સંવત ૧૯૬૮ના ભાદરવા વદ-૧૦ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને બાવળ નીચે બેસી માનસી પૂજા કરી.

પછી બાપાશ્રી બોલ્યા જે, “સંતો! આજ તો પ્રશ્ન પૂછો તો વાત કરીએ.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “પ્રથમ પ્રકરણના ૭૦મા વચનામૃતમાં ચોથા પ્રશ્નમાં ચોરનું દૃષ્ટાંત દીધું છે. તેમાં ગામ તે શું જાણવું? ચોર કોને જાણવા? સાધુ કોને જાણવા? પગ તે શું જાણવું? કાંટો કયો જાણવો? અને પગ સૂણ્યો તે શું જાણવું? રાજા કોને જાણવા? અને ખજીનો શો જાણવો? ધન તે શું જાણવું? માબાપ કોને જાણવા? સગાં કોને જાણવાં? લશ્કર તે શું જાણવું? અને શૂળી તે કઈ જાણવી?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ગામ એટલે જગત જાણવું. ચોર તે જીવ જાણવો. સાધુ તે સત્પુરુષ જાણવા. પગ તે અંતઃકરણ જાણવું અને કાંટો તે જ્ઞાન જાણવું. અંતઃકરણ જ્ઞાને કરીને પૂર્ણ થાય તે પગ સૂણ્યો જાણવો. રાજા તે ભગવાન જાણવા અને ખજીનો તે શાસ્ત્ર જાણવાં. ધન તે વિષય જાણવાં ને માબાપ તે પ્રકૃતિપુરુષ જાણવાં. સગાં તે ઇંદ્રિયો જાણવી અને લશ્કર તે કાળ જાણવો. શૂળી તે યમપુરી જાણવી.”

“જો જીવ ભગવાનની બાંધેલી શાસ્ત્રમર્યાદા મૂકીને વિષય ભોગવે તો કાળ આવીને યમપુરીમાં લઈ જાય ને ત્યાં મહાદુઃખ ભોગવવાં પડે. શ્રીજીમહારાજે શાસ્ત્રમાં જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે વર્તતા હોય એવા સાધુનો સંગ કરે ત્યારે તે સત્પુરુષ તેને આત્મા-પરમાત્માનું જ્ઞાન કહે. તે જ્ઞાને કરીને અંતઃકરણ પૂર્ણ થાય તે પગ સૂણ્યો કહેવાય. તે અંતઃકરણ વિષય સંબંધી સંકલ્પ કરે નહિ એટલે સાધુ તેની સહાય કરે અને જન્મ-મરણ તથા યમયાતનાનાં દુઃખ ટાળીને શ્રીજીમહારાજ ધામમાં લઈ જાય એમ સમજવું.” ।।૧૧૦।।