સંવત ૧૯૬૩ના વૈશાખ સુદ-૨ને રોજ સાંજે સભામાં સ્વામી ઈશ્વરચરણ-દાસજીએ પૂછ્યું જે, “અક્ષરધામમાં જાવું છે તે શી રીતે સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સકામવાળાને મતે જાવાનું છે ને તેને ઘણું છેટું છે; કેમ જે તેની બહારદૃષ્ટિ છે. નિષ્કામવાળાને મતે તો જાવાનું ને આવવાનું નથી. જાવું-આવવું કહે છે એ તો આ લોકના શબ્દ છે.”

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “ધામમાં જતાં માર્ગમાં સિદ્ધિઓ આવે છે તે શી રીતે સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જ્યારથી વર્તમાન ધારીને ભજન કરવા માંડ્યું ત્યારથી માર્ગે ચાલ્યો. તેને અહીં માન, મોટપ, યશ, કીર્તિ, ઐશ્વર્ય, પ્રસિદ્ધિ એ સિદ્ધિઓ આવે છે. તેની મહત્તા ને તેનો ભાર ન રાખે તો તેને આડી સિદ્ધિઓ આવતી નથી અને સકામ ભક્તને તો સિદ્ધિઓ મૂર્તિમાન આડી આવે છે.”

પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે, “પ્રત્યક્ષ ભગવાન મનુષ્યરૂપે પૃથ્વી ઉપર વિચરતા હોય તેમને ‘સાક્ષાત્ સર્વોપરી છે’ એમ જાણ્યા છતાં તેને આત્માને વિષે મૂર્તિ ન દેખાય તો તેને અનુભવજ્ઞાન કહેવાય કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એવી દૃઢ સમજણ હોય તેને કદાપિ મૂર્તિ આત્માને વિષે ન દેખાય તોપણ અનુભવજ્ઞાન છે.” ।।૪૫।।