(સંવત ૧૯૮૩, ફાગણ વદ-૧૧) સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જુઓને! સત્સંગમાં કેવા ચમત્કાર થાય છે! તેનું કારણ ભગવાન ને મોટા મુક્ત સત્સંગમાં પ્રત્યક્ષ બિરાજે છે. એ મહારાજની બહુ દયા છે. આપણે તેમને રાજી કરવા. ભગવાને તો આ સમે બહુ સામર્થી જણાવી છે. હજારો ને લાખો પરચા થાય છે. જ્યાં જોઈએ ત્યાં સ્વામિનારાયણ દેખાય.”

“આવી સભામાં બેઠા હોય તોપણ ચોરીઓ કરે તે ચોરી દેહની, મનની ને જીવની. ખલ્લાં જડે તોય કરે. ભગવાને હાથ આપ્યા, પગ આપ્યા, આંખો આપી, કાન આપ્યા, સત્સંગનો જોગ આપ્યો તોય જીવ કૃતઘ્ની થાય ને જન્મ ખરાબ કરી નાખે; એવા પણ જીવ હોય છે. આપણે તો બહુ ખટકો રાખવો. નાનું-મોટું પાપ થઈ જાય તો પ્રાયશ્ચિત્ત કરી નાખવું. આવી દિવ્ય સભામાં કોઈ હાથ જોડીને કહે જે, ‘હે મહારાજ! હે ભગવાન! હું તમારો ગુનેગાર છું. મારા ઉપર રાજી થાઓ. મારાથી આવી ભૂલ થઈ ગઈ.’ એમ કહે તો તત્કાળ મહારાજનો રાજીપો થઈ જાય અને દોષમાત્ર ટળી જાય. જો અજાણે કાંઈક દોષ થઈ જાય તો મોટાને પૂછીને તે જે કાંઈ પ્રાયશ્ચિત્ત દેખાડે તે તરત કરી નાખવું, પણ અભડાયેલ ન રહેવું.”

“આવી સભામાં બેસીને પોતાનું પૂરું કરી લેવું. દેહનો નિરધાર ક્યાં છે? અમે એક હરિભક્તને ઘેર ગયેલ ત્યાં છોકરો બહુ માંદો હતો તે રાડ્યો પાડીને કહેતો જે, ‘હું મરી જાઉં છું, મરી જાઉં છું.’ આવું દેહનું કામ છે. ‘મરના મરના સૌ કહે મરી ન જાણે કોઈ, બ્રહ્માનંદ કહે એસા મરના ફેર જન્મ ન હોઈ.’ આવી અવસ્થામાં અને આવા સમયમાં ભગવાન ન ભજાય તો ખોટ ટળે નહિ. આપણને તો લાભ બહુ મોટો મળ્યો છે, માટે થોડા જીવતરમાં કોઈએ ખોટનો વેપાર ન કરવો.”

“જીવ તો ખાનપાન અને વિષયમાં ભરાય તો નીકળી ન શકે ને વિષયમાં ખૂંચે એટલે એવા સંકલ્પ થાય જે, ‘ક્યાં ગયું કુળ માહરું ક્યાં ગઈ મૃગાનેણી નાર’ એવા ખોટા ઘાટ થાય. માટે ભગવાનના ભક્તને બહુ બીતા રહેવું. કામ, ક્રોધ ને માન આદિ બહુ ભૂંડા છે, મોટા મોટાને ફગાવી નાખ્યા છે. સત્સંગીને એ સર્વે વિચારવું. બાળપણામાંથી પાધરી વૃદ્ધ અવસ્થામાં જવું. તરુણ અવસ્થા આવે તો ન કર્યાંનાં કામ થાય. તે શું? તો છાનાં કામ કરે, ધર્મ લોપે, તેમ કરતાં જીવતર બગાડી નાખે, બહાર ફરતા શીખે એમાંથી સંગદોષ લાગવા માંડે. તેનો વિચાર ન હોય તો ક્યાંય જતું રહેવાય.”

“અહીં કેવી સભા છે! પણ આવી સભા મૂકીને કેટલાક બીજે જાય અને વિચાર ન રાખે તો થઈ રહ્યું. નબળા માણસ સાથે ભાઈબંધી કરે અને જે તે ખાય પછી ભગવાન ભજવાનું પણ વીસરી જાય. આ બધુંય જડ માયા માટે થાય છે. આપણે તો ખરાબ માણસ સાથે સહિયારો વેપાર પણ ન કરવો ને ભગવાનને રાજી કરવાનું તાન રાખવું. પહેલા ભગવાન અને પછી બીજા બધાય. ભાઈ હોય તોય શું! દીકરો હોય તોય શું!”

“હરજી ઠક્કરની માએ મહારાજને નાહવા સારુ મોટો ચરુ આપ્યો ત્યારે તેના દીકરા પ્રેમજીએ કહ્યું જે, ‘આવડો મોટો ચરુ કેમ આપ્યો? નાનો આપ્યો હોત તો ન ચાલત?’ એમ કહ્યું કે તરત જ તેનો સામાન ખણીને ગાડામાં ભરાવ્યો ને રજા દઈ દીધી. પછી કહ્યું કે, ‘હું તારું મોઢું નહિ જોઉં.’ એમ કહીને દેહ મૂક્યો ત્યાં સુધી તેનું મોઢું જોયું નહિ. એ રીતે મહારાજની મૂર્તિને સૌ કરતાં વહાલી રાખવી.”

“તે હરજી ઠક્કરની માએ વીશ વરસ સુધી તે દીકરાનું મોઢું જોયેલ નહિ, તોપણ શુભ ઇચ્છા રહી જે મહારાજને મારા હાથથી થાળ કરીને જમાડ્યા નહિ એવી શુભ વાસના પણ નડી. દેહ પડ્યા પછી ફેર જન્મ લીધો તે નાનપણમાં મહારાજને દર્શને આવેલ તે વખતે મહારાજે હરજી ઠક્કરને કહ્યું જે, ‘હરજી ઠક્કર! તમારી માને ઓળખો ખરા?’ ત્યારે તે કહે, ‘મહારાજ! એને એ રૂપે હોય તો ઓળખું.’ ત્યારે મહારાજ કહે, ‘આ સામે બેઠી છે તે તમારી મા છે’; એમ ઓળખાવ્યાં. પછી તે બાર વર્ષનાં થયાં ત્યારે મહારાજને અતિ હેતે કરીને પોતાના હાથે થાળ કરીને જમાડ્યા એટલે દેહ મૂકીને અક્ષરધામમાં પહોંચ્યાં. આવી શુભ વાસના પણ નડે, માટે સર્વે પ્રકારની વાસના ટાળી એક મહારાજની મૂર્તિ રાખવી.”

“સ્વામિનારાયણ, સ્વામિનારાયણ હાલતાં ચાલતાં કરવું. આજ સતયુગ છે. તે સ્વામિનારાયણના ઘરમાં છે, બીજે નથી. જે સ્વામિનારાયણનું નામ લેતા હોય એવાનો પણ જાણે-અજાણે દ્રોહ થઈ જાય તો જીવનો નાશ કરી નાખે એવું કામ છે. કેટલાક ભગવાનના ભક્ત ગરીબ હોય છે. તે ગરીબ પણ ઓળખવા. ખાવા ન મળે તે ગરીબ નહિ, રૂપિયા લાખો હોય ને સ્વભાવે ગરીબ હોય તે. આજ તો મહારાજ ને સંત આ સભામાં પ્રત્યક્ષ બિરાજે છે, તેમને રાજી કરી લેવા.”

પછી સભા સામું જોઈને કહ્યું જે, “કેમ! આ સભામાં મહારાજ હશે કે નહિ હોય?”

ત્યારે સૌ હરિભક્તોએ હા કહી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આવા મોટા અનાદિમુક્તને રાજી કરે તો ઠેઠ પહોંચી જાય. હજારો ચમત્કાર થાય છે, તે જુએ તેને ખબર પડે. એક ગામમાં ગોપાળાનંદ સ્વામી ગયા. ત્યાં ગામમાં કોઈ માણસને મંદિર ક્યાં છે એમ પૂછ્યું. તે માણસ ઓટલે બેઠો દાતણ કરતો હતો તે ત્યાં બેઠે બેઠે દાતણની સાને કરીને મંદિર બતાવ્યું કે, ‘આમ ને આમ ચાલ્યા જાઓ, સામે મંદિર છે.’ એટલું કહેલ અને એટલું કરેલ તે પુણ્યે દેહ મુકાવી મહારાજે સત્સંગમાં જન્મ આપ્યો. વર્તમાન ધરાવ્યા પછી તો તે મોટી ઉંમરે સાધુ થયો તેને દેહ મૂકવા ટાણે ગોપાળાનંદ સ્વામીએ અદ્‌ભુત પ્રતાપ જણાવ્યો. તે શું? તો આમ જુએ ત્યાં લાખો રૂપે ગોપાળાનંદ સ્વામી દેખ્યા. તે ટાણે કહેવા લાગ્યો જે, ‘અહો! આ લાખો સંત ક્યાંથી આવ્યા!’ એમ સ્વામીશ્રીએ અલૌકિક પ્રતાપ બતાવી દેહ મુકાવી દીધો.”

“આ રીતે ભુજ, વડતાલ, અમદાવાદના જેને સંભારીએ તે મહારાજ સાથે આવીને ઊભા રહે; પણ સાધુ કહ્યે સાધુ નહિ, સાચા સાધુ હોય તે જ આવે. માટે આ બધું વિચારવું. આવા સંતનો ને ભગવાનનો જોગ ન વંજાવવો.”

“ખાવા ખપે, વસ્ત્ર ખપે, બીજું શું જોઈએ? જેને સ્વામિનારાયણને ઘેર જાવું હોય તેને શીળ, સંતોષ, ધીરજ આદિ ગુણ રાખવા. ગરીબને કલ્પાવવા નહિ. ગરીબને કલ્પાવવાથી વંશે સહિત નાશ પામે છે– જો ગરીબ સ્વભાવ હોય તો. ભગવાન પણ ગરીબનિવાજ કહેવાય છે. કોઈ તો ચાલોચાલ સત્સંગ કરે છે તે કંઠી ને તિલક કરીને થયા સત્સંગી એમ ન કરવું. એક હરિભક્ત હતો તે માંહી સાવ ગોબરો, પણ બીજા સારા હરિભક્ત સાથે તકરાર કરી બેઠો ને કહે જે હું શું સત્સંગી નહિ? એવાને સત્સંગની શી ખબર પડે?”

“આજ મહારાજ સત્સંગમાં બિરાજે છે, તેમને રાજી કરવા. રાજી થતાં ક્યાં વાર છે? જેને ભગવાનને રાજી કરવા હોય તેને ધડોધડ પાંચ વખત માનસી પૂજા કરવી. એક વારની થઈ ને બીજી વારની. વળી કથા, વાર્તા, ધ્યાન, ભજન કરી ભગવાનને રાજી કરવા. અધિકાર તો કાળા નાગ જેવો છે. આ સત્સંગમાં, આ સભામાં જ્યાં જોઈએ ત્યાં મહારાજ બિરાજે છે, પણ દેહાભિમાની જે આંધળા છે તે દેખતા નથી ને સમજતા પણ નથી; માટે ચાલોચાલ ન કરવું. કોઈના અવગુણ ન લેવા. આવો વખત નહિ મળે. મોટા મોટા સત્સંગમાં કહેવાય છે તે ખોટા નહિ હોય એમ જાણવું. અને કામ, ક્રોધ, લોભ, માન આદિ દોષ બધાય સર્પ જેવા છે તેને ટાળીને મહારાજ અને મોટા મુક્તને રાજી કરી લેવા.” ।।૮૨।।