(સંવત ૧૯૮૪) ફૂલડોલ પર બાપાશ્રી ભુજ ઠાકોરજીનાં દર્શન કરવા ગયેલા ત્યારે સાધુઓએ તથા વૃષપુરના હરિભક્તોએ સેવા બહુ કરી તેની સભામાં વાત કરી રાજીપો જણાવ્યો ને કહ્યું જે, “આવાં મોટાં મંદિર ને આવાં સ્થાન છપૈયા સુધી જ્યાં જઈએ ત્યાં દેખાય છે, એ બધા સંતોના ને હરિભક્તોના દાખડા છે. એ સેવાએ કરીને અનેક અક્ષરધામમાં મહારાજની મૂર્તિના સુખભોક્તા થઈ ગયા છે; કેમ જે આવાં સ્થાનમાં મહારાજે આત્યંતિક મોક્ષનું સદાવ્રત ચલાવ્યું છે, તેથી અહીં સર્વે ક્રિયા મૂર્તિના સંબંધની જ હોય.

“મહારાજના અનાદિમુક્ત જીવને મૂર્તિનાં સુખ પમાડવા દૃષ્ટિગોચર વર્તતા હોય તેમનો રાજીપો થાય ને એ જે કહે તેમાં વિશ્વાસ હોય તો એ લટક હાથ આવે ને મૂર્તિને સુખે સુખિયો થઈ જાય; નહિ તો દાખડો ઘણો ને ફળ થોડું થાય. શ્રીજીમહારાજે ‘મોટા મુક્તને જોગે તથા સેવાએ સો જન્મની કસર ટળવાની હોય તે આ જન્મે ટળે’ એમ કહ્યું છે, તેનું કારણ પણ એ જ છે. માટે અવસર ન ચૂકવો.”

“કેટલાક સત્સંગમાં જૂના કહેવાતા હોય, પણ સમજવામાં કાંઈ ન આવ્યું હોય તેથી મહારાજને તથા બીજા અવતારોને એકમેક વર્ણન કરે, તેને મોટા અનાદિનો મહિમા જીવમાં ક્યાંથી ઊતરે? કેટલાક તો જગતના જીવની સમજણની પેઠે એમ બોલે છે જે, ‘બધાય ભગવાનના અવતાર સરખા.’ તેમ આ વાત ન સમજ્યા હોય તે પણ એમ કહે જે, ‘રામ, કૃષ્ણ આદિ જે અવતાર થયા તે જ મહારાજ. એ ટાણે થોડી સામર્થી જણાવી હતી ને આ ટાણે ઘણી જણાવી છે.’ વળી એમ પણ કહે છે કે, ‘ભગવાન તો એક છે. તે એના એ ભગવાન, તેમાં વળી નાના-મોટા કેમ કહેવાય?’ એવી સમજણ પોતાને તો હોય, પણ તેનો જે વિશ્વાસ કરે તેના જીવમાં પણ એવી સમજણ નાખે, તેથી તેના ઉપર મહારાજનો ને મોટાનો રાજીપો ક્યાંથી થાય!”

“મોટા મુક્તોએ સમજાવવામાં કાંઈ બાકી રાખ્યું નથી તોય સર્વોપરીપણાની, અવતાર-અવતારીની વાત જીવમાં ઊતરે નહિ. તેને મહારાજનું સુખ ક્યાંથી આવે! અનંત કોટિ રામ ને અનંત કોટિ કૃષ્ણ અને અનંત કોટિ મુક્ત એ સર્વના કર્તા, સર્વના આધાર, સર્વના નિયંતા ને સર્વના કારણ મહારાજને સમજે, ત્યારે જ્ઞાન થઈ રહ્યું. ‘આ તો અનંત ભગવાનના ભગવાન છે તે આપણે ઘેર આવીને બેઠા છે’, એમ અ.મુ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે. તથા અ.મુ. ગોપાળાનંદ સ્વામીએ પણ મહારાજનો સર્વોપરી મહિમા બહુ જ કહ્યો છે.”

“જો મોટા અનાદિમુક્તનો વિશ્વાસ હોય તો એ વાત સમજાય, પણ પોતાની બુદ્ધિબળે સમજાય એવું નથી. કેટલાક ભણેલા-ગણેલા કહેવાતા હોય, પણ પરોક્ષ શાસ્ત્રમાં આ વાત ખોળે તે ક્યાંથી જડે! શ્રીજીમહારાજ તો એમ કહે છે જે, ‘આવ્યા નથી ને આવશું ક્યાંથી રે, તે તો વિચારોને મનમાંથી રે.’ તેથી એ મૂર્તિના સુખભોક્તા અનાદિમુક્ત વિના શ્રીજીમહારાજનો મહિમા કોણ સમજાવે! જ્યારે શ્રીજીમહારાજ અ.મુ. રામાનંદ સ્વામીને મળ્યા ત્યારથી સ્વામીશ્રી તો એમ જ કહેતા જે, ‘આ નીલકંઠ બ્રહ્મચારી તો મોટા મોટા રામ, કૃષ્ણ, વાસુદેવ ને અક્ષરાદિક એ સર્વેને પ્રાર્થના કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે; પણ આવા શબ્દ જીવમાં ઉતારે નહિ ને મોટા કહે તે મનાય નહિ, તેને મહારાજનું સુખ કેમ આવે? માટે સૌ મહારાજને જેવા છે તેવા જાણજો.”

એમ વાતો કરી હરિભક્તોને રાજી કરી બાપાશ્રી વૃષપુર પધાર્યા. ।।૧૨૬।।