(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૭) પછી બાપાશ્રીએ વાત કરી જે, “કોઈનું સંપેતરું પહોંચાડવું હોય અને કોઈ પરબાર્યો જમી જાય તેમ જેને દેહ ને જીવ જુદા છે એવી વિક્તિ નથી તેવા જીવનું જ્ઞાન ઇંદ્રિયો બારોબાર વાપરી નાખે છે.”

ત્યારે સુખપરવાળા મિસ્ત્રી માવજીભાઈએ પૂછ્યું જે, “મોટા મુક્ત જીવને બારોબાર જ્ઞાન આપે તો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજ તથા મુક્તને વિષે દિવ્યભાવ હોય તો આનંદ થાય અને જીવ બારોબાર ગ્રહણ કરે ને તેમને વિષે મનુષ્યભાવ હોય તો ઇંદ્રિયો દ્વારા વપરાઈ જાય તેથી જીવ સુધી પહોંચે નહિ. માટે વાંદરાની પેઠે અધરપધર વૃત્તિ ન રાખવી. મોટા અનાદિમુક્ત વાત કરતા હોય તે દિવ્ય જાણવી. તેજના સમૂહને વિષે શ્રીજીમહારાજ છે અને ચારે બાજુ મુક્તની સભાથી બધું બ્રહ્માંડ ઠસાઠસ ભરાઈ ગયું છે, તેજનાં કુંડાળાં પડે છે અને તેજનો ઘોષ થઈ રહ્યો છે. તેને પ્રણવનાદ કહે છે.”

એમ કહીને સૌને મૂર્તિના સુખનો આશીર્વાદ આપ્યો.

પછી એમ બોલ્યા જે, “માળામાં મણકાનો દોરો જુદો દેખાય છે તે માયિકભાવ છે ને સળંગ દેખાય તે અનુભવજ્ઞાન છે. આ લોકનું જ્ઞાન ભણવેથી વધી જાય છે તો અનુભવજ્ઞાન વધે એમાં શું કહેવું! એ જ્ઞાનને કોઈ પહોંચી શકતું નથી. આ લોકનું બહુ ભણીને પૃથ્વીનું અને જળનું પ્રમાણ કરે, પણ શ્રીજીમહારાજની મૂર્તિનું જ્ઞાન એનાથી થાય નહિ. મોટા અનાદિ તો અનુભવજ્ઞાનથી કરોડોને મૂર્તિનું સુખ આપે. દાડિયું કરીને વડોદરાનું રાજ્ય લેવું હોય તો ન મળે, પણ રાજાની કૃપા થાય તો રાજી થઈને આપી દે. મોટા અનાદિમુક્તે અને મહારાજે આ સડક કાઢી છે. આ સભામાં જે મોટાને ન ઓળખે તેને તેટલું નુકસાન છે. છેવટ એમ સમજે તોય ઠીક જે ભગવાનને ત્યાં બધુંય છે. બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી તથા આજના સંત તે સર્વે દિવ્ય છે. ખરેખરા સાધુતાના ગુણ આવે ત્યારે જ કામ પૂરું થાય. ખરેખરું સત્સંગમાં દાસપણું રખાય અને નિર્માનીપણે રહેવાય તો મનુષ્યભાવ તથા દિવ્યભાવ એક સમજાય; નહિ તો ન સમજાય.”

તે ઉપર ભુજના વેદાન્તાનંદ બ્રહ્મચારી મહારાજની પ્રસાદી જમ્યા નહોતા ને પછીથી પસ્તાવો કર્યો તે વાત કરી.

“એમ પ્રગટમાં સંશય રહી જાય છે, તે ન રાખવો. આજ તો મોટા અનાદિ શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ પ્રવર્તાવે છે અને મનવારો ભરી ભરીને અક્ષરધામમાં મોકલાવે છે. એવા મોટાનો જોગ કરીએ તો મહારાજને વિષે દિવ્યભાવ આવે ને નિઃસંશય થવાય. મોટા હજાર હજાર રૂપિયાના બારિસ્ટર આવતા ને સામા ઊભા રહેતા તોપણ શ્રીજીમહારાજના પ્રતાપે કેટલાક ભક્તોની રક્ષા થઈ છે એવો મહારાજનો અલૌકિક પ્રતાપ છે. જેણે હાથ ઝાલ્યો તે કોઈ દિવસ મૂકે નહિ; તેમ શ્રીજીમહારાજ ને તેમના અનાદિમુક્ત સાથે સંબંધ થયો પછી તે કેમ મૂકે! આવો જોગ મળ્યો છે તોપણ કેટલાક ભૂલી જાય છે તે કેવું અજ્ઞાન કહેવાય! આ લોકમાં મોટા મોટા વ્યવહારના પહાડ પડ્યા છે, તેને તોડીને બ્રહ્મરાક્ષસને મારીને મહારાજને પધરાવી દેવા, જેથી કરીને મહારાજની મૂર્તિને પ્રતાપે અલૌકિક જ્ઞાન થઈ જાય.”

“ત્યારે કોઈ એમ કહે જે, ‘મોટાની ઓળખાણ વિના ને મહારાજનું સુખ આવ્યા વિના હેત કેમ થાય?’ તેનું તો એમ છે જે આપણે ભેગા થઈને કથા-વાર્તા કરીએ છીએ તે કેવળ મોક્ષને માટે ને મહારાજનું સુખ આવવા માટે કરીએ છીએ. આપણે તો એક શ્રીજીમહારાજની વ્યતિરેક મૂર્તિ ખરેખરી સાક્ષાત્કાર ચૈતન્યમાં પધરાવી દેવી. તે પધરાવનારા મોટા અનાદિ આ વખતે તૈયાર છે તેમની સાથે દિવ્યભાવે જોડાવું.”

પછી એમ બોલ્યા જે, “સૂર્યના રથમાં બેઠા તેને રાત્રિ-દિવસ નથી. એમ મૂર્તિ આકારે દૃષ્ટિ થઈ તેને કાળ નથી, કર્મ નથી, દિવસ નથી, રાત નથી, અવસ્થા નથી; એને તો પુરુષોત્તમનારાયણની મૂર્તિના તેજમાં સર્વે સુખમય થઈ ગયું છે. માટે મહારાજની મૂર્તિ વિના બ્રહ્મપુર, ગૌલોકાદિક કાંઈ સંભારવું નહિ ને પૂછવું પણ નહિ. સંભારીએ તો મોટા કચવાય કે તેની કાંઈ ઇચ્છા હશે કે કેમ? આપણે મોટા પાસે તેનું પ્રમાણ કરાવીએ તે ઠીક નહિ. એક સાધુએ અમને પૂછ્યું ત્યારે અમે કહ્યું કે, ‘મૂર્તિ વિના અમે તો બીજું કાંઈ ભાળ્યું નથી ને જોયું પણ નથી. જો ખપે તો મહારાજની મૂર્તિ છે.’”

“શ્રીજીમહારાજે ગામમાં વન કર્યાં છે. તે વન તે શું? તો જ્યાં માયા નથી એવાં દિવ્ય મંદિરો કર્યા છે તે નાવરૂપ છે. નાવનો એટલો વિશ્વાસ રહે છે કે બેઠા પછી નક્કી કાંઠે ઉતારશે; તેમ મોટા મુક્તનો એટલો વિશ્વાસ રાખવો કે તે નક્કી મહારાજના સુખમાં પહોંચાડશે. ‘નિર્ગુણના ગુણ ગાય ધર્મ સુત લાડીલો.’ બીજું જ્ઞાન ઓછું હશે તો ચાલશે, પણ એવો પ્રબળ નિશ્ચય રાખવો કે આ સંત છે તે અનાદિ છે, નિર્ગુણ છે ને સભા બધી સળંગ છે, વચમાં મહારાજની મૂર્તિ છે, મૂર્તિને અને મુક્તને ભેગાપણું છે. એમ સમજે તો બહુ કામ કરી દે.”

“શાસ્ત્ર આડાં આવે એને આ વાત સમજાતી નથી. બાળકનો રમાડનાર હોય તે બાળક જેવી વિધિ કરે અને જુદું જુદું પણ બતાવે તેમ સંત, મુક્ત, સભા તેને મહારાજ જુદું પણ રાખે ને ભેળું પણ બતાવે. ગોળ, ખાંડ, ઘી બધુંય ભેગું થયે સુખ વધે; એકલો લોટ ખાધે સુખ ન આવે. માટે ભેગામાં સુખ છે. મહારાજની મૂર્તિ છે ત્યાં સર્વે મુક્ત બેઠા છે. આ તો દિવ્ય સભા છે તેને મૂકીને એકલા ન રહેવું ને કોઈ વાતે ધોખો ન કરવો. મહારાજ અને મોટા અનાદિ મળ્યા એટલે જીતનો ડંકો થઈ ગયો. છેલ્લી વખતે આવું ને આવું રહે એટલે બસ છે. આ લોકનો વ્યવહાર ભૂત જેવો છે તે બાઝે તો મૂકે તેવો નથી. કાઠિયાવાડના બળદને આર મારે છે, પણ આરનો ભય નથી રહેતો કે હમણાં બીજી આવશે. એમ જોગ કરતાં કરતાં આ જ્ઞાન પેસી જશે એટલે બધુંય સમજાશે. જીવનો તો એવો સ્વભાવ છે જે કાંઈક નજરે ભાળે તો આનંદ, પણ અંદરનો આનંદ નહિ. માટે ખરેખરો મૂર્તિના સુખનો આનંદ અંદરનો રાખવો.”

“સંપ્રદાયનું આડું-અવળું કાંઈક થાય તેમાં મહારાજ ને મોટા જે કરતા હશે તે ઠીક કરતા હશે એમ ન જાણે ને વચમાં પોતે કૂદી પડે, પણ મહારાજ ઉપર ન લાવે. એવી રીતે જીવ બહુ ભુલાણો છે. જીવનું શું ગજું! દેખાતું કાંઈએ ન હોય અને ધણી પોતે થાય તેને ઘણી ખોટ આવે છે. ધણી તો મહારાજ તથા મોટા મુક્ત છે. માટે તેમને સાથે રાખશું તો કાંઈ વાંધો નહિ રહે. મહારાજ અને સંતને ખરેખરા વોળાવા કરવા એટલે તેઓ ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચાડે.” ।।૫૮।।