અષાઢ વદ-૧ ને રોજ બાપાશ્રીને ઘેર વાલબા, રામપુરનાં કાનબા, પ્રેમબા, નારાયણપુરનાં અમરબા, મેઘપુરનાં અમરબા આદિ ઘણાં બાઈઓ શોકાતુર થઈ વિલાપ કરતાં હતાં. તે વખતે શ્રીજીમહારાજની તથા બાપાશ્રીની મૂર્તિ તેમને ઘેર હતી તે મૂર્તિમાંથી બાપાશ્રી જેવા પોતે હતા તેવા મનુષ્ય આકારે દર્શન આપીને બોલ્યા જે, “રુદન શું કરો છો? અમે તો સદાય છીએ જ. તમે શોકમાં ને શોકમાં તેર દિવસથી અમને જમાડવા પણ ભૂલી ગયાં છો. માટે થાળ લાવો; જમીએ.” પછી પ્રેમબાએ ઊઠીને થાળ તૈયાર કરીને આપ્યો, તે જમીને બોલ્યાઃ “હવે તૃપ્ત થયા.” પછી બોલ્યા જે, “કાર્ય મોટું આદર્યું છે તે કાર્ય તો અમારે નિવેડવું છે તે શા માટે ફિકર કરો છો?” એમ મૂર્તિમાંથી પ્રગટ થઈને શોક નિવૃત્ત કર્યો. ।।૧૦૭।।