સંવત ૧૯૮૩ના ફાગણ વદ-૨ને દિવસે સવારે મેડા ઉપર નિત્યવિધિ કરી બાપાશ્રી સર્વેને મળ્યા ને પ્રસન્ન થકા સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, “આ સર્વે હરિભક્તો બહુ હેતવાળા છે, તેમનાં હેત જોઈને અમે ઘણા રાજી થઈએ છીએ. આવા શહેરમાં રહીને આવો સત્સંગ રાખવો તે કામ ભારે કહેવાય. તમારા જેવા સંતની દયાથી મહારાજ અને મોટા મુક્તને રાજી કરે છે. લાલુભાઈ જેવા મુક્ત તેનાં હેત તો જુઓ! મહારાજે સત્સંગમાં આવા મુક્ત રાખ્યા છે, તેમને સેવા-સમાગમે પ્રસન્ન કરે તો સર્વે વૃત્તિઓ ભગવાનમાં રહે. નાના-મોટા, બાઈ-ભાઈ સર્વે ઉપર મહારાજ તથા મોટાની દયા બહુ છે; નહિ તો આવા બળિયા હોય નહિ.”

એમ વાત કરતા હતા તે સમે માથકવાળા ગોરધનભાઈએ ગુલાબનું ફૂલ બાપાશ્રીને આપ્યું, તે લઈને સ્વામી ઈશ્વરચરચરણ-દાસજીને કહ્યું કે, “જેમ આ પુષ્પને પાંખડીઓની ઘટા છે તેમ મહારાજને ફરતી મુક્તની ઠઠ છે. તે મૂર્તિમાંથી નવીન નવીન ખુશ્બો છૂટે છે તેણે કરીને એ સર્વે મુક્તો સુખમાં કિલ્લોલ કરે છે. અનાદિ તો રસબસ રહ્યા થકા રોમરોમનાં સુખ લે છે. આવો લહાવ આ ટાણે મહારાજે સુગમ કર્યો છે. મહાપ્રભુ ન્યાલકરણ પધાર્યા છે. આ સભા દિવ્ય જણાય તો મહારાજ, અનંત મુક્ત, આ સંત-હરિભક્તો, સર્વે દિવ્ય તેજોમય ભાસે. આ તો અલૌકિક વાત છે.”

એમ કહીને વાત કરવા લાગ્યા જે, “જેમ કૂવામાં ઘડો સિંચે છે તે દોરડું સિંચનારના હાથમાં હોય તે સળંગ રહે તો પાણી ભરીને ઘડો નીકળે છે, પણ દોરડું તૂટે તો ઘડો કૂવામાં રહે છે અને પાણી પણ આવતું નથી. તેવી રીતે ભગવાનના ભક્તની વૃત્તિ શ્રીજીમહારાજની મૂર્તિ વિષે સદા સંલગ્ન રહે છે તેને શ્રીજીના સુખરૂપ પરમાનંદનો લાભ થાય છે, પણ જો વૃત્તિ તૂટે તો કૂવામાં ઘડો રસાતાળ થયો તેમ માયાને વિષે જીવ લીન થાય છે.”

“શ્રીજીમહારાજની મૂર્તિને વિષે અનંત અપાર મુક્ત રહ્યા છે, જેમ કમળના ફૂલને વિષે પાંખડીઓ રહી છે તેમ. એક હરિભક્તને મહારાજે એવું દર્શન આપ્યું જે મુક્તો ચારે તરફ બ્રહ્માંડમાં ઝળેળાટ કમળની પાંખડીઓ ઉપરાઉપર દોઢે ગૂંથાયેલી છે તેમ તે મુક્તોની ઠઠ દેખી. પછી તે સર્વે પાછા શ્રીજીમહારાજની મૂર્તિને વિષે ભાસ્યા.”

પછી બોલ્યા જે, “જ્યારે મૂર્તિમાં સંલગ્ન થાય ત્યારે વૃત્તિ ન સમજવી; એ જીવસત્તાએ જોવાય છે. તેને મૂર્તિથી ઓરું જ્ઞાન રહેતું નથી અને તેની ક્રિયા મહારાજની ઇચ્છાથી થાય છે. જેમ મહારાજે કહ્યું જે, ‘પુંજાજી બોલે તો વરસાદ થાય, પણ પોતાની મરજી નહોતી તો તેનાથી બોલી શકાણું નહિ.’ તેમ જ્યારે મૂર્તિના સુખમાં ઊતરે ત્યારે તે વિના બીજું કાંઈ દેખે જ નહિ.”

“જેને મોટા મુક્તને વિષે આત્મબુદ્ધિ થઈ હોય ને તેમને સાચે ભાવે સંભારે તો મોટા પ્રત્યક્ષ મળ્યા હોય ને કામ કરે તેવું જ કામ કરે છે. જેમ આંબલીને સંભારે તો મુખમાં પાણી આવે છે તેમ મોટાને જ્યાં જ્યાં સંભારે ત્યાં પોતે પ્રગટ આવીને તેનું કામ કરે છે. પણ જો સાચો વિશ્વાસ હોય અને સંપૂર્ણ મહિમા જાણ્યો હોય તો પાત્ર થવામાં કાંઈ દાખડો નથી. પોતાનું મનગમતું મૂકી દઈને જેમ મોટા કહે તેમ સરળપણે વર્તે તો પાત્ર તુરત થાય. મોટાની સેવા અને સમાગમ કરવાથી મહારાજની મૂર્તિરૂપી ફળ પ્રાપ્ત થાય છે, ત્યારે મહારાજને સર્વત્ર દેખે છે.”

“જેમ સાધુ કેશવદાસજી તથા અવલબાને વિષે મહારાજે પ્રવેશ કર્યો હતો તે ટાણે મહારાજ પોતે જ છે એમ જણાતું હતું. તેમ સિદ્ધદશાને પામે ત્યારે સર્વને વિષે મહારાજને દેખે; ત્યારે માયા ટળી એમ જાણવું. જેમ કડિયા મૂર્તિ કરે પછી તેમાં મહારાજનું આવાહન કરી પધરાવે છે, ત્યારે તેમાં સાક્ષાત્ ભગવાન બિરાજે છે અને જીવ છે તે તો પાત્ર છે, તો તેમાં મૂર્તિ પધરાવવી તેમાં શી વાર! કાંઈ પણ વાર ન લાગે. માટે મોટાને વિનંતી કરીને મૂર્તિમાં વળગી પડવું.”

“જેમ ગાયનું વાછરડું સ્તનમાં વળગીને દૂધ ધાવે છે, તેમ મહારાજની મૂર્તિમાંથી સુખ લીધા કરવું, પણ બીજો સંકલ્પ તથા મનન કાંઈ થવા દેવું નહિ. કદાપિ દેહના સંબંધ થકી ઉપવાસ પડી જાય તો તેનું પ્રાયશ્ચિત કરવું, પણ મનન કરવું નહિ. અનંત પ્રકારનાં સુખમાત્ર શ્રીજીની મૂર્તિમાં રહ્યાં છે તે એક દર્શન માત્રમાં આવી જાય છે. જો મૂર્તિના સુખમાં ઊતરે તો સાધનમાત્ર તે ભેળાં સિદ્ધ થઈ જાય છે.”

“મહારાજ તથા મોટા અનાદિની વાતો ન સમજ્યામાં આવે તોપણ તેનો કસ જીવમાં રહે છે. જેમ પૂળાની કાલરમાં ઝાકળ પડે છે તેની હવા કાલરમાં સોંસરી પડી જાય છે તેમ વાતો ન સમજાય તોપણ તેની હવા જીવમાં સોંસરી પડી જાય છે. જો દેહને ખોટો કરીએ તો તે ભેળી જેટલી અસત્ય વસ્તુ છે તે સર્વે ખોટી થઈ જાય. જો એક મહારાજની મૂર્તિ આવી તો સર્વે વસ્તુ હાથ આવી.”

“આપણે તો પુરુષોત્તમરૂપ થાવું, તો જ પુરુષોત્તમ પમાય. તેમાં કોઈને શંકા થાય જે, પુરુષોત્તમરૂપ થઈએ તો સ્વામી-સેવકપણું કેમ રહે? તો એનું એમ છે જે જેમ બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ કહેવાય, પણ દીકરાનો નાતો ટળતો નથી; તેમ પુરુષોત્તમ તે સ્વામી અને મુક્ત તે સેવક એ નાતો ટળતો નથી. પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામીને પુરુષોત્તમરૂપ થઈ જાય તોપણ સુખના આપનાર મહારાજ છે ને મુક્ત સુખ લેનાર છે. મહારાજની મૂર્તિમાંથી સર્વેને સુખ આવે છે; માટે સ્વામી-સેવકપણું વધતું જાય છે.”

“મોટા તો સદા મૂર્તિના સુખે સુખિયા છે, કલ્પેકલ્પ વીતી જાય તોપણ મૂર્તિના સુખમાંથી નીકળતા જ નથી. મોટા મુક્ત તો સર્વેને દિવ્ય જ દેખે છે. જીવમાં માયા હોય તો મોટાની દૃષ્ટિમાં આવે જ નહિ. અનંત મુક્ત મહારાજની મૂર્તિમાં રહ્યા છે તે જેમ મંદિરમાં હજારો મનુષ્યની સભા ભરાઈને બેઠી હોય ને તે ઉપર બીજી સભા હોય તેમ એકબીજી સભા ઉપર સભા હોય તેમ હજારો સભાઓ થઈ હોય તે સર્વે આ તક્તામાં મૂર્તિ છે તે મૂર્તિમાં જોઈએ તો સર્વે સભાઓ દેખાય છે. તે મૂર્તિને સભાની રોકાણ થતી નથી; તેમજ મહારાજને તથા મુક્તને એકબીજાની રોકાણ થતી નથી. મૂર્તિમાં મુક્ત સુખ લીધા જ કરે છે, તેમાં કોઈને એક-બીજાનું આવરણ નથી; તે મુક્ત સર્વે મૂર્તિમાં લુબ્ધ છે.”

એવી રીતે બાપાશ્રી પ્રસન્ન થકા વાત કરતા હતા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પ્રાર્થના કરી જે, “બાપા! હવે અમારે સભામાં જવાનો વખત થયો છે તેથી જઈએ અને આપ અહીં રોકાઓ; કેમ કે કાલનો રસ્તાનો હડદો બહુ થયો છે તો જરા આરામ થાય.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું કે, “સ્વામી! આપણે આ ફેરે આવ્યા છીએ તે સર્વેને સુખિયા કરવા છે; કેમ કે વારેવારે આમ દરિયા જંઘીને કાંઈ અવાય છે! આ તો સાંવલદાસભાઈ બળિયા બહુ અને અહીંના હરિભક્તોનાં હેત તેથી ખેંચીને લાવ્યા. મને પણ એમ થયું જે સાંવલદાસભાઈ તમને સરસપુરથી કરાંચી તેડી લાવવા ભેગા લાવ્યા તેથી ન જઈએ તો તે રાજી ન થાય એમ જાણીને આવ્યા. આ ફેરે તો સર્વેને ખૂબ રાજી કરવા છે.” એમ કહીને કહ્યું કે, “ચાલો, અમે પણ સભામાં આવશું.” ।।૩૪।।