સંવત ૧૯૮૩ના ફાગણ વદ-૯ને રોજ મેડા ઉપર બાપાશ્રી પૂજા કરી રહ્યા તે વખતે મગનભાઈ ફૂલના હાર લાવ્યા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી વૃંદાવનદાસજી આદિક સંતોને કહ્યું જે, “બાપાશ્રીની પૂજા કરો.” પછી સંત મંડળે બાપાશ્રીને ચંદન ચર્ચી હાર પહેરાવ્યા ને હરિભક્તોએ પણ એક પછી એક બાપાશ્રીની તથા સંતોની ચંદન-હારથી પૂજા કરી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સ્વામી! આ અક્ષરધામમાં ચંદન ચર્ચાય છે. આ ચંદન ને પુષ્પ સર્વે દિવ્ય છે. મહારાજની મૂર્તિમાંથી તેજ ઝળળળ ઝળળળ નીકળે છે, અનંત મહામુક્તો એ મૂર્તિમાં રસબસ છે. અવરભાવમાં આમ દેખાય છે, પણ પરભાવમાં દિવ્ય તેજોમય છે. આ વાત સમજાય તો પડદા તૂટી જાય.”

પછી ચંદનવાળા હાથ લૂઈને બન્ને સદ્‌ગુરુઓ તથા પુરાણી આદિક સંતોને કહ્યું જે, “આજ પારાયણની સમાપ્તિ છે તે ચાલો સભામાં.” એમ કહી પોતે પણ ઠાકોરજીનાં દર્શન કરી સભામાં પધાર્યા. હરિભક્તો ને સંતોથી સભા મંડપ ભરાઈ ગયો. પુરાણીની ચંદન-પુષ્પથી પૂજા થતી હતી.

તે વખતે હરિભાઈએ બાપાશ્રીને કહ્યું જે, “બાપા! આપે બહુ દયા કરી જેથી આ વચનામૃતના પરભાવ તથા અર્થ સૌને સમજાય તેવી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા થઈ તે સાંભળી સૌ હરિભક્તો અતિ રાજી થાય છે ને કહે છે કે, ‘બાપાશ્રીએ આ અતિ મોટો ઉપકાર કર્યો છે. વચનામૃતનું અધ્યાત્મ જ્ઞાન આવું સુગમ કરી કોણ સમજાવે?’”

ત્યારે બાપાશ્રી કહે, “આ બધી શ્રીજીમહારાજની દયા છે. એમના સંકલ્પે આવાં કામ થાય છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. કર્તાહર્તા શ્રીજીમહારાજને રાખીએ એટલે જે સમજવાનું છે તે સમજાણું.”

પછી કથામાં વચનામૃત વંચાવા લાગ્યાં. સૌ હરિભક્તો એક ચિત્તે શ્રવણ કરતા હતા. પછી તે કથાની સમાપ્તિ વખતે હીરાભાઈ તથા હરિભાઈએ ઠાકોરજીને ભેટ ધરવા છાબું ભરાવી કેમ કે તે બન્નેની પારાયણ હતી. હરિભક્તો ઉત્સવ કરતાં કરતાં એ છાબું લાવ્યા. બન્ને સદ્‌ગુરુઓની ચંદન તથા પુષ્પના હારથી પૂજા કરી.

સૌ હરિભક્તોએ સદ્‌ગુરુઓ તથા પુરાણી હરિપ્રસાદદાસજી તથા પુરાણી ધર્મકિશોરદાસજી આદિ સંતોને પ્રાર્થના કરી જે, “વચનામૃતનું પારાયણ વાંચનારની પૂજા સાથે બાપાશ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કરનાર હોવાથી તેમની પણ પૂજા થાય તો વધુ ઠીક.” એ પ્રાર્થના સૌ સંતોને ગમી.

પછી બાપાશ્રીને હાથ જોડી બન્ને સદ્‌ગુરુઓએ કહ્યું કે, “બાપા! આપે રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કરી છે તો આપ આ પાટ ઉપર બેસો તો સૌ સંત-હરિભક્તો ચંદન-હારથી પૂજા કરે.”

પ્રથમ તો બાપાશ્રી કહે, “મહારાજ અને સંતોની પૂજામાં અમારી પૂજા થઈ ગઈ.” પણ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીનાં વિનયવચન એવાં હતાં કે બાપાશ્રી તેમને રાજી કરવા પાટ ઉપર કથામંડપમાં બેઠા.

પછી સૌ સંત-હરિભક્તોએ એક પછી એક પૂજા કરી સંતોને વસ્ત્ર ઓઢાડ્યાં. છાબું ઠાકોરજી પાસે હરિભક્તો વાજતે-ગાજતે લાવ્યા, ચોઘડિયાં તો વાગતાં જ હતાં. હરિભક્તોથી મંદિર ઊભરાઈ જતું હતું. પછી હીરાભાઈ, હરિભાઈ, સાંવલદાસભાઈ, હરિલાલ, કુંદન આદિક સૌએ આરતી ઉતારી. તે વખતે બાપાશ્રી ધ્યાનસ્થ બેઠા હતા, ચંદન અને કુંકુમથી કપાળ ભરાઈ ગયેલ ને કંઠમાં હારની ઠઠ થઈ રહી હતી. તે સર્વે હાર ઉતારી સૌ હરિભક્તોને પહેરાવ્યા. પછી સભામંડપમાં બાપાશ્રી આસને પધાર્યા. હરિભક્તો એક નજરે બાપાશ્રી સામું જોઈ રહ્યા હતા. પછી બાપાશ્રીએ તથા સૌ હરિભક્તોએ સંતોની પૂજા કરી વસ્ત્ર ઓઢાડ્યાં ને બાપાશ્રીને હીરાભાઈ તથા હરિભાઈએ પાઘડી બંધાવી તથા બીજા હરિભક્તોએ પણ પાઘડી બંધાવી. એમ પારાયણવિધિ પૂરો થયો, કીર્તન બોલાયાં.

પછી બાપાશ્રી ઠાકોરજીને જમાડવા ઉતારે પધાર્યા. ત્યાં એક જેઠીબાઈ નામની બાઈને વળગાડ હતો. તે બાઈ બાપાશ્રીને જોતાં જ ધૂણવા મંડી, તે રાડોરાડ થઈ જતાં બાઈઓએ મળી તે બાઈને ઝાલી.

બાપાશ્રી કહે, “સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરો ને પૂછો કે તું કોણ છે?”

તે વખતે તેને બાઈઓએ પૂછતાં કોઈ બાઈનું નામ લીધું અને કહ્યું જે, “મેં એનું દોઢ રોજ કામ કર્યું હતું તેના પૈસા નથી જડ્યા તે પૈસા સારુ હું આને વળગી છું.”

ત્યારે બાપાશ્રી કહે કે, “હવે તારે પૈસા જોઈએ છીએ?”

ત્યારે તે કહે, “ના. પૈસાની વાસનાથી તો મારા આવા હાલ થયા છે. તમે મોટા પુરુષ છો તે મારું સારું કરો, હું બહુ દુઃખી છું.”

તે વખતે બાપાશ્રીએ જળ મંગાવી તે બાઈને છાંટ્યું ને કહ્યું જે, “જા બદરિકાશ્રમમાં.”

એ વચન કહેતાં તરત જ તે બાઈ તેના શરીરમાંથી નીકળી ગઈ.

પછી બાપાશ્રીએ ભેળો થઈ ગયેલ બાઈઓનો સમૂહ તેને કહ્યું કે, “સૌ ભગવાન ભજજો. મહારાજની આજ્ઞા ખરેખરી પાળજો. આ લોકનું તાન હોય તેના આવા હાલ થાય છે.” એમ કહ્યું.

તે વખતે નાળિયેર ને સાકર મંગાવી તે બાઈએ બાપાશ્રી આગળ મુકાવીને પ્રાર્થના કરી જે, “મારું દુઃખ તમે દયા કરી કાઢ્યું. મને મરવા સુધી આ દુઃખ મટે એવું નહોતું.”

પછી બાપાશ્રીએ નાળિયેર ઠાકોરજી પાસે મુકાવ્યું ને સાકર મહારાજને જમાડી તેને પાછી અપાવી ને કહ્યું કે, “જ્યાં સુધી આ સાકર પહોંચે ત્યાં સુધી એક એક ગાંગડો નિત્ય જમજો ને મહારાજનો આશરો દૃઢ રાખજો.”

એમ કહી ઠાકોરજીને જમાડી મેડા પર આસને પધાર્યા. ત્યાં બન્ને સદ્‌ગુરુ આદિ સંતોને તે ઝોડ સંબંધી વાત કરીને કહ્યું જે, “જીવને માયારૂપી ઝોડનો વળગાડ થયો છે તે આ દિવ્ય સભાને પ્રતાપે નીકળે છે, પણ ગરજુ થાવું ખપે. આ સભા તો જન્મ-મરણનાં ખાતાં વાળે છે. કેમ સ્વામી! તમારું એ કામ છે કે બીજું? મહારાજે અનંત જન્મનાં પાપ બાળવાનો સંકલ્પ કર્યો છે તેથી જીવના મોક્ષ થાય છે; નહિ તો અનંત જન્મના અપરાધ કોણ માફ કરે! આ તો કેવળ દયાના સાગર મહારાજ ને તેમના મુક્ત છે તે ઘેર ઘેર ફરીને જીવને માયામાંથી બહાર કાઢી લે છે, પણ જીવને માયાનો ફેર બહુ ચઢી ગયો છે તે મનાય નહિ.”

“મહારાજને સર્વોપરી જાણવા તેમાંયે અટકે. જીવનાં કલ્યાણ કરવા અતિ દયા કરી મોટા મુક્તોએ સત્શાસ્ત્ર લખ્યાં તેમાં મહારાજનું સર્વોપરીપણું અને દિવ્યપણું સમજાવ્યું, મોટા મુક્તોનો મહિમા તથા અવતાર-અવતારી એવો ભેદ સમજાવ્યો. ક્યાં મહારાજ! ક્યાં મુક્ત! ને ક્યાં અવતાર! તોય કેટલાક મહારાજને ને અવતારને સરખા વર્ણવે છે. પ્રથમ અનાદિ મહામુક્તરાજ સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી તથા સદ્‌ગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાસમર્થ સંતો મહારાજને સર્વોપરી કહેતા તેથી ઉપાધિઓ બહુ થતી હતી. તે વખતે કેટલાય માનતા પણ ન હતા અને હવે તેમની વાતોનાં પુસ્તક ખભે ઊંચકીને ફરે છે ને એમાંથી નિર્વાહ ચાલે છે. માટે એવા મોટાનાં દિવ્ય શાસ્ત્ર ને એ શાસ્ત્રમાં લખ્યા સિદ્ધાંતોનું મનન કરવું. ચાલોચાલ સત્સંગમાં આ વાત હાથ ન આવે.”

એમ કહીને બોલ્યા જે, “સત્શાસ્ત્ર ક્યારે જાણ્યાં કહેવાય? તો જે શાસ્ત્રને વિષે શ્રીજીમહારાજની મૂર્તિ અને તેનાં લીલાચરિત્ર વર્ણવ્યાં હોય તે ઉપર જ પ્રીતિ અને પ્રતીતિ, પણ પરોક્ષ શાસ્ત્ર ઉપર તેવી નહિ; તેમ વર્તતું હોય ત્યારે સત્શાસ્ત્ર જાણ્યાં કહેવાય. તેમ સત્પુરુષ પણ શ્રીજીમહારાજના ઉપાસક અને તેમને વિષે જ પ્રીતિવાળા તેમનો જ સંગ ગમે, પણ બીજા મતના ગમે તેવા મોટા કહેવાતા હોય, પણ તેને વિષે પ્રીતિ નહિ અને પ્રતીતિ નહિ, એવી સમજણ હોય તો સત્પુરુષ જાણ્યા કહેવાય. તેમ જ આત્મા સત્ય તે પણ પોતાના સંપ્રદાયમાં જેવી રીતે આત્મસ્વરૂપનું પ્રતિપાદન કર્યું હોય તેવી રીતે સત્ય સમજીને દૃઢ કરે, પણ પરોક્ષ શાસ્ત્રમાં કે પરોક્ષવાળા જે આત્મસ્વરૂપનું નિરૂપણ કરે છે તેને વિષે પ્રીતિ કે પ્રતીતિ નહિ ત્યારે આત્મા સત્ય જાણ્યો કહેવાય. તેમ જ પરમાત્મા પણ સત્ય ક્યારે જાણ્યા કહેવાય? તો જે પોતાનાં સંપ્રદાયમાં મોટા અનાદિમુક્ત અવતાર-અવતારી ભેદ સમજાવે અને શ્રીજીમહારાજનું સર્વોપરીપણું કહે તેને નિઃસંશય થકો માને અને પોતાના સંપ્રદાયના ગ્રંથમાંથી અને સત્પુરુષ થકી શ્રવણ કરીને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવું ઘટે તેમ સમજે, તેને વિષે જ પ્રીતિ અને પ્રતીતિ; પણ પરોક્ષ શાસ્ત્રમાંથી સમજવામાં તેવી પ્રીતિ નહિ. તે પરમાત્મા સત્ય જાણ્યા કહેવાય.”

પછી એમ કહ્યું જે, “કાર્ય દેખીને તેમાં જરાય લેવાવું નહિ ને કારણમાં ચોંટવું, એમ મોટા મુક્તનો સિદ્ધાંત છે. ને મંદિર, હવેલાં, હાથી, ઘોડા, રથ, પાલખી, બાગ, બગીચા, ઘરેણાં વગેરે સત્સંગની શોભા તે કાર્ય કહેવાય; પણ તેના કારણ પોતે શ્રીજીમહારાજ છે ને તેમને લઈને એ બધુંય છે.” ।।૭૦।।