સંવત ૧૯૭૨ના ફાગણ સુદ-૮ને રોજ સભામાં છેલ્લા પ્રકરણનું ૧૨મું વચનામૃત વંચાતું હતું. તેમાં માનની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “માન જબરી ચીજ છે. માનવાળો લાખો રૂપિયાની સેવા કરે ને ભગવાનને ભગવાન જાણે, અને સંતને કલ્યાણકારી જાણે; તોપણ માનને આગળ ને આગળ રાખે. તે માનવાળો જીવે નહિ એટલે મોક્ષના માર્ગથી પડી જાય. પણ માન મૂકીને ભગવાન અને સંતને રાજી કરે તો સુખના સમુદ્રમાં ઝીલે. શ્રીજીમહારાજને અને સભાને ભેળી રાખીને કોઈકને વર્તમાન ધરાવે તો તે વર્તમાન ધારનારનું આત્યંતિક કલ્યાણ થાય, પણ પોતે એકલો લૂખો થઈને ધરાવે તો ધારનારનું બીજબળ થાય. અન્ન-જળાદિક અંગીકાર કરવામાં પણ શ્રીજીને તથા મુક્તને ભેળા રાખે તો તે અન્ન-જળાદિક દિવ્ય થઈ જાય ને અર્પણ કરનારને મહારાજનું સુખ મળે; પણ પોતાપણું લાવીને અંગીકાર કરે તો અર્પણ કરનારનું બીજબળ થાય.”

“શ્રીજીનો નિશ્ચય રાખીને આજ્ઞામાં નહિ રહે તો તેને ને અમારે લેવા-દેવા નથી. અને આજ્ઞામાં રહીને પુરુષોત્તમરૂપ થઈને શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાશે તે સુખિયા થશે; માટે સત્સંગ થયા પછી ચઢતો ને ચઢતો રંગ રાખવો. ત્યાગીએ ગોપાળાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી જેવા થાવું ને ગૃહસ્થોએ પર્વતભાઈ આદિ જેવા થાવું. ત્યાગી તથા ગૃહસ્થ તે સાધુ કે હરિભક્ત કહેવાયા એમ જાણીને બેસી રહે તો લૂખા રહે. કોઈકનો અવગુણ આવે તો સત્સંગમાં મડદા જેવો રહે એ મોટો દોષ છે. માટે પંચ વર્તમાને યુક્ત એવા સંતનો કે હરિજનનો દ્રોહ થઈ જાય, તો તેની આગળ દંડવત, વિનય, પ્રાર્થના હાથ જોડીને કરે તો પ્રાયશ્ચિત્ત થઈ જાય ને દ્રોહ ટળી જાય; પણ માન હોય તો એમ ન થાય. શ્રીજીમહારાજને અંતર્યામી જાણે તોપણ તે માન વસ્તુ ભેળી રાખે તો તે બહુ નુકસાન કરનાર છે.”

“કોઈ કહે જે, ‘સર્પ જેવો છે કે રાક્ષસ જેવો છે’ તો ખમાય નહિ, પણ પોતાની મેળે સર્પ જેવો કે રાક્ષસ જેવો થાય. જો કોઈ માનનું ખંડન કરે તો ક્રોધ આવી જાય તે સર્પનો દેહ જાણવો; કેમ કે તે વખતે ગુરુની કે સભાની કે ઇષ્ટદેવની માઝા રહે નહિ. ક્રોધ પહેલો ઉત્પન્ન કરનારને દસગણું પાપ લાગે છે; કેમ કે બીજામાં નહોતો તે તેણે ઉપજાવ્યો. માન, ઈર્ષ્યા ને ક્રોધ, તે મોક્ષનો માર્ગ ને વ્યવહાર એ બેય બગાડે એવાં છે; તોપણ તેને જીવ મૂકતા નથી. એ તો કાંઈ કામનાં નથી; ઊલટું ભૂંડું કરે એવાં છે, માટે તેને રાખવાં નહિ.”

“દુર્વાસાને ક્રોધ હતો તે મહાઘોર કહેવાણા, પણ સાધુ ન કહેવાણા. ક્રોધવાળાથી સાધુ-હરિજન બીએ તેથી ગુનામાં આવી જવાય. શ્રીજીમહારાજનાં વચન ખોટાં નથી. ક્રોધ આવે તે ટાણે જ તેને સમાવી દે તો મહારાજ રાજી થાય, પણ પછી વિચાર થાય તેમાં રાજી ન થાય; માટે ક્રોધ આવ્યો કે તરત જ મૂંઝાવીને બેસારી દેવો. શ્રીજીમહારાજે કહ્યું છે જે, ‘લાખ રૂપિયાનો બગાડ કરે તોપણ અમને ક્રોધ નથી આવતો.’ આપણે પણ મહારાજના છીએ માટે ક્રોધ ન રાખવો. ને શુદ્ધ સત્ત્વગુણી થઈને ટાઢા શીતળ જેવા થઈ રહેવું; અને વાદ-વિવાદમાં પણ ક્રોધ ન કરવો.”

“દાસપણું રાખે તો નિયંતા ન થવાય; કેમ કે તે હાજી હાજી કરે. માટે દાસત્ત્વભક્તિ બહુ વિશેષ છે. આ લોકમાં માન, મોટપ, યશ, કીર્તિ તેમાં કાંઈ માલ નથી. માનાદિક કાંઈ ન હોય તેના ઉપર શ્રીજીમહારાજને અને મુક્તને હેત વધતું જાય છે. માયાના સત્ત્વગુણવાળાને કોઈ ગોદો મારે તો તરત ક્રોધ નીકળી આવે, પણ નિર્ગુણ થાય તેને ક્રોધ ન આવે. માટે શીળવંતા સાધુ થાવું. ત્રણ દેહના ભાવ ટાળીને ખરા સાધુ થાવું, જે શબ્દની કિંમત કરે તે દુઃખિયો, ને ન કરે તે સુખિયો. ચામડાની નોટમાં કિંમત નાખી છે તો થાય છે. માટે સાધુએ કોઈ માન કરે, અપમાન કરે, તોપણ તેની કિંમત ન કરવી.”

“જો નબળા ઘાટ થઈ જાય તો પ્રાયશ્ચિત્ત કરી નાખવું, પણ તેને સંભારવા નહિ. સંભારવાથી તે દોષની મૂર્તિ બંધાઈ જાય છે; માટે વિસારી દેવા. ને જાણપણારૂપી દરવાજે ઊભા રહેવું, તો આ સભામાં મનુષ્યભાવ ન આવે. સદા દિવ્યભાવ રહે, પણ અભાવ ન આવે એ જાણપણારૂપી દરવાજો જાણવો અને મહારાજ વિના બીજો ઘાટ ન થવા દેવો તે પણ જાણપણારૂપી દરવાજો જાણવો.”

“શ્વાન હાડકું ચાવે તે પોતાના મોઢામાંથી લોહી નીકળે તે જોઈને સુખિયો થાય; તેમ કામ, ક્રોધ, માનરૂપી હાડકાં ન ચાવવાં. માનાદિક દોષરૂપી કિલ્લો છે, તેને શ્રીજીમહારાજનાં વચનરૂપી તોપના ગોળા ખૂબ મારીએ તો એ દોષરૂપી કિલ્લા તૂટી પડે. હારવું-જીતવું તે કેસ જીત્યા એમ કહે છે; તે કેશ એ તો વાળ કહેવાય, તે વાળમાં શું કિંમત છે તે જીત્યા એમ કહેતા હશે? જીવ તો ભૂખ, દુઃખ ને માર ભોગવે, પણ સાધુ ન થાય; સાધુ થાવું કઠણ છે. શ્રીજીમહારાજે કહ્યું છે કે, ‘એવો સાધુ તો હું છું.’”

“ભગવાનમાં હેત હોય તોપણ જ્ઞાન ન હોય તો ભગવાન વિના બીજો ઘાટ થાય, અને હેતના ભેળું જ્ઞાન હોય તો બીજો ઘાટ ન થવા દે; માટે હેત ને જ્ઞાન બેય જુદાં છે. પ્રેમલક્ષણા ભક્તિ આવે તોપણ તે ભક્તિ ને જ્ઞાન જુદાં છે. જ્યારે અનુભવજ્ઞાન થાય ત્યારે એ જ્ઞાનમાં ધર્મ, ભક્તિ આદિ સર્વે આવી જાય. તેથી અનુભવજ્ઞાન સદા રહે છે.” ।।૧૬૩।।