સંવત ૧૯૬૫ના ચૈત્ર સુદ-૩ને રોજ બપોરે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “એકને તો મૂર્તિની સ્મૃતિ જ રહે છે ને એકને તો સાક્ષાત્કાર છે; એ બેયને વ્યતિરેક સ્વરૂપની પ્રાપ્તિ હશે કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ તો વ્યતિરેક જ છે; કેમ જે જે મૂર્તિનો સાક્ષાત્કાર છે તે જ મૂર્તિની સ્મૃતિ છે; પણ જેમ બાળક્નો વિવાહ સંબંધ જ્યાં થયો હોય ત્યાં વૃત્તિ રહે છે, પણ પરણીને ઘેર આવે ત્યારે સુખ આવે; તેમ સ્મૃતિવાળાને સાક્ષાત્કારવાળા જેવું સુખ ન હોય એટલો ફેર છે.”

“ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં કરતાં જ્યારે દેહનું ભાન ભૂલી જવાય ત્યારે બ્રહ્માંડ ભુલાય ને શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ આવે. જેમ આંખો મીંચે તો અંધારુ થાય ને ઉઘાડે તો અજવાળું થાય તેમ અંતર્વૃત્તિ કરે તો મૂર્તિ દેખે, ને બહારવૃત્તિ લાવે તો બ્રહ્માંડ દેખે.”

“અનાદિ સાથે હેત થયું તે છેડો હાથ આવ્યો. મોટા સાથે જોડાય તો મહારાજની અને જીવની વચ્ચે પડદા છે તે મોટા મુક્ત તોડી નાખે. મોટા મળ્યા પછી દેહના ભાવ જણાતા હોય તો તે મરેલા જાણવા, પણ પોતાના જીવને પાપી ન માનવો. શ્રીજીમહારાજનો આશ્રિત થાય ને મોટા સાથે જીવ જોડે ને નિયમ-ધર્મરૂપી બખ્તર પહેરે એટલે નિયમ-ધર્મ પાળે તો પંચવિષયમાંથી હેત ટળી જાય ને મોટા મુક્ત તે જીવને માયામાંથી મહારાજની મૂર્તિમાં ખેંચી લે. મહારાજ ને મુક્ત રાજી છે તો તરત ફેંસલો થઈ જશે, ને નક્કી મૂર્તિના સુખમાં પહોંચાડશે; એવો વિશ્વાસ રાખવો. શ્રીજીમહારાજનું સુખ છે તે તમારું જ છે, અણુ જેટલું પણ છેટું નથી.”

“આગળ જેનાં જેનાં કલ્યાણ થયાં છે તે આત્યંતિક નથી થયાં અને આજ તો અવતારી જે શ્રીજીમહારાજ ને તેમના મુક્ત તે કરોડો જીવોનાં આત્યંતિક કલ્યાણ કરે છે; માટે આગળ થઈ ગયેલા અવતારોથી આજના મુક્ત ઘણા મોટા છે. આ મુક્ત શ્રીજીમહારાજના અવતાર છે, તે અનંત જીવોનાં કલ્યાણ સારુ મનુષ્યરૂપે દેખાય છે. તેમનો યથાર્થ મહિમા સમજીને તેમને વિષે જોડાય તો આત્યંતિક મોક્ષ થાય. રાજાનો અને રાજાના દીવાનનો મહિમા સમજાય, પણ મહારાજનો અને મહારાજના મુક્તોનો મહિમા ન સમજાય.”

“જોગ-સમાગમ કરે તોપણ એક કાને સાંભળતો જાય અને બીજે કાને ભૂલતો જાય. માયિક વાતને સો વર્ષ સુધી પણ ન ભૂલે ને આ વાત ને ગ્રહણ કરે જ નહિ. જો મહારાજની અને મોટાની વાતને પકડે તો કામ થઈ જાય, પણ જીવને બહુ પ્રકારના ડોડઃ અધિકારના ડોડ, મહંતાઈના ડોડ, વિદ્યાના ડોડ, આશ્રમના ડોડ, જગતમાં મોટા થવાના ડોડ. એ ડોડરૂપી દોષ જીવને જ્યાં સુધી હોય ત્યાં સુધી મહારાજનો અને મોટાનો મહિમા સમજાય નહિ. વ્યાવહારિક કામમાં પણ બરોબર તપાસ ન કરે તો બરોબર થાતું નથી, તો આ તો મોક્ષ સંબંધી કામ છે તે તો ક્યાંથી થાય? માટે ખરેખરું જાણપણું રાખવું. મહાપ્રભુજીનું સુખ અને મુક્તનું સુખ જેવું છે તેવું જાણે તો સુખિયો થઈ જાય.”

“આ સત્સંગમાં શ્રીજીમહારાજના સંત છે તે ફૂલવાડી છે, તેમાંથી સુગંધરૂપી ગુણ લેવા ને પોતાની ખોટ જોવી. સાધુ તથા સત્સંગી કહે તે મનાય તો બહુ સુખિયા થવાય. સાધુ થયા હોય ને ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ, શિક્ષાપત્રી, તેનું અનુસંધાન રાખે નહિ, તો તે સાધુ ન ક્હેવાય. જો મહારાજનું અને મોટાનું અંતર્યામીપણું જાણીને તેમની આજ્ઞામાં યથાર્થ વર્તે તો સાધુ કહેવાય. મહારાજે કહ્યું છે જે, ‘જ્ઞાની મારો આત્મા, મેં જ્ઞાની કો પ્રાણ.’ મહારાજને અને મુક્તને જુદાપણું નથી. મહારાજને સંભારે તો મુક્ત ભેળા આવી જાય ને અનાદિમુક્તને સંભારે તો મહારાજ ભેળા આવી જાય. જેમ રૂપિયામાં ઘી, ગોળ, લોટ આદિક જણસો આવી જાય તેમ મહારાજ ને સંત સદા સાથે જ છે. આવા મુક્ત આ સત્સંગમાં છે તે જ તમને મળ્યા છે.” ।।૮૭।।