સંવત ૧૯૭૧ના ચૈત્ર સુદ-૬ને રોજ સાંજે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “મહારાજને અને મોટાને સન્મુખ થયા ક્યારે કહેવાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજની આજ્ઞા યથાર્થ પાળે અને મૂર્તિ વિના બીજા સર્વમાંથી લૂખા થઈને મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખે તો સન્મુખ થયા કહેવાય.”

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “મોટા મુક્તનાં દર્શન, સ્પર્શ આદિનું ફળ કેટલું થતું હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શાસ્ત્રમાં તો ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફળ લખ્યું છે; પણ આજનું તો માપ થાય તેવું નથી. આજ તો સત્સંગમાં ઘણાં ધામોના ધામી ને તેમના મુક્ત તે સર્વે પોતાના કલ્યાણને અર્થે આવ્યા છે.”

“જામનગરમાં સ્વરૂપાનંદ સ્વામી તળાવ ઉપર વડ તળે બેઠા હતા તેમની સાથે પોણો સો સાધુ હતા. તે જોઈને એક બ્રાહ્મણ બોલ્યો જે, ‘સાધુ તો આગળ નારદ, શુક, સનકાદિક તથા નવ યોગેશ્વરો થઈ ગયા અને ભગવાન પણ આગળ મચ્છ, કૂર્મ, વારાહ, નૃસિંહ, વામન, રામ, કૃષ્ણ તે થઈ ગયા. આજ તો એવા ભગવાન કે સાધુ ન હોય.’ ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા જે, ‘તેં જે સાધુ ને ભગવાન થઈ ગયા એમ કહ્યું તે બધા આ બેઠા. તારે દર્શન કરવાં હોય તો કર. એ બધાય એમના કલ્યાણને માટે અમારા શિષ્ય થઈને અમારી પાસેથી સર્વોપરી એવા સાક્ષાત્ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમના સ્વરૂપનું જ્ઞાન ને મહિમા શીખે છે. તેમને સર્વેને અમે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ને મહિમા સમજાવીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના સુખમાં લઈ જઈશું. ભગવાન તો સ્વામિનારાયણ એક જ છે અને તેં કહ્યા એ તો સર્વે ભક્ત છે.’ એમ બોલ્યા. એવો આ સત્સંગનો મહિમા છે.”

“આ ભગવાન ને આ મુક્તનાં દર્શન-સ્પર્શાદિકના ફળનું માપ થાય નહિ. એ તો અપાર ને અવિનાશી છે. તેમનાં દર્શનાદિકે કરીને તો આત્યંતિક મોક્ષ થાય છે. જે મહારાજને ને મોટાને ઓળખે નહિ, પણ દર્શનાદિક થાય તો તેનાં સર્વે પાપ બળે ને મોક્ષને માર્ગે ચાલે; તેથી તેનું જન્માંતરે કલ્યાણ થાય.” ।।૧૪૧।।