સંવત ૧૯૭૦ના ફાગણ સુદ-૩ને રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “તમોને છેલ્લો મુદ્દો હાથ આવ્યો છે, કેમ જે બધી સભાઓ ભેદીને છેલ્લા શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત મળ્યા છે. આવો ભાવ આ મુક્તને વિષે રહે તો સુખી થવાય ને રાગમાત્ર ટળી જાય. આ તો છેલ્લા મુક્ત છે, તે મહારાજના સુખમાં વળગાડે છે. તમે કોઈક ઠેકાણે ધૂણીપાણી કરેલાં છે (સેવા કરેલી છે) તેથી તમને આ જોગ મળ્યો છે. મોટાના ભેળા પૂર્વે જે રહેલા હોય તે જ મોટાને ઓળખે છે. ‘દરદીની વાતો દરદીડા જાણે, બેદરદીને શું ભણીએ?’ તમારે તો અનાદિ ને મહારાજ ઢૂંકડા આવ્યા છે, માટે માયાનાં કાર્ય એટલે શ્રીજીમહારાજની સત્તાનાં કાર્ય જે અક્ષરકોટિ આદિ તેમાં લેવાવું નહિ. જે એ અક્ષરાદિકમાં તથા એનાં કાર્યમાં હેત રાખે તેને મહારાજનો મહિમા સમજાણો જ નથી. તમને તો પ્રત્યક્ષ વાદળી છૂટી પડી છે ને કાળ, કર્મ, માયા ને સ્વભાવ તે સર્વેને કાઢી નાખ્યાં છે.”

“વેપાર કરવા આવે તે લાખો-કરોડો રૂપિયા કમાઈને જાય ને કોઈક ઠાલા પણ જાય. જો આવા મુક્તને ઓળખે નહિ તો ઠાલા ગયા જેવું છે, અને જો આવા મોટાનો અભાવ આવે તો લાખો-કરોડોની ખોટ જાય; એટલે કલ્યાણના માર્ગમાંથી પડી જાય. યોગમાર્ગવાળા પોતે ધણી થઈ પડે છે ને છેલ્લું પગથિયું માને છે, પણ એ તો પહેલું પગથિયું છે ને અધવચ રહે છે. તમને જે મુદ્દો મળ્યો છે તે ખરેખરો છેલ્લો અવધિ છે; માટે જે કરવાનું છે તે કરી જ લેવું, પણ વર્ણનું કે આશ્રમનું માન આવવા દેવું નહિ. સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત હતા, પણ કોઈકે જ ઓળખ્યા હશે. જે એવા હોય તે ઓળખે, અને એમની કૃપાથી ને સેવાથી ને અનુવૃત્તિમાં રહેવાથી મુમુક્ષુ પણ ઓળખે. આ મુક્ત તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ રહીને બોલે છે; માટે શ્રીજીમહારાજ બોલે છે એમ જાણજો. આ ખાનગી એટલે એકરુચિવાળાની સભામાં સુખ વિશેષ આવે. તમારે તો જીતનો ડંકો વાગી ગયો છે; માટે તરુણ અવસ્થાનો ભાવ આવવા દેવો નહિ. આ લોકમાંથી પૃથક્‌ થઈ જાવું.”

એટલી વાર્તા કરીને પછી ખારેકો તથા ટોપરાની પ્રસાદી વહેંચવા માંડી ને બોલ્યા જે, “આ પ્રસાદી તો અક્ષરધામની છે ને દિવ્ય છે.”

પછી કેરીની પ્રસાદી વહેંચવા માંડી ને બોલ્યા જે, “આ કેરી ન જાણશો. આ તો મૂર્તિ અપાય છે ને આમાં હેત-રુચિવાળાનો સરખો ભાગ છે; પણ આજ્ઞા, નિયમ, ધર્મમાં ખબરદાર રહેવું જોઈશે. જેમ બાળકનું પ્રારબ્ધ એનાં માવતર છે, તેમ તમારું પ્રારબ્ધ શ્રીજીમહારાજ ને મુક્ત છે, તે રક્ષા કરીશું ને જ્યાં પહોંચવાનું છે ત્યાં અમે પહોંચાડશું.”

“જ્યાં મોટા મુક્ત રહેતા હોય તે નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવાય ત્યાં ધ્યાન-ધારણા જે જે કરે તે થોડું કરે તોપણ ખરેખરી શાંતિ થઈ જાય. તીર્થને પણ પવિત્ર કરે એવા સંત એટલે મુક્ત તમારે ઘેર છે. ગંગાનું પાપ સંત ટાળે છે. સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી અમારે કૂવે નાહતા હતા તે પાણી લક્ષ્મીરામભાઈ માથે ચઢાવીને બોલ્યા જે, ‘આ પાણી સર્વે તીર્થ કરતાં અધિક છે ને જે માથે ચઢાવે તેના પંચ મહાપાપ બળી જાય ને મોક્ષ થાય એવું છે.’”

વાર્તાની સમાપ્તિ કરી. ।।૧૨૮।।