સંવત ૧૯૭૩ના વૈશાખ સુદ-૧૫ને રોજ સવારે સભામાં વચનામૃતની કથા વંચાતી હતી. તેવામાં કુંભારિયેથી ગોવાભાઈનો પત્ર આવ્યો જે, “કુંભારિયે ક્યારે પધારશો તે લખી મોકલો તો સિગરામ મોકલીએ.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે બાપાશ્રીએ કાગળ લખાવ્યો જે, “અમે તથા સર્વે સંત-હરિજનો વદ-૭મે અહીંથી ચાલીશું, માટે તમે સિગરામ વદ-૬ને દિવસે મોકલશો અને કથા વાંચવાનું મંદિરની ઓસરીમાં રાખો તો ઠીક, કેમ જે ઇંદ્ર ઘેલો થયો છે તે વિઘ્ન કરશે.”

પછી સારંગપુરનું ૧૭મું વચનામૃત વંચાવ્યું, તેમાં ગરુડ પણ આકાશનો પાર પામે નહિ એ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ગરુડનું દૃષ્ટાંત તો મૂળઅક્ષર સુધી પહોંચે ને તેથી પર એકાંતિક ને પરમ એકાંતિક ને અનાદિ એ ત્રણને ગરુડનું દૃષ્ટાંત લાગુ પડે નહિ. તેમાં એ પરમ એકાંતિક ને અનાદિ તો ભગવાનરૂપ છે, તે એકાંતિકને મૂર્તિમાં ખેંચી લે છે. આ છેલ્લા મુદ્દાની વાત છે, હવે ખોળવું બાકી નથી. અક્ષરથી પર એકાંતિક, તેથી પર પરમ એકાંતિક, તેથી પર અનાદિ અને તેથી પર શ્રીજીમહારાજ છે; આ છેલ્લો મુદ્દો હાથ આવ્યો.”

“જેમ સમુદ્ર વેળ લાવે ને ખેંચી જાય, તેમ મૂર્તિમાંથી અનુભવજ્ઞાન આવીને મૂર્તિમાં ખેંચી જાય છે, તે કૃપાસાધ્ય છે. ‘ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના’ તે સમય આજ આવ્યો છે. એક સમયે એક ગામમાં પર્વતભાઈ ને ઝીણાભાઈ આદિ સત્સંગી બેઠા હતા ત્યારે પર્વતભાઈએ કહ્યું જે, ‘મહારાજની ને મુક્તની ખુશબો આવે છે.’ એટલામાં તો મહારાજ ને મુક્ત આવ્યા. અનુભવજ્ઞાનમાંથી ખુશબો આવે છે તે મૂર્તિમાં લઈ જાય છે ત્યારે એક પુરુષોત્તમ જ રહે છે; અક્ષરાદિક બીજું કાંઈ રહેતું નથી; એક કારણ મૂર્તિ રહી. ‘સૌને વશ કરું રે સૌનો કારણ હું ભગવાન.’ બ્રહ્મકોટિ, અક્ષરકોટિ એ સર્વેના પ્રકાશને મહારાજનો પ્રકાશ લીન કરી નાખે છે.”

પછી ભુજના લાલશંકરભાઈએ પૂછ્યું જે, “મૂળઅક્ષર ને અક્ષર તે એક છે કે જુદા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂળઅક્ષર કહો કે અક્ષર કહો તે એક જ છે ને એની કોટિઓ છે, અને અક્ષરધામની કિરણોમાં એમની અનંત કોટિઓ રહી છે. અક્ષરધામ તો એ કોટિઓનું આધાર, અંતર્યામી, પ્રેરક ને નિયંતા છે; અને તે અક્ષરધામ તે શ્રીજીમહારાજનું તેજ છે.”

“આ સભાનો મહિમા તો અતિશે મોટો છે. ઉદ્ધવજી વૃક્ષને નમ્યા હતા, તેથી આ બાગ તથા જે જે વૃક્ષ આ મુક્તનાં દર્શન કરે છે તેમનો મહિમા તો અતિશે અપાર છે. રામજીભાઈ આ બાગમાં ઝાડ છે તેને બાથમાં ઘાલીને મળતા ને પ્રાર્થના કરતા જે, ‘મારે ઉપરદળ જાવું પડશે ને તમારે આ મુક્તનો વિયોગ નહિ થાય; માટે મારા કરતાં તમારાં ભાગ્ય મોટાં છે.’ વળી નાના છોકરાને પણ પગે લાગતા ને કહેતા જે, ‘આ બધા મોટા થશે ત્યારે બ્રહ્મયજ્ઞ કરશે ને શ્રીજીમહારાજના સ્વરૂપનો નિર્ણય કરશે, તે સમયે મારાથી અવાશે નહિ તે સારુ આજથી દર્શન કરી લઉં છું. આ છોકરા નાના નથી, કેમ જે તમારાં દર્શન સદાય કરે છે અને હું તો છ મહિને કે બાર મહિને આવું ત્યારે મહિનો કે બે મહિના તમારાં દર્શન તથા જોગ મળે. અને આ છોકરાં તથા વૃક્ષો તે તો સદાય તમારાં દર્શન ને જોગ કરે છે, માટે બહુ મોટાં ભાગ્યશાળી છે, અને પુરુષોત્તમરૂપ થઈ ગયાં છે; કેમ કે તમારાં દર્શન સદાય કરે છે, એમાં શું બાકી રહે?’ એવા મહિમાવાળા હતા.”

“માટે કારણ જે પુરુષોત્તમ તેમને પકડે તો ઊંડા ઊતરી જવાય અને કાર્ય જે પરોક્ષ અક્ષરાદિક અવતારો તેમને પકડે એટલે સંભારે તો બહાર નીકળી જવાય. જ્યારે વચનામૃતમાં નારદ-સનકાદિક નામે કહ્યા હોય ત્યારે મુક્તને સમજવા, તો મૂર્તિથી ઓરું ન અવાય અને પરોક્ષ નારદ-સનકાદિક સમજાય તો બહાર નીકળી જવાય એટલે ઓરું આવી જવાય. શ્રીજીમહારાજે પોતાનો મહિમા પરોક્ષ નામે કહ્યો છે તે પામર અને વિષયી જીવને પણ લઈ જવા છે તે માટે કહ્યો છે. આપણે રામકૃષ્ણ ગોવિંદ કહીએ છીએ તે શ્રીજીમહારાજને જ કહીએ છીએ, પણ પરોક્ષ નામથી કહીએ છીએ; તેથી એમના ઉપાસકોને સારું લાગે છે, તે સારુ કહીએ છીએ.”

“અક્ષરધામમાં બાગ-બગીચા કહ્યા છે તે આ લોકના કહ્યા છે, પણ દિવ્યભાવમાં નથી. માટે પરભાવ ને અવરભાવ એ બે શબ્દ મહારાજે મેલ્યા છે તે સમજવા જોઈએ. જે મૂર્તિ અક્ષરધામમાં છે તે જ મૂર્તિ મનુષ્યરૂપે ને પ્રતિમારૂપે દર્શન આપે છે, એમ સમજાય તો કામ નીકળી જાય. મંદિરમાં મૂર્તિ પધરાવ્યા પછી ભાવ સારો આવ્યો છે કે નથી આવ્યો એમ ભાવ જોવો નહિ; કેમ જે અક્ષરધામમાં મૂર્તિ છે તે જ પ્રતિમા છે, પણ એક રોમનો ફેર નથી; જો ફેર જાણે તો દ્વેષ કર્યો કહેવાય. આજ ધણીય મોટા મળ્યા ને પ્રાપ્તિય મોટી મળી. માટે હવે તો કરવા મંડવું; જો ન કરે તો કૃતઘ્ની કહેવાય. આ દેહે કરીને શું ન થાય? જે કરે તે સર્વે થાય એવું છે. આ અમારી આજ્ઞા પાળશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં લઈ જાશું. અમે તો મૂર્તિમાંથી આવ્યા છીએ, તે તમને મૂર્તિમાં લઈ જાશું; અને જો આજ્ઞા નહિ પાળો તો તમારે અમારે લેણા-દેણા નથી.”

એમ વર ને શાપ આપીને વાર્તાની સમાપ્તિ કરી ને ‘શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય ને આ સભાની માયાનો ક્ષય’ એમ બોલ્યા. ।।૧૭૧।।