સંવત ૧૯૫૦ની સાલમાં ભુજમાં સત્સંગિજીવનની પારાયણ થઈ હતી. ત્યાં કુંભારિયાવાળા મિસ્ત્રી હરજીભાઈ કારખાનામાંથી આવ્યા હતા, તેમનો ઉતારો બાપાશ્રી પાસે હતો. તે બાપાશ્રી ને જાદવજીભાઈ તથા ઉપરદળવાળા રામજીભાઈ રાત્રિએ શ્રીજીમહારાજના મહિમાની વાતો કરતા.

તે સાંભળીને હરજીભાઈને એમ થયું જે મેં આટલા દિવસ સુધી સત્સંગ કર્યો, પણ આવો મહિમા જાણ્યો નહિ. આ તો સર્વે અવતારાદિકથી ને બ્રહ્મકોટિથી ને અક્ષરકોટિથી પર એવા મહામુક્ત છે ને સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે તે મેં જાણ્યા નહિ. આવા મોટા મુક્ત આગળ હું ઢોલિયામાં સૂઈ રહું છું તે મારે અપરાધ થયો એમ જાણીને ઢોલિયેથી ઊતરી દંડવત કરવા મંડી પડ્યા અને પ્રાર્થના કરીને અપરાધ માફ કરાવ્યો. સાધુ રસોઈ કરીને જમાડતા અને પાળા પાણી મૂકીને નવરાવતા તેમને ના પાડીને પછી ચાંદ્રાયણ કર્યું. પછી તાંસળામાં સાધુની પેઠે ભેળું કરીને પાણીમાં મેળાવીને જમવા મંડ્યા અને વસ્ત્ર પણ સાદાં પહેરવા મંડ્યા. અને પારાયણ થઈ રહ્યા પછી બાપાશ્રી સાથે વૃષપુર ગયા ને મઠની ખીચડી ને જાર, બાજરી, નાગલીના રોટલા ખાવા મંડ્યા.

પછી સંવત ૧૯૫૩ની સાલમાં બાપાશ્રીએ તેમને કહ્યું જે, “તમે કુંભારિયે જાઓ”, પણ તેમણે જવાની ના પાડી. પછી બાપાશ્રીએ કહ્યું જે, “એક મહિનો જઈને પાછા આવજો.” એટલે તે ગયા ને ત્યાં માંદા પડ્યા. દેહ મૂકવાને આગલે દિવસે તેમને સૂઝી આવ્યું જે કાલે મારો દેહ પડશે. પછી એમની માતુશ્રીને કહ્યું જે, “બાપાશ્રીને વૃષપુરથી તેડાવો.”

પછી ઊંટવાળાને તૈયાર કર્યો એટલામાં બાપાશ્રીએ દર્શન આપ્યાં ને સવારે દેહ મૂકવા ટાણે હરજીભાઈને કહ્યું જે, “કાંઈ ચમત્કારની ઇચ્છા હોય તો તમારી સાથે જે આવવાની હા પાડે તેનો દેહ મેલાવીએ.” પછી તેમણે સર્વેને પૂછી જોયું જે, “જેને મારી સાથે આવવું હોય તેને બાપાશ્રી દેહ મેલાવે.” ત્યારે એમના ભાઈ ગોવામલભાઈની દીકરીએ હા પાડી. પછી તેનો દેહ મેલાવ્યો ને બેયને સાથે તેડી ગયા.

પછી હરજીભાઈને દેહ મેલે દશ દિવસ થયા ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી ત્યાં હતા, તેમને બાપાશ્રીએ કહ્યું જે, “અમારે હરજીભાઈની લોકાઈએ જવું છે ત્યાં એમની માતુશ્રીને કંઠી બંધાવવી છે માટે કંઠી આપો.” પછી એમણે કંઠી આપી. પછી બાપાશ્રી કુંભારિયે પધાર્યા ત્યારે હરજીભાઈની માતુશ્રી બોલ્યાં જે, “તમે મનુષ્ય નથી. મારા હરજીને ને મારા ગોવાભાઈની દીકરીને સાથે તેડી ગયા તે મેં નજરે જોયું. માટે તમે મોક્ષ કરો એવા સમર્થ છો, માટે મને કંઠી બાંધો ને સત્સંગી કરો.” પછી બાપાશ્રીએ તેમને કંઠી આપીને કહ્યું જે, “રામપરામાં ધનબાઈ ડોશી મહામુક્ત છે તેમની વાતો એક મહિનો જઈને સાંભળો તો સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાશે. પછી અમે તમને હરજીભાઈની પાસે તેડી જઈશું.” પછી તેમણે એવી રીતે સમાગમ કર્યો ને ધામમાં ગયાં. ।।૬।।