તિમાં તો બધાયને ભેળા રહેવાનું છે.”

એમ કહીને બોલ્યા જે, “હરિભાઈ! જીવના વાંક, ગુના ને પાપ એટલાં બધાં હોય છે કે કોણ જાણે કેટલાય જન્મ લેવા પડે તોય આરો ન આવે. એવા ગુના આજ મહારાજ અને મોટા શરણે આવે એટલામાં માફ કરી દે છે. કેમ સાચી વાત લાગે છે ને?”

ત્યારે હરિભાઈ કહે, “હા બાપા! સાચી વાત લાગે છે. આપે કૃપા બહુ કરી છે.” તે ટાણે વાંટાવદરવાળા ત્રિભુવનભાઈ ને તેમનો નાનો દીકરો રાઘવજી દર્શને આવ્યા, દંડવત કરી જય સ્વામિનારાયણ કહ્યા, તેના પર બાપાશ્રીએ હાથ મૂકીને રમૂજ કરી કે, “છોકરા! રૂપિયા ખપે?” ત્યારે તે કહે, “હા બાપા.” પછી કહ્યું જે, “કેટલા?” ત્યારે તે રાઘવજી કહે, “બે-ચાર.”

ત્યારે પોતે એમ બોલ્યા જે, “જુઓ તો ખરા! એક-બે નહિ ને પાધરા બે-ચાર; આવું કામ છે. આ સમયમાં કળિયુગ એવો છે જે નાનપણથી જ વાસના ઉદય થઈ જાય છે.” ।।૫૪।।