(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧૧) બાપાશ્રીએ વાત કરી જે, “મોટા સંત દેશાવરમાં ફરે છે તે અરસપરસ સમાગમ માટે છે. એવા મોટા સંત હરિભક્તને સુખિયા રાખે છે તેથી હરિભક્તને સંતનો ગુણ આવે છે અને ઉત્તમ હરિભક્ત જોઈને સાધુ પણ તેના ગુણ લે છે, તેથી અરસપરસ બહુ મોટા લાભને પામે છે. મહારાજ ને મોટાનો પણ એ જ સિદ્ધાંત છે. મોટા મોટા દેવ હાથ જોડીને એમ કહે છે કે, ‘અમને મનુષ્ય દેહ આપો’ એનું કારણ પણ આવા મોટા સંતનો મહિમા અને તેમને રાજી કરવાની ગરજ છે. એવા દેવતાને દુર્લભ આવા સંત મળ્યા છે ને મહારાજ સત્સંગમાં બિરાજે છે તોપણ સ્ત્રી, દ્રવ્ય, દીકરા આદિક પ્રકૃતિના કાર્યમાંથી પાછું ન વળાય તેને શ્રીજીમહારાજની મોટ્યપ અને આવા સંતનો મહિમા હાથ આવ્યો નથી.”

“આપણને તો બહુ મોટું સુખ મળ્યું છે, બહુ મોટી પ્રાપ્તિ થઈ છે, તેથી ખરેખરો ફેરો ફાવ્યો છે. મહારાજ અને મોટાનાં દર્શન ક્યાંથી? મોટા તો ત્રણે અવસ્થામાં મહારાજની મૂર્તિમાં જોડાઈ બેઠા છે. તેથી સૂર્ય, ચંદ્ર આદિક સર્વે પ્રાર્થના કરે છે જે અમારું સારું કરો અને તે સર્વે પ્રસાદી લેવા મહારાજ પાસે આવ્યા હતા. એકલાં સાધનથી શું કામ થાય? કૃપાસાધ્યનો જોગ થાય તો કામ થઈ જાય. કાળમાં વરસાદ વરસે તે ભારે કામ થયું કહેવાય તેમ આજ ખરેખરી શરદઋતુ છે. આ વાતો ક્યાંથી આવે છે? તો મહારાજની મૂર્તિમાંથી આવે છે.”

“‘વસંતઋતુમાં આવે જો શ્યામ તો રંગભર રમીએ’ એમ આજ એ ઋતુ છે કે નહિ? આપણે તો મહારાજ પ્રગટ થયા ત્યારથી જ શરદઋતુ બેઠી છે. આવા સંતો વાતો કરે તે અંતરમાં ઉતારે તો પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામી જાય. બીજી માયિક ઋતુ અને આ દિવ્ય ઋતુ છે. મોટા વાતો કરે તે ચકોર પક્ષીની પેઠે સાંભળવી. આ બ્રહ્માંડ પલટાશે ત્યારે આ ઋતુ પાછી આવશે. તે શું? તો આ ધણી જ્યારે પધારશે ત્યારે ઋતુ આવશે.”

“અવતાર તો ઘણાય થાય, પણ આત્યંતિક મોક્ષ તો કારણ મૂર્તિથી જ થાય. ‘આ વખત નહિ આવે ફેરી નહિ આવે ફેરી’ વલખાં મારીને ઘણાય મરી જાય, પણ આ વખત ન મળે તે આપણને મળ્યો છે. પુરુષોત્તમના અનાદિ ને લાડીલા કહેનારા ક્યાંથી મળે? તે આ ટાણે છે. તો સત્સંગમાંથી સત્સંગ મળ્યો છે. ઘણાય બહાર પડ્યા હશે, પણ પંચવિષય મૂકી શકે નહિ. જો મોક્ષ સારુ પડ્યા હોય તો આવા મોટાને તરત ઓળખી કાઢે. આપણે એક મહારાજનું કામ છે.”

“મહારાજે સૌને રોટલા આપ્યા છે, તે ખાઈને ભગવાન ભજી લેવા. આ દેહ માટે ઘણું કરી કરીને મરી ગયા, પણ કોઈનું પૂરું થયું નહિ. પૂરી જોઈએ, રોટલી જોઈએ તેનાથી કાંઈ થાય નહિ. પણ જો ભગવાનને જમાડીને જેવું મળે તેવું ખાઈને સુખિયો રહે ને ભગવાનને ભજે તે ડાહ્યો છે. આ દેહ તો કોઠી જેવો છે તેમાં જે ભરે તે ચાલે. હાડકાં ઉપર ચામડું મઢ્યું છે, અંદર નકારી વસ્તુ ભરેલી છે, માટે મોહે કરીને કોઈ ઠેકાણે બંધાવું નહિ. આ લોક ખોટો છે, ખોટો છે, એમ મોટા પુરુષ ડંકા વગાડીને કહે છે, પણ લાખ-બે લાખનો ફાયદો થતો હોય તો કહેશે કે, ‘મોટા પડ્યા રહ્યા.’ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પાંચે હરામજાદા છે, માટે પંચવિષયના દોર્યા દોરાવું નહિ. આપણે શા સારુ ભેગા થયા છીએ? તો એક શ્રીજીમહારાજ સારુ.”

એમ કહીને બોલ્યા જે, “સ્વામિનારાયણ હરે! ચલાવો કથા. મહારાજને બોલાવો. આપણે મહારાજની મૂર્તિમાં તથા આ દિવ્ય સભામાં જવું એટલે તરત પાર આવે. સભામાં બેઠા નિદ્રા આવે તો માયા આવી જાણવી. માટે સાવચેત રહેવું. મોટા મુક્તનો વ્યવહાર બધો દિવ્ય જાણવો, તેમાં કોઈ અયોગ્ય સંકલ્પ કરવો નહિ. મહારસના પીરસનારામાં ફેર હોય નહિ, પણ જમનારામાં ફેર છે એમ જાણવું. મહારાજ અને મોટા તો કલ્યાણકારી જ છે તેમાં કોઈ જાતનો તર્ક કરવો નહિ. જમનારેય દિવ્ય અને જમાડનારેય દિવ્ય.”

“તમો સર્વે વેપારી છો, માટે તમારા અંતરમાં તર્ક થઈ જાય તેથી રુચે તેવી સર્વદેશી વાતો કરીએ છીએ. ભગવાનના ભક્તને સર્વદેશી સમજણ રાખવી. મૂર્તિ વિના બીજું જોવામાં કાંઈ માલ નથી. ચાલોચાલ સત્સંગ કરવો નહિ. બરાબર સાવચેતી રાખવી. સામ, દામ, ભેદ ને દંડનો માર્ગ જાણવો. સંત-હરિભક્તને ઓળખવા. અમારી તો વાતો આવી છે તેને જાણી હોય તો કોઈ વખત સમાસ જરૂર થાય. સત્સંગ છે તે અગ્નિરૂપ છે, માટે સત્સંગમાં હાથ ન નાખવો.”

“કારણના કારણ કોણ છે તે ખબર છે? કારણ અનાદિમુક્ત મહારાજના લાડીલા અને કારણના કારણ શ્રીજીમહારાજ છે. એમના સાથે હાથેવાળો મેળવી દેવો. ‘હાથેવાળો હરિ સંઘાથે કીધો.’ અમારે તો કોઈને બીજે જવા દેવા નથી. ઠેઠ અક્ષરધામમાં મહારાજની મૂર્તિમાં મૂકી દેવા છે. કેટલાયને મૂકી દીધા છે. આવું સુખ સાધને મળે નહિ, માટે મહારાજની મૂર્તિના ધ્યાનનો અભ્યાસ રાખવો. કલાક કલાક, બબ્બે કલાક ધ્યાન કરવું. સમર્થ ધણીએ હાથ ઝાલ્યો છે, તે મૂકે એવા નથી. આ અભયદાન છે એ છેલ્લો લેખ છે એ નક્કી જાણજો. તેનો દૃઢ ભરોસો રાખી વિશ્વાસ રાખવો. સત્ત્વગુણ, રજોગુણ ને તમોગુણ એ માયાનાં છે, માટે એનો વિશ્વાસ ન રાખવો.” ।।૮૬।।