સંવત ૧૯૮૨ના આસો વદ-૧૩ને રોજ સવારે શ્રી વૃષપુરના મંદિરમાં વચનામૃતની કથા વંચાતી હતી. તે વખતે ભુજના વિઠ્ઠલજીભાઈએ પૂછ્યું જે, “બાપા! મૂર્તિમાં રસબસ કોણ રાખે છે?” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિ રાખે છે.” પછી પૂછ્યું જે, “દાતા કોણ અને ભોક્તા કોણ?” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “મૂર્તિ સર્વેના દાતા અને મુક્ત ભોક્તા.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “મહારાજ સર્વ ભોક્તાને સુખ આપે છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “હા, આપે છે એમ સમજવું; એ જ સત્સંગમાં સત્સંગ. સર્વ ભોક્તા ભોક્તા પ્રત્યે દાતા એક દેખાય છે.” એમ કહી બાપાશ્રી ઘેર પધાર્યા.

થોડી વારે પાછા મંદિરમાં આવ્યા અને બોલ્યા જે, “અમારા હરજીને તાવ આવે છે. આજ તો તે રોયો ને કહ્યું જે, ‘બાપા! મટાડો.’ પછી અમે તેને કહ્યું જે, ‘બચ્ચા! મટી જશે.’”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “આપે પંચોતેરની સાલમાં મંદવાડ ગ્રહણ કર્યો હતો, ત્યારે અનંત જીવોનો સોથ વળી ગયો હતો. વળી આ મંદવાડ આપે ગ્રહણ કર્યો છે તે કોણ જાણે કેમ થશે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “નારાયણપુરથી ધનજી ને તેના દીકરા અમને આહીં પૂછવા આવ્યા હતા જે, ‘કારખાના લઈએ?’ ત્યારે અમે કહ્યું જે, ‘કારખાના મ રાખો, આ વર્ષમાં મંદવાડ બહોળો આવવાનો છે.’ તે તેમને પૂછી જુઓ.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “બાપા! એમાં શું પૂછવું છે? એ તો જ્યારે આપે મંદવાડ ગ્રહણ કર્યો ત્યારે સર્વત્ર એમ હોય જ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા કે, “એ તો શ્રીજીમહારાજ ધારે એમ કરે.” પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજી આવ્યા. તેમને બાપાશ્રીએ કહ્યું જે, “કેમ છે બાવા! તમારે જાવું છે કે રહેવું છે?” ત્યારે તે બોલ્યા જે, “અમારે તો જેમ સ્વામી કહે તેમ કરવાનું છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “મારે આપને મૂકીને ક્યાંય જવું નથી.”

એ સાંભળી બાપાશ્રી અતિ પ્રસન્નતા જણાવી સ્વામીની દાઢીએ એક હાથ રાખી અને એક હાથ મસ્તક ઉપર રાખ્યો અને હલાવીને કહ્યું જે, “આવા સાધુ ક્યાંથી મળે! પૂરી, રોટલી, દાળભાતના જમનારા તે અહીં મઠિયા જમે છે.”

એવી જ રીતે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ ત્રણે સંતો ઉપર અતિ હેત જણાવીને બોલ્યા જે, “આવા સાધુ અક્ષરકોટિ સુધી ક્યાંય નથી. આ સાધુ મઠિયા જમીને મારી સેવા કરે છે. આવા સાધુ મઠ જમે ત્યારે મારે જુવાર જમવી જ પડે.” એમ સંતોની અતિ પ્રશંસા કરીને આનંદ પમાડ્યો.

પછી બાપાશ્રી કૃપા કરીને એમ બોલ્યા જે, “આ સભામાં સર્વે છે. મહારાજ, અનાદિમુક્ત, પરમ એકાંતિક, એકાંતિક સર્વે છે; પણ જીવને આમ સમજાય નહિ તેથી બીજી તાણ બહુ રહે. આપણે તો જે જોઈએ તે અહીં છે. મહારાજે એટલા સારુ જ પરમહંસના સમ ખાઈને કહ્યું છે જે, ‘તમે દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી.’”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “આજ મુક્તાનંદ સ્વામી અહીં હશે?” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “હા.” ત્યારે વળી પૂછ્યું કે, “ક્યાં હશે?” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “નામ ન કહેવાય. બધાયને જાણીએ તો તે ભેળા આફૂડા આવી જાય. સ્વામી હરિનારાયણદાસજી કેવડા હતા! તેમને પણ કેટલાક ઓળખતા નહિ.”

પછી સંતો સામું જોઈને અતિ કરુણા કરીને બોલ્યા જે, “અનંત કોટિ બ્રહ્માંડમાં ફરી આવો; આવા સાધુ બ્રહ્મા, વિષ્ણુ, શિવથી લઈને મહાકાળ, વાસુદેવ તથા ઠેઠ અક્ષર સુધી ક્યાંય નથી; એથી પરના આ સાધુ છે. માટે સમજીને સુખિયા થાવું. બીજાં પદાર્થ બધાંય દુઃખરૂપ છે, પંચવિષય નાશવંત છે, તોપણ એ ધૂળનો વેપાર કરવા સૌ ખબાસાની પેઠે મંડી જાય છે. કેમ જે ભગવાન ભજ્યા વિના બધોય ધૂળનો વેપાર છે. તે માયિક પદાર્થ સર્વે ધૂળનાં. તે જુઓને! આ ભુજમાં કેટલું અનાજ પાકે છે ને બહારથી પણ આવે છે. આખો ગઢ ભરવો હોય તો ભરાઈ જાય; પણ ગામની ભાગોળે ધૂળ ભેળું ધૂળ થઈ જાય છે. તેમાં કંઈ માલ છે? તે જ્યારે લડાઈ થાય છે ત્યારે કોઈ પાછું વાળીને જોતા નથી. પણ વિચાર કરે તો એક શેર અનાજ જોઈએ, એટલું પોતાને માટે છે તેમાં કેવાં કેવાં દુઃખ વેઠે છે! જુઓને! કોઈ કોઠારી થવા, ભંડારી થવા કે મહંત થવા વલખાં કરે છે. એવી માયા દુઃખરૂપ છે.”

તે સમે લાલજી ઊભો ઊભો ઊંઘતો હતો. તેને કહ્યું જે, “લાલજી! બેસી જા; પડી જઈશ તો વાગશે.” પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “એટલે છેટે દેખો છો?” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “અમે તો બધેય દેખીએ.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! દેહ પહેલો દેખાડતા તેવો દેખાડો ને!”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમારે સેવા કરવા આવો રાખ્યો છે. તમે ઘણાં ખોખાંની સેવા કરી હશે, પણ આ સેવા મળે એવી છે? આ સેવા બહુ મોંઘી છે. આ તો કીડી-કુંજરનો મેળાપ છે.”

એમ વાતો કરી સંતોને કહ્યું જે, “તમો ભુજમાં અન્નકૂટનાં દર્શન કરી બીજાં ગામોમાં હરિભક્તોને દર્શન દઈ ભારાસર આવજો, અમે પણ ત્યાં આવીશું.” ।।૫।।