સંવત ૧૯૭૩ના વૈશાખ વદ-૧૨ને રોજ રાત્રિએ મંદિરના દરવાજાના મેડા ઉપર બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી સૂતા હતા.

ત્યારે બાપાશ્રી રાત્રિના બે વાગ્યે સ્વામી ઈશ્વરચરણદાસજીને પૂછવા લાગ્યા જે, “તમને માનકુવાવાળા ગાંગજી પટેલ ભુજમાં ભેળા થયા હતા કે નહિ?”

ત્યારે સ્વામીએ કહ્યું જે, “હા, થયા હતા.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “તમને ‘માનકુવે આવો’ એમ કહ્યું હતું?”

ત્યારે સ્વામીએ કહ્યું જે, “‘માનકુવે આવો’ એમ તો કહ્યું ન હતું, પણ ભુજની વાડીમાં ભેગા થયા હતા ત્યારે એમ કહ્યું હતું જે, ‘છોકરો જાદવજી માંદો છે તે અમારાથી કુંભારિયે નહિ અવાય.’ ત્યારે મેં પૂછ્યું હતું જે, ‘છોકરો કેવો માંદો છે?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘માંદાઈ તો છે, પણ હાલમાં ઠીક છે, દેહ પડે તેમ નથી’ એમ કહ્યું હતું, પણ ‘દર્શન દેવા કેમ ન આવ્યા કે આવો’ એમ કાંઈ બોલ્યા નહોતા.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ ટાણે એ છોકરાને અમે ધામમાં મૂકી આવ્યા. તે છોકરાને તમે પરદેશી સાધુ મોટા મોટા આવ્યા હતા, તે તમારાં દર્શન એના બાપે મંદવાડમાં કરાવ્યાં નહિ. માંદાને તો અવશ્ય સંતનાં દર્શન કરાવવાં જોઈએ. તે છોકરો સારો ભગવદી હતો ને એ થોડીકવારમાં દેહ મૂકી ગયો, પણ એના બાપે તમારાં દર્શન કરાવ્યાં નહિ.”

એમ વાત કરીને સૂઈ રહ્યા.

પછી બીજે દિવસે ભારાસરના માવજી તથા ગાંગજી પટેલ તથા તેજો ભક્ત તથા કેસરો ભક્ત આદિ હરિભક્તો આવ્યા, તેમણે વાત કરી જે, “જાદવો ધામમાં ગયો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ બાવાને અમે રાત્રિના બે વાગે વાત કરી હતી જે, ‘અમે એને ધામમાં મૂકી આવ્યા.’ કેમ બાવા! તમને કહ્યું હતું કે નહિ?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “હા, કહ્યું હતું.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “વળી એટલું એંધાણ આપીએ છીએ જે એ છોકરા પાસે કોઈ હતું નહિ ને ખાટલામાં દેહ મૂકી ગયો.” ।।૧૮૦।।