સંવત ૧૯૮૪ના ચૈત્ર સુદ-૧૩ની સવારે ચોઘડીયાં વાગવા લાગ્યાં તે તો જાણે આવા બ્રહ્મયજ્ઞમાં તેડાવવા આમંત્રણ કરવાના નાદ થતા હોય તેમ જણાતું હતું. સંતો તૈયારી કરતા હતા. હજારી ફૂલના હાર, ચંદન, કુંકુમ, શ્રીફળ, સોપારી, અક્ષત, ધૂપ, દીપ, આદિક જે જે સામગ્રી વિધિમાં જોઈએ તે સર્વે તૈયાર કરી હતી. મહારાજની મૂર્તિને ઘણાંક ગુલાબ અને હજારી ફૂલના હાર પહેરાવેલા. આગળ ઘીના દીવા તથા અગરબત્તીના ધૂપ થઈ રહ્યા હતા. કથાના વક્તા પુરાણી કેશવપ્રિયદાસજી તથા ઉત્તમપ્રિયદાસજી પાટ પર બેઠા. બાપાશ્રી તથા તેમના પુત્ર-પૌત્રાદિક પૂજા કરવા તૈયાર થયા, તે વખતે વિપ્ર દેવશંકરે પૂજાવિધિ કરી મહારાજનું ધ્યાન ધરી શ્લોક બોલી બાપાશ્રીને કાંડે મંગળસૂત્ર બાંધવા માંડ્યું.

તે વખતે બાપાશ્રી બોલ્યા જે, “ગોર મહારાજ! કાંડાને બરાબર બાંધજો. આ મૂર્તિ ઊડી જાય એવી છે.”

એવાં મર્મવચનથી સૌ સંત-હરિભક્તના મનમાં અનેક જાતના તર્ક થયા, પણ એ મર્મ કોણ જાણી શકે? પછી બાપાશ્રીએ તથા તેમના પુત્ર-પૌત્રાદિકે મળી શ્રીજીમહારાજની તથા પુસ્તકની અને પુરાણીની ચંદન-પુષ્પહારથી પૂજા કરી. પછી બાપાશ્રીએ થાળીમાં વાટો પ્રગટાવી આરતી ઉતારી. તે વખતે ચોકમાં ચંદની નીચે હરિભક્તોની ઘણી ભીડ હતી. સૌએ ઊંચે સાદે સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી દંડવત કર્યા. એ રીતે કથા ચાલતી થઈ. પછી સંતોને ચંદન ચર્ચી બાપાશ્રી સૌને જય સ્વામિનારાયણ કરી સભામાં બેઠા.

પછી ક્યારેક ધ્યાનમાં બેઠા હોય તેમ જણાય, તો ક્યારેક સભા સામું પ્રસન્ન નજરે જુએ, નાના-મોટા હરિભક્તો આવે તેને માથે હાથ મૂકે, સમાચાર પૂછે, એમ સવારના ૧૦ વાગ્યા સુધી કથા ચાલે. પછી સમય થાય એટલે હરિભક્તોને જમવાનો સાદ પડે ત્યારે વાડીમાં પંક્તિ થાય. મંદિરમાં સંતોની પંક્તિ વખતે બાપાશ્રી દર્શન દેવા પધારે, વાડીમાં હરિભક્તોની પંક્તિ થઈ હોય ત્યાં પણ પોતે ચાલીને જાય, કાં માંચીમાં બેસારીને હરિભક્તો તેડી જાય, ત્યાં સૌને દર્શન આપે. ક્યારેક સભામાં બેસી વાતો કરે. રાત્રે કથા, વાર્તા, ચેષ્ટા આદિ નિયમ થઈ રહે ત્યારે કાં તો ચોકમાં જ આસન કરે, ક્યારેક ઓસરીમાં ને ક્યારેક નવી મેડીના છેલ્લા ઓરડે પોઢે. સવારે વહેલા ઊઠી નિત્યવિધિ કરી સભામાં બેસે, ઘેર જઈ આવે, સંતોને બોલાવે. એ રીતે યજ્ઞમાં જે જે સંત-હરિભક્તો આવેલા તેમને અત્યંત સુખિયા કરવા બાપાશ્રી મહારાજના દિવ્યભાવની, મૂર્તિમાં રસબસ રાખ્યાની તથા અદ્‌ભુત પ્રતાપની વાતો કરતા તેથી સર્વત્ર આનંદ આનંદ વર્તી રહ્યો હતો. ।।૧૩૨।।