સંવત ૧૯૭૫ના વૈશાખ વદ-૧૦ને રોજ બપોરે સભામાં વચનામૃતની કથા વંચાતી હતી, તે કથાની સમાપ્તિ કરી પોતે તથા સંત પોઢી જતા હવા. અને બે કલાક પછી વાડીએ સંત સહિત નાહવા પધાર્યા ને પોતે વાડીમાં બાજરી જોઈને કૂવા પાસે જાંબુડાના ઝાડ તળે બેસતા હવા અને સંત કાકરવાડીએ નાહવા જતા હવા. તે સ્નાન કરીને બાપાશ્રી પાસે નવી વાડીએ આવ્યા ને પછી સંત-હરિજનોએ બાપાશ્રીની ચંદન-પુષ્પ વડે પૂજા કરી અને બાપાશ્રી નાનાં પ્રકારનાં ફળ-ફૂલની પ્રસાદી સંત-હરિજનને આપતા હવા.
પછી બોલ્યા જે, “આ પ્રસાદી ને આ દર્શન અને આ જોગ બહુ દુર્લભ છે ને શ્રીજીમહારાજ ને મોટા તો જેવા ધામમાં છે તેવા ને તેવા જ દિવ્ય છે અને આ મનુષ્યભાવ તો પોતાના સંકલ્પે કરીને દેખાડે છે, માટે જે જોઈએ તે પ્રત્યક્ષ મહારાજ ને મોટા મળ્યા છે. આ પ્રાપ્તિ મોટી છે, અતિશય મોટી છે, અને કિયા સ્થાનમાં બેઠા છીએ ને કોનો જોગ થયો છે? તો અનાદિમુક્ત સાક્ષાત્ મળ્યા છે.”
એટલી વાત કરીને પછી જાંબુના ખોબા ભરી ભરીને સંત-હરિજનોને આપતા હવા, એવી રીતે જાંબુફળ જમાડીને મંદિરમાં આવતા હવા. પછી શ્રી ઠાકોરજીનાં દર્શન કરીને વચનામૃતની કથા વંચાવી. તે પ્રથમ પ્રકરણનું ૩૮મું વચનામૃત વંચાતું હતું, તેમાં જીવની વાત આવી.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જીવ છે તે વસ્તુગતે ચોખ્ખો કંચન જેવો છે, પણ સંગદોષે કરીને અવરાઈ ગયો છે, પણ મૂળ ચોખ્ખો છે તો જ મૂર્તિમાં ચોંટાય છે.”
પછી કરાંચીવાળા લાલુભાઈએ પૂછ્યું જે, “લોયાના ૭મા વચનામૃતમાં કહ્યું છે કે ઇંદ્રિયો, અંતઃકરણ ને અનુભવ ત્રણેય પહોંચે નહિ તેને તો જન્મ-મૃત્યુ થાય તે તો ઠીક, પણ ચૈતન્ય પ્રકૃતિને પામ્યો જે કૈવલ્યાર્થી તેને જન્મ-મૃત્યુ કેમ છે? કારણ કે ચૈતન્ય પ્રકૃતિ જે અક્ષરબ્રહ્મ તેમાં લીન થયો જે કૈવલ્યાર્થી તે તો નદી-સમુદ્રવત્ બ્રહ્મમાં ભળી ગયો તે કેમ સૃજાય?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “કૈવલ્યાર્થી જળમાં પાષાણવત્ તથા વૃક્ષે ખગવત્ લીન થાય છે, પણ સમુદ્રમાં નદીવત્ લીન થાતો નથી. તે જ્યારે શ્રીજીમહારાજ કૃપા કરીને જીવોનો મોક્ષ કરવા પૃથ્વી ઉપર પધારે છે ત્યારે તે કૈવલ્યાર્થી ઉપર પણ દયા કરીને તેઓને પણ સૃષ્ટિ ભેળા સૃજે છે; કેમ જે વિષયમાં લુબ્ધ જીવો ઉપર દયા કરે છે, તો કોઈ પણ સાધને કરીને બ્રહ્મ સુધી પહોંચ્યો હોય તેના ઉપર દયા કરે એમાં શું? એ તો કરે જ. માટે શ્રીજીમહારાજ એને સૃષ્ટિમાં લાવીને પોતાની સાકારપણાની ઉપાસના કરાવીને મોક્ષ કરે છે.”
પછી બીજી વાત કરી જે, “એક સમયે વડોદરામાં શ્રીજીમહારાજને ને ગોસાંઈજીવાળાને સંવાદ થયો. તેમાં શ્રીજીમહારાજના ભણેલા સૌ સાધુ અને ગોસાંઈજીના સૌ શાસ્ત્રીઓ તેમને સામસામો સંવાદ કરવો અને તેમાં જે હારે તેને મુસલમાન કરવા એવો ઠરાવ કર્યો. પછી નિત્ય સભા થાય ને પ્રશ્ન-ઉત્તર ને સંવાદ થાય તેમાં ગોસાંઈજીવાળાની જીત થાય અને મહારાજના સંત હારે; તોપણ સંત કહે જે, ‘કાલે ગોસાંઈજીવાળાને જીતી લઈશું’, પણ સંત તો નિત્ય હારતા જાય. અને મહારાજ શ્રી ગોપાળાનંદ સ્વામીને સંભારે ને કહે જે, ‘અહો! અમારું રત્ન આવ્યું નહિ.’”
“એમ કરતાં એક દિવસ બાકી રહ્યો ત્યારે ગોપાળાનંદ સ્વામી આવ્યા. એમને જોઈને મહારાજ બહુ રાજી થયા ને કહ્યું જે, ‘અમારું રત્ન આવ્યું ને હવે અમારી જીત થશે.’ પછી બીજે દિવસે સભા થઈ અને શ્રી ગોપાળાનંદ સ્વામી સભામાં આવીને બેઠા, ત્યારે શાસ્ત્રીઓએ તથા બીજા સર્વેએ સ્વામીશ્રીને તેજોમય ને ચારેકોરે અનંત દેવો ને અનંત અવતારો સ્તુતિ કરતાં તથા અનંત નાનાં પ્રકારનાં ઐશ્વર્ય સહિત દેખ્યા. એટલે શાસ્ત્રીઓ તો સ્વામીશ્રીનું આવું આશ્ચર્યકારક ઐશ્વર્ય જોઈને દબાઈ ગયા ને કહેવા લાગ્યા જે, ‘અમે હાર્યા ને તમે જીત્યા.’ એમ કહીને વંદના કરવા લાગ્યા ને મહારાજની જીત થઈ. પછી શ્રીજીમહારાજ કહે જે, ‘સંતો તો હારીને અમને મુસલમાન કરાવનારા હતા, પણ આ ગોપાળાનંદ સ્વામીએ આવીને અમારી જય કરાવી.’ આમાં સમજવાનું એ છે જે હજારો સાધનિક સંત હોય તે એક અનાદિમુક્તની તુલ્ય ન થાય એવી અનાદિમુક્તની અલૌકિક સામર્થી છે.” ।।૨૦૮।।