સંવત ૧૯૮૧ના જેઠ સુદ-૧ને રોજ સભામાં સાધુ મુક્તવલ્લભદાસજીએ પૂછ્યું જે, “મહાકાળ જ્યારે મહાપ્રલય કરે ત્યારે બધા જીવ ક્યાં રહેતા હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સર્વે જીવ માયામાં લીન થઈ જાય છે, અને માયા મૂળપુરુષ જે શ્રીકૃષ્ણ તેને વિષે લીન થઈ જાય છે, અને એ પુરુષ વાસુદેવબ્રહ્મની સભામાં રહે છે. જ્યારે સૃષ્ટિ સૃજવાનો સમય થાય ત્યારે પુરુષે માયાને લીન કરી હોય તેને બહાર કાઢીને તે માયા થકી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે.”

પછી બોલ્યા જે, “બ્રહ્માંડ વસ્યું તોય શું? અને ન વસ્યું તોય શું? આપણે તો મહારાજ ને મહારાજના મુક્તને પકડીને તેમાં આત્મબુદ્ધિ કરીને તેમાં જોડાવું. અમે તો બદરિકાશ્રમ નથી દેખ્યું, શ્વેતદ્વીપ નથી દેખ્યું, ગોલોક નથી દેખ્યું, અને અનંત કોટિ બ્રહ્માંડ પણ નથી દેખ્યાં. અમે તો કાંઈ દેખ્યું નથી, તો અમે શો જવાબ દઈએ? તમે આ લોકનું પૂછો તેમાં અમે મૂંઝાઈ પડીએ. એવા ઉત્તર તો વિદ્વાનો કરી શકે. જેણે ગામ કે માર્ગ દેખ્યો ન હોય તેનાથી શો ઉત્તર દેવાય? જેમ ગાદી ઉપર રાજા બેઠો હોય તે મારાં ગામ કે દેશ કેટલાં છે તે જાણતો નથી, તો પુરુષોત્તમનારાયણ ને એમના મુક્ત ક્યાંથી જાણે? છે તો બધુંય હસ્તામળ, પણ જેમ બહિર્ભૂમિ જઈ આવે તે કોઈ જોતા નથી, એમ ભગવાનના સુખ આગળ અને મૂર્તિ આગળ એ બહિર્ભૂમિ ગયા જેવું છે. એ તો ઢૂંઢિયા છે તે વિષ્ટાને ખોળે છે એવું છે.”

“અમારો સિદ્ધાંત તો એવો છે જે ‘મેરે તો તુમ એક આધારા’ જે એક પુરુષોત્તમનારાયણની મૂર્તિ અને તેના સંત તે વિના બીજી કોઈ વાત જ નથી. તે વિના બીજી વાતો કરીએ તેમાં મૂંઝાઈ જવાય. દ્રોપદીનું ભારત થયું અને સીતાની રામાયણ થઇ, એમાં આપણું કાંઈ ન વળે; એમાં આપણે ફસાઈ પડીએ. એક જણસ જે મહારાજ તે ઓળખાય એ સર્વે સાધનનું ફળ છે. પાત્ર થઈએ તો બધુંય આવે. જેમ સોનાના પાત્રમાં સિંહણનું દૂધ રહે તેમ શ્રીજીમહારાજના જેવા શુદ્ધ પાત્ર થઈએ તો શ્રીજીમહારાજ રહે. તે પુરુષપ્રયત્ન કરવા માંડે તો શ્રીજીમહારાજ પાત્ર કરી દે. ચિંતામણિ તો મળી છે, પણ દરજીની માફક શીવવામાં જાય છે. તેમ મૂર્તિ તો મળી છે, પણ તેમાં આપોપું કરીને જીવ જોડતા નથી.” ।।૨૨૯।।