(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧૪) બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “શ્રીજીમહારાજે સમ ખાઈને કહ્યું છે કે, ‘આ સભા અક્ષરધામની છે’ તે દિવ્ય દૃષ્ટિએ દેખાય છે. આ સભાનો તથા મહારાજનો મહિમા ને સુખ કોઈ અનુમાને કરીને કહે છે, કોઈ પ્રમાણ કરીને કહે છે, કોઈ દેખીને કહે છે; તેમાં જે સાક્ષાત્ દેખીને કહે છે તે ખરું છે.”

“તે સાક્ષાત્ દેખાનારા આ સભામાં બેઠા છે, ભેળા મહારાજ પણ સાક્ષાત્ બિરાજે છે. જેમ દ્રવ્ય હોય તેમાં ઘી, સાકર આદિ વસ્તુ રહી છે તેમ એવા મોટા મુક્ત હોય ત્યાં મહારાજ સાક્ષાત્ બિરાજતા હોય; તે ખોળે તો હાથ આવે. માટે જોગ સારો છે, વખત સારો છે તેથી આ કામ અવશ્ય કરી લેવું. આ જોગ તો અક્ષરને પણ નથી; કેમ કે અક્ષર ઐશ્વર્યમાં એટલે જ રહે છે; તેથી આગળ ગતિ નથી. તેથી પર એકાંતિક છે, ત્યાં સુધી અવરભાવ છે. તેના ઉપર પરમ એકાંતિક છે તે પરભાવમાં છે. અને જે અનાદિમુક્ત છે તે તો તેથી પણ પરભાવમાં છે. તેની સ્થિતિ કરવાની પૂરી થઈ રહી.”

“એવા અનાદિમુક્ત અનંત કોટિ દિવ્ય સાકાર રૂપ થકા મૂર્તિમાં રહ્યા છે. એવું એ મૂર્તિનું અપારપણું છે. માટે મૂર્તિનું બીજ સર્વે વાતમાં વારે વારે લાવવું, પણ વાતોને નોરે મૂર્તિથી બહાર નીકળી જવું નહીં. મૂર્તિથી બહાર નીકળે તો માર ખાય છે. માટે માળા, માનસી પૂજા, કથા, વાર્તા, ધ્યાન એ સર્વેમાં મૂર્તિ મુખ્ય રાખવી. આ મુક્ત આદિ જેવા જણાય છે, પણ આદિ નથી; અનાદિમુક્ત છે. એવા મોટાનો જોગ કરી લેવો ને મૂર્તિમાં સદા રસબસ રહેવું, પણ મૂર્તિથી બહાર નીકળવું નહીં. આપણે નિજમંદિર કરવું એટલે મૂર્તિમાં જ રહેવું. તે નિજમંદિર ક્યારે થાય? તો જ્યારે મોટા અનાદિને વિષે આત્મબુદ્ધિ રાખીને વર્તે તો થાય. તે આત્મબુદ્ધિની વાત જબરી છે.”

“આજ મહારાજ તથા અનાદિમુક્ત સત્સંગમાં પ્રત્યક્ષ વિચરે છે. જો ખરું હેત હોય તો તેને મહારાજ પોતે હેતે કરીને ખેંચે છે. આ સભામાં મહારાજ અને મુક્ત બેઠા છે, આ સંત દિવ્યમૂર્તિ છે, આ સભા ધામની છે, આ સંત સાક્ષાત્ મહારાજ ભેળા રહ્યા થકા દેખાય છે, આ સંત બહુ જબરા છે. તે ઓળખવા લોકાલોક જેવડી જબરી ઘાંટી છે તેથી પ્રત્યક્ષ ભેળા બેઠા હોય, પણ પરોક્ષ જેવો પ્રત્યક્ષનો મહિમા સમજાતો નથી.”

પછી એમ વાત કરી જે, “ચાર પ્રકારનો પ્રલય મહારાજની ઇચ્છા પ્રમાણે થાય છે. તેમાં જ્ઞાનપ્રલય તો પુરુષપ્રયત્ને કરીને થાય તે જ્ઞાનપ્રલય સદાય રહે છે અને ચૈતન્યની મૂર્તિ થાય એટલે મહારાજના અનુભવજ્ઞાને કરીને અનાદિમુક્ત થાય છે. તેવા અનાદિમુક્તનો ને મહારાજનો દ્રોહ કરે તો તે દિવ્ય ગુણ પામેલો હોય તોપણ નાશ પામી જાય. જેમ મંદિરનો દ્રોહ કરે તે ભેળો મહારાજનો દ્રોહ થાય તેમ. આત્યંતિક મોક્ષ તો મોટાની કૃપાએ જ થાય, કારણ કે પોતે દિવ્ય મૂર્તિ છે. સત્સંગમાં પ્રસાદીનાં ચરણારવિંદમાં પણ કેટલાકને ખેંચતાણ થાય છે. તેનું કારણ કે એ દિવ્ય વસ્તુ છે, પણ પોતાના ચૈતન્યમાં મૂર્તિ પધરાવે તો લાખો-કરોડો ચરણારવિંદની જોડું થાય, તે ખૂટે નહિ; માટે આત્માને વિષે મહારાજ પધરાવીને પરમ એકાંતિક થવું, તો તેને પછી મહારાજ તથા અનાદિમુક્ત મૂર્તિના સુખમાં ખેંચી લે છે.”

“સર્વે સંત અક્ષરધામમાં બેઠા છો એટલે વનમાં બેઠા છો, પણ રાજ્યમાં નથી. મહારાજની મૂર્તિ વિના બીજે ક્યાંય તમારો ભાગ નથી, એમ જાણવું અને જે મૂર્તિમાં રહેતા હોય તેમનો જોગ કરવો. તેવા મોટા આજ સત્સંગમાં દયા કરી દર્શન આપે છે. આ સભા તથા આ સંત તે દિવ્ય ચૈતન્યબ્રહ્મની મૂર્તિઓ છે. તેમની અખંડ સ્મૃતિ રાખવી. સમાધિ કરતાં અખંડ સ્મૃતિ વિશેષ છે, કેમ જે સમાધિવાળાને સમાધિ થાય ત્યારે સુખ, પછી ખાલી; માટે અખંડ સ્મૃતિવાળાને મૂર્તિ ન દેખાય તોપણ અધિક છે.”

“આપણે તો સદાય દિવ્યભાવ રહે એવી મહારાજને પ્રાર્થના કરવી, તો મહારાજ તથા મોટા અનાદિ રાજી થાય છે. જો અનાદિમુક્તની કૃપાસાધ્યમાં પડ્યો રહે તો એ મૂર્તિના સુખમાં લઈ જાય, માટે કૃપાસાધ્યમાં કામ બહુ થાય છે. મોટા અનાદિમુક્ત આ સભામાં પ્રત્યક્ષ બેઠા છે ને પોતે કહે છે, પણ પરોક્ષ નથી; માટે દિવ્યભાવ રાખવો ને ચડતો રંગ રાખવો. મહારાજનો અને મોટાનો મહિમા વાચ્યાર્થ જાણે તો કામ ન થાય, પણ જો લક્ષ્યાર્થ જાણે તો કામ પૂરું થઈ જાય.”

“અત્યારે શરદઋતુ ચાલે છે, તેમાં ફળ થાય છે. જેમ ચાર યુગના ફળ થાય છે તેમ મોટા અનાદિના શબ્દ હેત-વિશ્વાસથી સાંભળે તો ભાગવતી તનુરૂપ ફળ થાય છે. મોટાની વાતોમાં કેટલાકનાં હાડકાં વિંધાય જાય છે, પણ નિશ્ચય નથી તેથી મહિમા જણાતો નથી, શ્રધ્ધા આવતી નથી; માટે તર્ક કરે તો મોક્ષ ન થાય. પણ જો લક્ષ્યાર્થ મહિમા જણાય તો તેનું ભાગવતી તનુ બંધાઈને કિશોર અવસ્થા આવે છે અને પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામીને પુરુષોત્તમરૂપ થાય છે તેમાં સ્વામી-સેવકપણું દૃઢ રહે છે ને પુરુષોત્તમના જેવો આકાર થાય છે. અને અક્ષરાદિક સર્વેને વિષે તો શ્રીજીમહારાજનું તેજ અન્વયપણે રહ્યું છે. મુક્ત તો નકરું મૂર્તિનું સુખ ભોગવે છે; માટે આપણે ખૂબ જમી લેવું.”

એમ વાત કરી રહ્યા પછી પોતે બીજે દિવસે ક્ચ્છમાં જવાની ઇચ્છા બતાવી ને હરિભક્તોને કહ્યું જે, “અમારે આ વખતે આઠ દિવસ રહેવાનું હતું, પણ પંદર દિવસ થવા આવ્યા. હવે કાલે અમારે જવું છે.”

તે વખતે લાલુભાઈ, મહાદેવભાઈ, દેવજીભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ, હરિભાઈ, માસ્તર પ્રભાશંકરભાઈ, અમીચંદભાઈ, સોમચંદભાઈ, ગોરધનભાઈ, ગોવિંદભાઈ, લાલજીભાઈ આદિક હરિભક્તોએ વિનંતિ કરી જે, “બાપા! હજી આઠ દિવસ રોકાઓ તો સારું; કેમકે ઘણા હરિભક્તો દર્શન-સેવા-સમાગમના પ્યાસી રહી ગયા છે. તમે દયા કરીને પધાર્યા છો તેમ દયા કરી આઠ દિવસ વધુ રહો તો રાજી થઈએ.”

ત્યારે બાપાશ્રી કહે, “આઠ દિવસ વધુ રહીએ કે અખંડ રહીએ, બેમાં કયું સારું?”

સ્વામી સામું જોઈને કહે, “બોલો સંતો! તમને કેમ લાગે છે?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “બાપા! આપ જેમ રાજી થાઓ તેમ કરો. આઠ દિવસ વધુ રોકાશો તોપણ અખંડ રહ્યા વિના ક્યાં ચાલે તેમ છે? જ્યાં મહારાજ ત્યાં આપ છો તે મહારાજ કયે ઠેકાણે ન હોય? મહારાજ તો સર્વત્ર છે તેમ આપનું પણ એવું છે. માટે જેમ ઠીક લાગે તેમ કરો.”

તે વખતે બાપાશ્રીની મરજી ક્ચ્છમાં પધારવાની જાણી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ કોઈ સંતોએ વધુ આગ્રહ કર્યો નહીં.

હરિભક્તોને કહ્યું કે, “તમો કરાંચીવાળા હરિભક્તોએ ઘણા લહાવ લીધા. બાપાશ્રીએ પણ તમને સર્વેને પોતાના જાણી ન્યાલ કરી મૂક્યા છે. હવે તો જેમ મૂર્તિમાં રાખ્યા છે તેમ મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવજો. મૂર્તિ ભેળા અનંત અનાદિમુક્ત રસબસભાવે એ સુખ લીધા જ કરે છે. વર્તમાન કાળે બાપાશ્રી એ દિવ્ય સુખ પમાડવા દૃષ્ટિગોચર વર્તે છે. ગામોગામ ફરી જે જે શરણે આવે છે તેને મહારાજની મૂર્તિના સુખભોક્તા કરવાનો જ એમનો ઠરાવ છે. માટે તમો જેમ બાપાશ્રી રાજી થાય એમ રાજી રહો.”

“જુઓને! બાપાશ્રીની આ શહેરના હરિભક્તો ઉપર કેટલી દયા છે! તેથી દિવ્ય રૂપે મહારાજની મૂર્તિમાં તો બાપાશ્રી અખંડ રહ્યા છે, પણ આ તો સૌને દેખાય કે બાપાશ્રી પધાર્યા અને આઠ દિવસ રહ્યા કે દસ-પંદર દિવસ રહ્યા; આમ લહાવ લીધા, આવા આશીર્વાદ મળ્યા. એવી રીતે આ શહેરમાં બાપાશ્રીએ ચાર વખત પધારી દર્શન આપ્યાં તેમાં પ્રથમ ૧૯૬૭ની સાલમાં, પછી વળી ૧૯૭૨માં, ત્રીજી વખત ૧૯૭૯ અને આ વખતે ૧૯૮૩માં; એમ ચાર વખત બાપાશ્રીએ પ્રત્યક્ષ નાના-મોટા સ્થિતિવાળા, સ્થિતિ વિનાના, એકાંતિક, પરમ એકાંતિક, મુમુક્ષુ કે સાધારણ અલ્પ જીવો આદિકને દર્શન આપ્યાં તેમાં કેટલાંય પ્રસિદ્ધ કાર્યો કર્યાં.”

“કેટલીક પારાયણો થઈ, ગાડીખાતાના મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી, શ્રીજીમહારાજ દિવ્ય રૂપે મૂર્તિઓની પ્રતિષ્ઠા વખતે પધારેલા જેનું સ્મૃતિરૂપ સ્થાન (છત્રી) કરાવી ચરણારવિંદ પધરાવેલાં. ત્યાં મહારાજની મૂર્તિ પધરાવી, ઘેર ઘેર બ્રહ્મયજ્ઞ થયા. મોહનભાઈને ઘેર પણ મૂર્તિ પધરાવી, પારાયણ થઈ તથા સુખશૈયામાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી તે ઉપરાંત મલીરબાગ પ્રસાદીમય થયો. હજારો હરિભક્ત તથા મુમુક્ષુએ સહિત હવાબંદરનો સમુદ્ર કિનારો સ્મૃતિરૂપ કર્યો. વળી કેટલાય જીવોને આત્યંતિક મોક્ષરૂપ અભયદાન આપ્યાં. આવી રીતે બાપાશ્રીએ કરાંચીના હરિભક્તોને ઘણાં સુખ આપ્યાં છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સ્વામી ઈશ્વરચરણદાસજીએ અમારું અહીં આવવાનું યાદ ઠીક રાખ્યું છે તોય બે વખતનું તો ભૂલી ગયા.”

ત્યારે સ્વામીશ્રી કહે, “બાપા! આપ કયે વખતે પધારેલા તે રહી ગયું?”

ત્યારે પોતે કૃપા કરીને બોલ્યા જે, “અમે નાના હતા ત્યારે અમારા પિતાશ્રીની સાથે આવેલા તથા જ્યારે વીશ વર્ષના હતા ત્યારે પણ આવેલા તે વખતે આ કરાંચી બીજી ભાતની હતી, હવે તો મોટું શહેર બની ગયું છે. અમે આવેલ તે દિવસ તો આવું કાંઈ નહોતું.”

એમ કહી પોતાની બે વખત વધારે આવ્યાની સ્મૃતિ કરાવી આપી. તેથી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોએ પ્રથમ સાંભળેલ જે બાપાશ્રી નાના હતા ત્યારે કરાંચી આવેલ તે સ્મૃતિ યથાર્થ થઈ. પછી હીરાભાઈ, ઉકાભાઈ તથા સાંવલદાસભાઈએ બાપાશ્રી તથા સદ્‌ગુરુ આદિ સંતમંડળ અને હરિભક્તોને મલીરના પોતાના બગીચામાં તેડી જવાનું આગલે દિવસે નક્કી કરેલ તેથી સમય થયો એટલે સૌને તૈયાર થવાનું કહીને વાર્તાની સમાપ્તિ કરી. બાપાશ્રી તથા સંતોએ ઠાકોરજીને થાળ જમાડ્યા.

હરિભક્તો પણ સાથે ચાલવા હાજર થયા ત્યાં મોટરો આવી. તેમાં બેસીને સંત-હરિભક્તો કીર્તન બોલતાં મલીરના બગીચે જવા નીકળ્યા. વચમાં નદી આવે છે તે ઠેકાણે ઉકાભાઈ તથા બગીચામાં રહેનારા માણસો સામા આવ્યા. રેતીને લીધે મોટર ન ચાલતી હોવાથી સંત-હરિભક્તો ચાલ્યા ને બગીચામાંથી એક ગાડું આવેલ તેમાં બેસી બાપાશ્રી બગીચામાં આવ્યા.

પછી પાથરેલ આસન પર બેસી વૃક્ષની ઘટા સામું જોઈને કહ્યું કે, “સ્વામી! આ વૃક્ષ બધાં આ દિવ્ય સભાનાં દર્શન કરે છે. તેથી સર્વે દિવ્યભાવને પામી ગયાં. આ સભાની રજ લઈને કોઈ માથે ચડાવે તો તેનાં અનંત જન્મનાં પાપ બળી જાય. આ સ્થાન સર્વે નિર્ગુણ થઈ ગયાં. મહારાજ કહે છે કે, ‘તમે જે વૃક્ષ તળે બેઠા હો તથા જે નદી-તળાવને વિષે પગ બોળો, તે સર્વે તીર્થરૂપ થાય છે.’ એમ તમ જેવા ધર્મ-નિયમવાળા સંત તેની તો વાત જ નોખી છે. એવી આ સંતસભા છે. આ તો મૂર્તિના સુખમાં ઝીલનારા સંત તેમનાં દર્શન ક્યાંથી? આવાં દર્શને આત્યંતિક મોક્ષ થઈ જાય.”

એમ કહી ઉકાભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ, હરિલાલ, કુંદન આદિક સર્વેની પ્રશંસા કરીને કહ્યું જે, “આ સર્વેનાં હેત બહુ છે તેથી હાથ જોડીને સદાય રાજી કરવા તત્પર રહે છે. એમની સેવા પણ એવી. ભોળા ને વિશ્વાસી બહુ. આવા સ્વભાવથી મહારાજ તરત રાજી થઈ જાય. સત્સંગમાં દાસપણું રાખવું, એ જેવી કોઈ વાત નથી.”

પછી હીરાભાઈની પ્રાર્થનાથી હોજમાં સંત-હરિભક્તોએ સહિત બાપાશ્રી નાહ્યા. સંતો કીર્તન બોલતા હતા અને હરિભક્તો પણ પ્રસાદીજળ માથે ચડાવી નહાતા હતા. તે વખતે બાપાશ્રી કીર્તનની ટૂંક બોલ્યા જે, “ઝીણી ઝીણી બુંદ પડે છે મેઘની” એમ બોલતાં સૌને મળ્યા ને કહ્યું જે, “મહારાજની મૂર્તિમાંથી સુખના ધોધ છૂટે છે. અનંત મુક્ત એ સુખમાં કિલ્લોલ કરે છે. આ સર્વે દિવ્યભાવમાં જોવું. આપણે તો મૂર્તિ વિના કંઈ છે જ નહિ.”

પછી સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “સૌને મૂર્તિના સુખમાં ઝીલાવજો. અમે તો એ જ કામ કરીએ છીએ. સત્સંગમાં કેટલાય જૂના કહેવાતા હોય, પણ આવી વાતની ખબર નહિ. એવાને જ્યારે આવી વાતો સમજાય છે ત્યારે અહો અહો થઈ જાય છે. આવાં તીર્થ સ્મૃતિએ સહિત બહુ મોટું કામ કરે છે. આવી દિવ્ય સભાની સ્મૃતિથી આત્યંતિક મોક્ષ થાય છે.”

એમ કહી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી. પછી વસ્ત્ર બદલી ઓશરી પર આસને આવીને બેઠા. ત્યારે ઉકાભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ, હરિલાલ, કુંદન તથા હીરાભાઈના નાના દીકરા આદિ સહકુટુંબે મળી મહારાજની મૂર્તિને અને બાપાશ્રીને તથા સંતોને હાર પહેરાવ્યાં.

બાપાશ્રીએ પણ તે સર્વેને પ્રસાદી હાર આપ્યા ને આશીર્વાદના વચન કહ્યાં જે, “આમ ને આમ સદાય ચડતો રંગ રાખજો ને મૂર્તિનાં સુખ ભોગવજો.” પછી કહ્યું જે, “હીરાભાઈ! તમારો હોજ ભારે પ્રસાદીનો થયો. આવા સંત-હરિભક્તો નાહ્યાં; આ તો મોટું તીર્થ થયું. મહારાજ ને સંત તે તો કેવળ કલ્યાણકારી છે. એમના સંબંધને જે પામે તેનાં બહુ મોટાં ભાગ્ય. ક્યાં જીવ ને ક્યાં ભગવાન ને ક્યાં આવા સંત! અમને આ સંત અહીં લાવ્યા. આ તો અનેકને મહારાજના સુખમાં સંકલ્પ માત્રે પહોંચાડી દે એવા જબરા છે.”

પછી હરિભક્તોએ ઉત્સવ કરી કીર્તન ગાયાં ને સર્વેને પ્રસાદી આપીને લાલુભાઈની પ્રશંસા કરી કહ્યું જે, “આવા દેશમાં કેવા મુક્ત મહારાજે રાખ્યા છે! આ તો જંગમ તીર્થ કહેવાય.” એમ કહી તેમને મસ્તકે હાથ મૂક્યા.

પછી હીરાભાઈની પ્રાર્થનાથી તેમનો બીજો બગીચો નદીને સામે કાંઠે હતો ત્યાં સંત-હરિભક્તોએ સહિત જવા તૈયારી કરી, પણ નદીમાં રેતી હોવાથી બાપાશ્રી ચાલી નહિ શકે એમ ધારી ઉકાભાઈ તથા સાંવલદાસભાઈ ઘોડી લાવ્યાં. બાપાશ્રીને તે પર બેસારીને કીર્તન બોલતાં સૌ એ બગીચે ગયાં. ત્યાં કૂવાનું જળપાન કરી વૃક્ષો પર દૃષ્ટિ કરતાં, માર્ગમાં ચાલતાં સૌને દર્શન દઈ બાપાશ્રી રેલ્વે સ્ટેશન પર આવ્યા. ગાડીને આવવાની વાર હતી અને સંધ્યા આરતીનો સમય થવાથી ત્યાં સંત-હરિભક્તોએ આરતી-ધૂન કરી. સ્ટેશન માસ્તરે આ દિવ્ય સમૂહ જોઈ ખુરસીઓ મંગાવીને પ્રાર્થના કરી તેથી બાપાશ્રી તથા સંત-હરિભક્તો સહુ બેઠા. ।।૧૦૦।।