સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૧૩ને રોજ સવારમાં સભામાં પ્રથમ પ્રકરણનું ૨૫મું વચનામૃત વંચાતું હતું. તેમાં સમાધિની વાત આવી.
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જ્યારે જીવને મહારાજનું દર્શન થાય છે ત્યારે ઇંદ્રિયો જીવમાં ખેંચાઈ જાય છે અને જીવને વિષે મહારાજનું દર્શન થાય છે. તે ઇંદ્રિયોને મહારાજ ખેંચે છે. જેમ ઝાડનું મૂળ સડે તે પૃથ્વીમાં જાતું રહે છે, તેમ મહારાજની મૂર્તિમાં વૃત્તિઓ ખેંચાઈને સમાધિ થાય છે. જેમ ચમકની સત્તાથી લોહ ખેંચાય છે તેમ. સમાધિમાં તેજ, ઐશ્વર્ય, સામર્થી, ધામ, એ આદિકને જોવા ઇચ્છે તે સકામ માર્ગ છે ને તેમાં વિઘ્ન છે. કેમ જે એને કાંઈક ધક્કો લાગે ખરો.”
“જે મૂર્તિમાં જોડાય ને બીજું કાંઈ ન ઇચ્છે તે નિષ્કામ છે. એને સ્વરૂપ સમાધિ કહેવાય ને તેને કોઈ વિઘ્ન પણ ન થાય. જે પશુને અથવા અભક્તને સમાધિ થાય તેનું બીજબળ થાય. હવે તે સકામ-નિષ્કામનું દૃષ્ટાંત જે, બ્રાહ્મણને લાખ રૂપિયા હોય તોપણ ભીખ માગે તે સકામનું લક્ષણ છે. કણબીને લાખ ઉપવાસ પડે તોપણ બીજા પાસે માગે નહિ એ નિષ્કામનું લક્ષણ છે. અનાદિમુક્તને તો સદાય મૂર્તિ જ છે તે તો સકામ કે નિષ્કામ કહેવાય નહિ.”
“જેને પતિવ્રતાપણું હોય તેના ભેળા મહારાજ ભળે છે ને તેના સંકલ્પ સત્ય કરે છે. જેવો રાજાનો આહાર તેવો જ હજૂરીનો આહાર છે. તેમ એકાંતિકને વિષે મૂર્તિમાન વ્યતિરેક મહારાજ રહ્યા છે તે જેવું પોતાને સુખ છે તેવું જ તેને આપે છે. જે અનાદિની પંક્તિમાં ભળ્યા તેમાં તો અન્વય-વ્યતિરેક કહેવાય જ નહિ. જે મહારાજની મૂર્તિના સાધર્મ્યપણાને પામી ગયો તેને તો શ્રીજીનું જેટલું સુખ છે તે સર્વે એનું જ છે. એ અનાદિમુક્ત થયો. જેમ રાજાનું જેટલું રાજ્ય છે એટલું જ રાણીનું રાજ્ય છે; તેમ મુક્ત રાણીઓ છે ને મહારાજ રાજા છે અને સાધનદશાવાળા એકાંતિક તથા ચાલોચાલ ભક્ત છે તે સર્વે કુંવરને ઠેકાણે છે. મૂળઅક્ષરો દીવાનને ઠેકાણે છે. જેમ રાજાને ને રાણીને સ્વામી-સેવકપણું છે તેમ મુક્તને અને મહારાજને સ્વામી-સેવકપણું છે.” ।।૨૯।।