સંવત ૧૯૬૩ના વૈશાખ સુદ-૧૨ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને બાવળ નીચે બેસી માનસી પૂજા કરી અને સર્વેને મળ્યા.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “લાધીબાઈ અને માતાજીની વાત કરો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “લાધીબાઈને એક ખેતરમાંથી કચ્છી બાર મણ (ગુજરાતી આઠ મણ) મઠ આવતા, તેમાંથી નિર્વાહ ચલાવતાં. તેમને શ્રીજીમહારાજે કહાવી મોકલ્યું જે, ‘તમારી પાસે માતાજીને મોકલ્યાં છે તેમનું પોષણ કરજો.’ ત્યારે રાજી થયાં; પણ શી રીતે પોષણ કરીશ એવો સંકલ્પ પણ થયો નહિ. એવો શ્રીજીમહારાજનાં વચનમાં વિશ્વાસ હતો. ઇત્યાદિક ઘણી વાતો છે તે પણ સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીની લખેલી વાતોમાં છે.”

“અને માતાજી મારવાડમાં ઉદેપુરના રાજાની રાણી હતાં. તેમની કુંવરીનો વિવાહ હતો ત્યાં જાન આવી હતી, તેમાં ઈડરના તથા માણસા આદિકના રાજા-રાણીઓ ગયાં હતાં. તેમની રાણીઓનાં મુખ થકી વાત સાંભળી જે શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. તેથી પોતાના મનમાં વિચાર થયો જે ભગવાન પ્રગટ થયા ને હું રહી જઈશ તો મારું કલ્યાણ નહિ થાય. એમ જાણી રાત્રિએ પુરુષનાં લૂગડાં પહેરીને બારીએ દોરડું બાંધીને ઊતરીને ચાલી નીકળ્યાં. તેમને ખોળ્યાં, પણ જડ્યાં નહિ. તેથી રાણાએ ચારે દિશાએ સ્વાર મોકલ્યા. તે ઘોડાના ડાબલાં વાગતાં સાંભળીને એક મરેલા ઊંટના ખોખામાં પેસી ગયાં ને સ્વાર પાછા વળ્યા ત્યારે નીકળીને ચાલ્યાં. તે વાટમાં વણઝારાની પોઠ સાથે વીસનગરના તળાવમાં ઊતર્યાં. ત્યાં રાત્રિના છેલ્લા પહોરે બાઈઓ ગામમાંથી નાહવા આવ્યાં, તેમનો ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ એવો શબ્દ સાંભળીને તેમની પાસે આવીને સર્વે હકીકત કહી. પછી તે બાઈઓએ ગામમાં લઈ જઈને છાનાં રાખ્યાં અને વણઝારો ગયો, તે પછી મહારાજ પાસે ગઢડે આવ્યાં. તેમને મહારાજે ‘માતાજી’ નામ ધરાવીને લાધીબાઈ પાસે ભુજ મોકલ્યાં. ત્યાં રહીને લાધીબાઈની સેવા કરી ને લાધીબાઈ ધામમાં ગયાં ત્યારે તેમને સાથે તેડી ગયાં.”

“અને મુક્તાનંદ સ્વામીએ બે-ચાર ગુરુ કર્યા, પણ ગુરુને વિષે નિષ્કામી વર્તમાનમાં ખામી દેખીને પડ્યા મૂક્યા. અને રામાનંદ સ્વામી તથા તેમના સાધુને દૃઢ નિષ્કામી દેખીને ત્યાં રહ્યા અને મન, કર્મ, વચને દાસ થઈને સેવા કરી; પણ ગુરુમાં ને અધિકારમાં ને મિલકતમાં બંધાયા નહિ. શ્રીજીમહારાજ રાત્રિને દિવસ કહે અને રૂમાલને તરવાર કહે તોપણ જીવમાંથી હા પડે; પણ સંશય થતો નહિ.” વાર્તાની સમાપ્તિ કરીને સર્વે મંદિરમાં આવ્યા. ।।૬૧।।