(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧૦) કથાનો સમય થઈ ગયો હતો તેથી ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રી સભામાં પધાર્યા. તે વખતે સાંવલદાસભાઈ, શિવજીભાઈ, ગોવિંદભાઈ આદિક હરિભક્તોએ સભાનો ફોટોગ્રાફ લેવાનું ઠરાવેલું, તે વાત સંતોને કહી.

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “બાપાશ્રીને આ વાત જણાવો.”

ત્યારે સૌ હરિભક્તોએ બાપાશ્રીની પ્રાર્થના કરી જે, “બાપા! અમને આ દિવ્ય સભાની સ્મૃતિ રહેવા માટે ફોટોગ્રાફ લેવાની ઇચ્છા છે.”

ત્યારે બાપાશ્રી કહે, “આમ ને આમ સભા અખંડ સંભારે એટલે ફોટોગ્રાફ લેવાઈ ગયો. આ સભા દિવ્ય તેજોમય છે, અક્ષરધામની છે, અનાદિમુક્તની છે, મહારાજ વચ્ચે બિરાજે છે તેવી સ્મૃતિ અખંડ રાખવી એમ મોટા મોટા સંતો કહે છે. ફોટોગ્રાફ તો હમણાં નીકળ્યા છે. પ્રથમ મોટા મોટા સદ્‌ગુરુઓ, મહામુક્તો નિરાવરણ દૃષ્ટિવાળા હતા તથા સમાધિવાન હતા તે તો લીંબડાના વૃક્ષ નીચે સંત-હરિભક્તની સભાએ સહિત મહારાજને નિરંતર દેખતા. એવું કરવું તો ફોટોગ્રાફ લેવા ન પડે.”

ત્યારે હરિભક્તોએ પ્રાર્થના કરી જે, “બાપા! એવી મોટી સ્થિતિવાળા મુક્તોને તો એમ વર્તતું, આ તો સાધારણ સ્થિતિવાળા નાના બાળક આદિને પણ દર્શનની સ્મૃતિ થાય.”

ત્યારે બાપાશ્રી કહે, “ભલે, સાજી સભા બેસે તો અમારી ના નથી.”

એમ કહીને મંદિરની જગ્યામાં રહેતા હરિભક્તો મગનભાઈ આદિના આગ્રહથી તેમને ઘેર દર્શન દઈને આવ્યા. ત્યાં સંત-હરિભક્તોની ગોઠવણ થતી હતી. બાપાશ્રીને સૌની વચ્ચે બેસાર્યા, પડખે સંતમંડળ તથા સાથે આવેલા સેવક બેઠા. કેટલાક હરિભક્તો પાછળ ઊભા રહ્યા. લાલુભાઈ, મહાદેવભાઈ, હીરાભાઈ, મોહનભાઈ, અમીચંદભાઈ, સોમચંદભાઈ, ગોરધનભાઈ, ગોવિંદભાઈ આદિક ઘણાક નાના-મોટા હરિભક્તો પાસે પાસે બેઠા. ફોટોગ્રાફવાળો કહે, “એક મિનિટ સરખા સૌ બેસી રહેજો.” એમ કહેતાં તરત ફોટો પાડી લીધો.

ત્યારે બાપાશ્રી પ્રસન્ન થયા ને કહે જે, “આટલી જ વાર!” એમ કહીને બોલ્યા જે, “જેમ આ ફોટો પાડતાં વાર નથી લાગતી તેમ મહારાજની મૂર્તિ ચૈતન્યમાં પધરાવતાં વાર ન લાગે, આમાં સરખું બેસવું ખપે છે તેમ મહારાજ ને મોટા અનાદિના ઠરાવે ઠરાવ થાય તો તુરત સુખમાં મૂકી દે. મહાપ્રભુ આજ અઢળક ઢળ્યા છે. અનંતને ઉદ્ધારવા આવ્યા છે. જીવ ઉપર મહારાજની બહુ દયા છે. મોટા મુક્તોએ એમની દયા શાસ્ત્રમાં લખી છે. આજ વર્તમાન કાળે એવાં ને એવાં કામ શ્રીજીમહારાજ કરે છે તેથી જે શરણે આવ્યો તે નિર્ભય. નો’તી દીઠી નો’તી સાંભળી એવી રીત ચલાવી છે.”

એમ વાત કરતા હતા તે વખતે એક સંત છેટે બેઠા કીર્તન કંઠે કરવા ગાતા હતા. તે સાંભળી બાપાશ્રી ચપટી વગાડી ડોલતાં અતિ પ્રસન્નતા જણાવીને બોલ્યા જે, “જેને ભગવાનને વિષે હેત હોય તેને આમ કીર્તનભક્તિ બહુ શ્રેષ્ઠ છે. તે કીર્તન મૂર્તિ સંભારીને બોલવાં. ચિહ્નનાં, લીલાનાં, ચરિત્રનાં બોલવાં તે સાંભળીને ભગવાન અને ભગવાનના મુક્ત ઘણા રાજી થાય છે. આપણે સત્સંગમાં આવ્યા પછી શું કરવાનું છે? તો શ્રીજીમહારાજને જેવા સર્વોપરી છે તેવા જાણવા ને માહાત્મ્યે સહિત ભક્તિ કરવી. હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં, સર્વે ક્રિયામાં મૂર્તિમાં નિમગ્ન રહેવું. મહારાજ આપણી સામું જોઈ રહ્યા છે અને તે બધુંય જાણે છે એવી સમજણ રાખવી. મહારાજથી કોઈ વાત અજાણી નથી એમ જાણવાથી મહારાજની પ્રસન્નતા ભળે છે.”

તે ઉપર વાત કરી જે, “એક ગામમાં ત્રણ ભાઈ ભેગા રહેતા હતા તે જુદા થયા. ત્યારે એક ભાઈના ભાગમાં મૂળ રહેવાનું જૂનું ઘર આવ્યું. ચાર-પાંચ વર્ષે જ્યારે તે ઘર સમું કરાવતો હતો ત્યારે તે ઘરમાંથી રૂપિયાની માટલી નીકળી. તે વખતે તેણે તેના બીજા ભાઈઓને બોલાવી ભાગ વહેંચી દીધો. ત્યારે તેને પોતાના મળતાવાળાઓએ કહ્યું કે, ‘તમારા ભાઈને ક્યાં રૂપિયા નીકળ્યાની ખબર છે? ને તમારા ઘરમાંથી નીકળ્યા છે તેથી તે શેનો ભાગ માંગે?’ ત્યારે તેણે તે કહેનારાને કહ્યું જે, ‘તેને તો ખબર નથી, પણ શ્રીજીમહારાજ તો જાણે છે ને! કે આ દ્રવ્ય સહિયારું છે. માટે તેમાં તે કેમ ભાગ ન માગે?’ આવી રીતે ભગવાનના ભક્તની સમજણમાં ભગવાન સર્વે જાણે છે એમ રહે છે. તેથી તે એમ જાણે જે હું અન્યાય કરીશ તો શ્રીજીમહારાજનો રાજીપો મારા ઉપર નહિ રહે. માટે શ્રીજીમહારાજ કુરાજી થાય એવું હરિભક્ત ક્યારેય પણ કરે નહિ. એવા ભક્ત ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે.”

આમ વાત કરતા હતા તે વખતે મોહનલાલ નથુભાઈ બાપાશ્રી પાસે આવ્યા ને કહ્યું જે, “બાપા! કાલે આપને તથા સર્વ સંતોને મેં પ્રાર્થના કરી હતી જે મારે ઘેર શ્રીજીમહારાજની મૂર્તિ પધરાવવી છે. ત્યારે આપે મને કહ્યું હતું જે આવતી કાલે સારું મુહૂર્ત છે. તેથી હું તૈયારી કરી આપને તેડવા આવ્યો છું તો દયા કરી પધારો.”

ત્યારે બાપાશ્રી કહે, “ભલે.” એમ કહી સ્વામીશ્રી આદિ સંતોને તૈયાર થવા કહ્યું.

તે વખતે મોહનભાઈએ મહારાજની મૂર્તિને ગાદી-તકિયા તથા ભારે ભારે વસ્ત્ર પાથરીને ગાડીમાં પધરાવી, અને બીજી ગાડીમાં બાપાશ્રી તથા બન્ને સદ્‌ગુરુઓને બેસાર્યા. હરિભક્તો કેટલાક સાથે ચાલતા હતા ને કેટલાક આગળ ઉત્સવ કરતા હતા એવી રીતે તેમને ઘેર ગયા. ત્યાં મહારાજની જય બોલાવીને સૌ બેઠા. તે વખતે મોહનભાઈએ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહિત વચનામૃતનું પારાયણ કરાવવાનો પોતાને સંકલ્પ હતો તે જણાવ્યો. ત્યારે સ્વામીશ્રીએ સંતો તથા હરિભક્તોને જુદાં જુદાં વચનામૃતનાં પાનાં આપીને પારાયણ વંચાવી તેમનો સંકલ્પ પૂરો કર્યો. પછી સમય થયો એટલે મૂર્તિની પ્રતિષ્ઠા કરી થાળ જમાડી આરતી ઉતારી જય બોલાવી. સંતો તથા હરિભક્તો અષ્ટક તથા કીર્તન બોલ્યા. તે વખતે ઘરમાં ને ફળિયામાં માણસની ભીડ ઘણી થઈ હતી. સૌને પ્રસાદી વહેંચાણી.

પછી બાપાશ્રીએ બન્ને સદ્‌ગુરુઓને કહ્યું જે, “સ્વામી! હરિભક્તોનાં હેત તો જુઓ! સવારથી રાત સુધી નાના-મોટા સૌ વાંસે જ ફરે છે. મોક્ષના ખપ કેવા છે! સૌના મનમાં એમ જે આમ સેવા કરીએ, કે આમ રાજી કરીએ, એમ સર્વે ઉતાવળા થઈ જાય છે. અમે તો હરિભક્તોનાં હેત જોઈ ઘણા રાજી થઈએ છીએ; કેમ કે આવા દેશમાં રહી આવો સત્સંગ રાખવો તે બહુ મોટી વાત કહેવાય. ધન્ય છે આવા હરિભક્તોને!”

એમ કહી સૌને મૂર્તિમાં રાખવાનો આશીર્વાદ દઈ બાપાશ્રી મંદિર પધાર્યા. મોડું થઈ જવાથી આશાભાઈ બાપાશ્રીને ઠાકોરજી જમાડવા બોલાવવા આવ્યા ત્યારે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, “સ્વામી! આ આશાભાઈ અમારો બહુ ખટકો રાખે છે. બિચારા મહિમાવાળા તેથી તાણ રહે; હું બધુંય જાણું છું.”

એમ કહી ઠાકોરજી જમાડવા પધાર્યા. ।।૭૭।।