સંવત ૧૯૭૨ના મહા વદ-૧૧ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આજ શ્રીજીમહારાજ ને સંત એટલે મુક્ત પૃથ્વી માથે વિચરે છે તે કોઈને મળ્યા નથી. દ્વિભુજવાળા પરમેશ્વર છે.”

“એક એક સંતમાં અનેક મુનિનાં વૃંદ રહ્યા છે; કેમ જે શ્રીજીમહારાજ સહિત અનંત મુક્ત અકેકા સંતમાં ઓતપ્રોત રહ્યા છે. માટે એકને જમાડે તો અનંત જમે છે. શ્રીજીમહારાજ કહી ગયા છે ને કહે છે; કાંઈ કલ્પિત નથી. ભગવાનનો ભક્ત હોય તેને વિષે શ્રીજીમહારાજ અનંત મુક્તે સહિત રહ્યા છે, પણ તેની ખબર નથી તેથી દીકરો ન હોય તો શોક કરે જે, ‘મારે દીકરો નથી’; પણ પોતાના આત્માને વિષે અનંત મુક્ત ને મહારાજ રહ્યા છે એમ સમજીને સ્ત્રી, પુત્ર, ધનાદિક માયિક પદાર્થની ઇચ્છા ન રાખવી, ને એકલા છીએ એમ ન જાણવું. ‘શ્રીજીમહારાજ તથા અનંત મુક્ત મારા આત્માને વિષે વિરાજમાન છે’ એમ જાણીને સદા આનંદમાં રહેવું.”

“પ્રથમ એક એક સંત વિચરવાની આજ્ઞા હતી તે સંતના ભેળા શ્રીજીમહારાજ ને અનંત મુક્ત હતા તેથી આજ્ઞા લોપાતી નહિ. પછી જોડ વિના ન ચાલવું એવી આજ્ઞા શ્રીજીમહારાજે કરી, તોપણ જેના ભેળા શ્રીજીમહારાજ ને મુક્ત ન હોય તેવા બે ભેળા હોય તોપણ શ્રીજીમહારાજની આજ્ઞા લોપી નાખે. માટે એકમાં અનેક રહે એવા થાવું અને અનેક મુક્ત સાથે રાખવા. ગૃહસ્થ હોય તેમણે પણ અનંત મુક્ત તથા મહારાજ રાખવા, પણ આ લોકના વૈભવની ઇચ્છા ન રાખવી.”

“એક હરિજન વ્યવહારે દુર્બળ હતા ને સુખે મહારાજનું ભજન કરતા. તેને વ્યવહારે દુઃખી જોઈને કોઈકે મહારાજને કહ્યું જે, ‘હે મહારાજ! આ હરિજન બહુ સારા છે, પણ વ્યવહારે દુઃખી છે તે દયા કરો તો વ્યવહાર સારો થાય.’ પછી મહારાજે કહ્યું જે, ‘સારું થશે.’ તેથી તેને બહુ દ્રવ્ય થયું. પછી તો ભગવાન ભજાય નહિ ને ખાવાની પણ નવરાઈ આવે નહિ. એકવાર તે હરિજન મહારાજનાં દર્શન કરવા આવ્યા. તેમને મહારાજે કહ્યું જે, ‘કેવા સુખિયા છો?’ પછી તે હરિભક્ત કહે જે, ‘મહારાજ! સર્પના કંડિયામાં દેડકાને પૂર્યો છે તે ક્યાંથી સુખિયો હશે?’ ત્યાર કેડે મહારાજે તેનો વ્યવહાર હતો તેવો દુર્બળ કર્યો ત્યારે શરીરે પુષ્ટ થયો ને સુખે મહારાજને ભજવા મંડ્યો. માટે સારો વ્યવહાર હરિભક્તોએ દુઃખદાયી જાણવો.”

“પ્રવૃત્તિ તો ભગવાન ભુલાવે એવી છે માટે તેને ટાળીને ભગવાન ભજવા. તે ટાળવાની યુક્તિ શ્રીજીમહારાજે મધ્ય પ્રકરણના ૨૨મા વચનામૃતમાં શીખવાડી છે. જેને મૂર્તિમાં જોડાવું હોય તેણે કાર્યમાં તાન રાખવું નહિ એમ મહારાજે કાર્યની ન્યૂનતા બતાવી છે. માટે મુક્ત થાવું હોય તેણે સર્વ વિસારીને મૂર્તિમાં જોડાવું. તૃણની ઝૂંપડી ને ફાટેલ ગોદડીવાળા સંતની સભામાં કથા-વાર્તા થાતી હોય ત્યારે વૃત્તિ બીજી રીતની થઈ જાય અને ઉદ્‌ઘોષમાં વૃત્તિઓ ડોળાઈ જાય.”

“જેમ બોટાદવાળા શિવલાલભાઈએ રઘુવીરજી મહારાજની પધરામણી ભાવનગરમાં કરાવીને રાજા પાસે સન્માન કરાવ્યું, તે પ્રવૃત્તિમાં પોતાના આત્માને ને મહારાજને દેખતા તે બંધ થઈ ગયું. પછી સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી જે, ‘હવે મહારાજ ને આત્મા દેખાતા નથી.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘તમે પ્રવૃત્તિમાં ભળી ગયા તેથી નથી દેખાતા; તો હવે આપણા ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે જઈને પ્રાર્થના કરો.’ પછી તેમણે સ્વામીની પ્રાર્થના કરી, ત્યારે સ્વામીશ્રીએ કૃપા કરીને કહ્યું જે, ‘ધ્યાન કરો. બે મહિને દેખાશે.’ પછી બે મહિને આત્મા ને મહારાજ દેખાયા. એમ પ્રવૃત્તિ પણ મૂર્તિમાં જોડાવામાં વિક્ષેપકર્તા છે. શ્રીજીનાં ને મુક્તનાં ચરિત્ર તે સાધનિકને શીખવવા માટે છે.”

“આ ભણતર મોટું છે; ષટ્‌શાસ્ત્ર ને અઢાર પુરાણ ભણવે કરીને કાંઈ વળે તેમ નથી. આ જોગમાં સર્વદેશી જ્ઞાન આવે ને ધ્યાન કરવાની લટક આવે. માટે આ જોગ કરી લેવો તો સર્વે કામ સિદ્ધ થાય, એટલે મૂર્તિની પ્રાપ્તિ છતી દેહે થાય. માટે આવા મુક્તને વિષે દિવ્યભાવ રાખીને તેમની સેવા કરવી, પણ ગુણમાં રહીને ન કરવી. પ્રસાદીનું વસ્ત્ર હોય તેને વળ દઈને ગળે બાંધે તો નુકસાન કરે ને પ્રસાદીનો પત્થર હોય તોપણ વાગે અને જો મહિમાએ સહિત દર્શન કરે તો દિવ્ય કરે. માટે દિવ્યભાવ લાવીને સેવા કરવી.”

“ચિંતામણિ તો મળી છે, પણ દરજીના સેબામાં જાય છે. મહારાજ તેડવા આવે ત્યારે અહીં રહેવાનો સંકલ્પ થાય તે દરજીના સેબા (ટેભા) જેવું છે. જ્યારે શ્રીજીમહારાજ તેડવા આવે ત્યારે પૂરું થયું જાણવું. જેમ ઝાડેથી ફળ તૂટ્યું તે પાછું ઝાડે વળગે નહિ, તેમ શ્રીજી કે મોટા દેહ મુકાવે તો ફેર બીજો દેહ ન ધરાવે; એ તો પોતા પાસે જ લઈ જાય. માટે શ્રીજીમહારાજ તેડવા આવે ત્યારે પોતાનું અધૂરું ન માનવું.”

“બે દેશ છે તે સર્વે એક મંડળ રાખવું, પણ જુદાઈ ન રાખવી. જે ધામમાં રહેતા હોઈએ તે ધામના મોટેરાની આજ્ઞામાં તત્પર રહેવું, પણ બેપરવાઈ ન રાખવી ને મનનું ધાર્યું ન કરવું. મહારાજને સાથે રાખવાથી એક મંડળ રહે ને મહારાજને છેટે મૂકે તો મંડળ જુદાં થઈ જાય. માટે મહારાજને સાથે રાખવા.” ।।૧૫૧।।