સંવત ૧૯૫૭ની સાલમાં સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો કચ્છમાં ગયા હતા. ત્યાં બાપાશ્રી ઉપર મોરબીથી રણછોડલાલભાઈનો કાગળ આવ્યો જે, “કાશીરામભાઈ દેહ મૂકી ગયા છે તેથી મને અશાંતિ રહે છે. માટે આપ સાત-આઠ દિવસ અહીં પધારી વાતે-ચીતે કરીને સુખિયા કરશો.”

પછી બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ વૃષપુરથી મોરબી જવા ચૈત્ર વદ-૯ને રોજ નીકળ્યા. તે ભુજ થઈને અંજાર ગયા. ત્યાં સાધુ જગજીવનદાસજીનું મંડળ હતું. તેમણે કહ્યું જે, “આજ એકાદશી છે, માટે સવારે પારણાં કરીને જજો.” તોપણ ચાલ્યા તે મારગમાં ચાલતાં બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “આપણે સાધુના રોક્યા રહ્યા નહિ, પણ કાલે ખારીરોલમાં રહેવું પડશે ને ત્યાં પાણી મળશે નહિ.” પછી તેમણે કહ્યું જે, “જ્યાં રહીશું ત્યાં આપ ભેળા છો તો બધુંય છે.”

પછી ખારીરોલમાં જઈને રાત્રિ રહ્યા અને સવારે ખીચડી કરીને શ્રી ઠાકોરજીને જમાડી. મીઠું પાણી તો ત્યાં મળ્યું જ નહિ. અને તેરસને દિવસે સવારમાં આગબોટ ચાલવાની હતી. તે વખતે બાપાશ્રીએ કહ્યું જે, “ટીમણ કરશો તો તરસ બહુ લાગશે, માટે ટીમણ કરશો નહિ.” પછી આગબોટમાં બેઠા તે એક ખેતરવા ચાલી એટલે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “આગબોટ તો માંદી છે.” ત્યારે તેમણે કહ્યું જે, “કેવી માંદી છે?” ત્યારે બાપાશ્રીએ કહે જે, “મરે એવી છે.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “પહેલાં બોલ્યા હોત તો આપણે બેસત નહિ; હવે તો જે થયું તે ખરું.” પછી આગબોટ ચાલતી થઈ તે ચાર-પાંચ ગાઉ જેટલે જઈને ભાંગી, તેથી દરિયામાં ત્રણ દિવસ સૌ રહ્યા ને બીજી આગબોટ મંગાવીને ઊતર્યા. પછી વવાણીએ થઈને મોરબી ગયા. ત્યાં ગોવિંદભાઈના દીકરા લધુભાઈ ત્રણ દિવસ સુધી દહીંસરેથી પાણી લઈને વવાણીએ લાગટ આવ્યા. તેમના ઉપર બાપાશ્રીએ રાજી થઈને કહ્યું જે, “આ છોકરો નાનો છે તેણે આપણી સેવા કરી તેને આપણે મહારાજને સુખે સુખિયા કરશું.”

પછી મોરબી આઠ દિવસ રહી મૂર્તિના સુખની તથા મહિમાની ખૂબ વાતો કરીને જૂનાગઢ, ગઢડે, મુળી થઈ પાછા કચ્છમાં પધાર્યા. અને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો વૃષપુર થોડાક દિવસ રહીને બાપાશ્રીની આજ્ઞાથી ગુજરાત તરફ આવ્યા. ।।૧૭।।