સંવત ૧૯૮૩ના આસો સુદ-૭ને રોજ સાંજે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “અખંડ સમાધિવાળો છે તેને તો મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ ભાસે જ નહિ. ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં સર્વે ક્રિયામાં મૂર્તિ હોય અને જે ચમત્કાર, સમાધિ, પરચા આદિક દેખાય તે તો મહારાજ પોતાની મરજી પ્રમાણે દેખાડે, પણ તેમાં અનુક્રમનો મેળ નહિ.”

પછી પ્રથમ પ્રકરણનું ૬૫મું વચનામૃત વાંચવા માંડ્યું. તેમાં ઇંદ્રિયોના અંતને પામે તો તેના દેવને પમાય એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ બધાયને ઠેક દઈને ઠેઠ મહારાજની મૂર્તિને વળગી જઈએ તો એ એકે આડું આવે નહિ. બીજું તો શાસ્ત્રવાળા જાણે. આપણે તો વૈરાજ શું! અહંકાર શું! મહત્તત્ત્વ શું! પ્રધાનપુરુષ શું! પ્રકૃતિપુરુષ શું! વાસુદેવબ્રહ્મ શું! મૂળઅક્ષર શું! અને અક્ષરધામ તે શું! એક મહારાજની મૂર્તિ રાખવી. તે આ ઈશ્વરબાવે રાખી છે; બીજા બધાયને ઉલ્લંઘી ગયા છે. ભગવાનનો ભક્ત કાળ-કર્મનો આહાર કરી જાય. ‘કાળ કર્મની રે શંકા દેવે વિસારી.’ આહાર એટલે શું? તો કાળ-કર્મને ધોકા મારીને કાઢી મેલે; એવા આ સંત છે. તે શાથી? તો એને પ્રત્યક્ષ મહારાજની મૂર્તિ મળી છે તેથી બીજું બધુંય ખોટું થઈ ગયું છે. જ્યારે પ્રગટ મહારાજ મળે એટલે તે મૂર્તિમાં એકતા થાય અને તે મૂર્તિના આકારે આકાર થઈ જાય, ત્યારે એ બધાયનો ચારો કરી શકે એવી સામર્થી આવે છે.”

પછી બાપાશ્રીએ સંતોને વાતો કરવાની આજ્ઞા કરી, ત્યારે સંતોએ કહ્યું કે, “સ્વામી ઘનશ્યામજીવનદાસજીને વાતો કરવાની આજ્ઞા કરો.”

પછી બાપાશ્રી બોલ્યા કે, “એમનાં તો દર્શન પણ દુર્લભ છે, કેમ જે આટલી મોટી અવસ્થાએ પણ એ અહીં આવે છે. એમને તો ભુજના મહંત કરવા જેવા છે.” એમ કહીને કીર્તનની ટૂંક બોલ્યા જે, “‘સખી ઘન સજી શણગાર ધરા લીલી થઈ.’ ઘન કહેતાં વરસાદનું નામ તે તો ઉપમા. કેટલીક અવરભાવની અને પરભાવની વાત જાણવી જોઈએ. મહારાજ બહુરૂપી કહેવાય. મહારાજ તો શ્વેત તેજોમય છે. તે તેજ ઘન એટલે ઘાટું છે તેને વીજળી, ચંદ્ર, સૂર્ય આદિકનાં દૃષ્ટાંત દેવાય છે.”

પછી બોલ્યા જે, “‘શ્વેત હાર પહેર્યા ઉર પર કાજુ બાંધ્યા શ્વેત ફૂલોના બાજુ’, ‘લહેરી લટકાળા’ એમ ઉપમાઓ દીધી છે, પણ એ તો અલૌકિક છે. અક્ષરધામમાં બે ભુજાવાળા ભગવાન બિરાજે છે અને ચાર ભુજ, અષ્ટભુજા કે હજાર હાથનાં નામ પડ્યાં એ તો બીજા અવતાર આવ્યા. આપણા પતિ બે ભુજાવાળા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને ઓળખવા. કેમ બાવા! એ બે ભુજાવાળા ખપે કે બીજું ખપે?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “અમારે તો દ્વિભુજાવાળા ખપે.”

ત્યારે બોલ્યા જે, “એ મૂર્તિ હરતી-ફરતી દેખાય તે અને ઘનશ્યામ કહી તે અવરભાવના ભાવ. ને અડખે-પડખે હરતાં-ફરતાં માતાના ઉદરમાં દેખીએ છીએ એમ કહ્યું છે તે કેટલાક પરમ એકાંતિક મુક્તના તથા કેટલાક અનાદિમુક્તના ભાવ છે.”

પછી સાંજના પ્રથમ પ્રકરણનું ૩જું વચનામૃત વંચાતું હતું. ત્યારે બાપાશ્રી સભા સામું જોઈને બોલ્યા જે, “સંતો! આ વચનામૃત પ્રમાણે તમે અવતાર ઠર્યા. ‘જે જે અવતારે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી.’ તે અવતાર મચ્છ, કચ્છ, વારાહ, હયગ્રીવ, વ્યાસ, રામ, કૃષ્ણ? ના, ના, એ કોઈ નહિ. આ તમે છો તે બધા અવતાર છો. પરોક્ષ અવતારોથી આત્યંતિક કલ્યાણ ન થાય. આ વાત નથી સમજાતી એટલી ખોટ કહેવાય. આ વાત સમજાય ત્યારે પૂરણકામ થઈ જવાય. જો મૂર્તિમાં રહે તો એ સમજાય, પણ અંતર્વૃત્તિ કોઈ દિવસ કરે નહિ તો શું સમજાય?”

પછી હરિભક્તો ચોક ચોખ્ખો કરતા હતા તે જોઈને બોલ્યા જે, “‘નીચી ટેલ મળે તો માને મોટાં ભાગ્ય જો.’ માંદા સાધુની સેવા કરવી, મંદિર વાળવું, ખાડા ધોવા એ બધી નીચી ટેલ કહેવાય.” એમ વાત કરીને ‘શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય ને આ સભાની માયાનો ક્ષય’ એમ પ્રસન્ન થઈને બોલ્યા. ।।૨૫।।