સંવત ૧૯૮૩ના આસો વદ-૧૨ને રોજ સાંજે છેલ્લા પ્રકરણનું ૨જું વચનામૃત વંચાતું હતું.
તે વખતે પુરાણી કેશવપ્રિયદાસજીએ બાપાશ્રીને પૂછ્યું જે, “કેવા હોય તે સાધુ કહેવાય?”
ત્યારે બાપાશ્રી પ્રસન્ન થઈને બોલ્યા જે, “સાધન કરીને એકાંતિકભાવને પામ્યો હોય, અખંડ શ્રીજીમહારાજની સ્મૃતિ રહેતી હોય, મહારાજ વિના બીજે ક્યાંય પ્રીતિ ન હોય, પણ જે દેહે કરીને સાધન કર્યાં હોય તે દેહે સહિત હોય તેને સાધુ કહેવાય. તથા છેલ્લા પ્રકરણના ૮મા વચનામૃતમાં મોટા સંત કહ્યા છે, તેવાં લક્ષણવાળા હોય અને દેહની ક્રિયા પણ આ લોકમાં જમવું જોઈએ એ આદિક થતી હોય તેને સાધુ કહ્યા છે. મહારાજ અને મુક્ત તો દેહ વિનાના કહેવાય. તેમને તો આ લૌકિક ક્રિયા જે ખાવું-પીવું તે નથી. તે તો જમતાં થકા અજમતા છે. એમ જ સર્વે ક્રિયા કરતાં થકા અકર્તા છે. આવી રીત મોટા મુક્તની છે.”
પછી વાત કરી જે, “નારાયણપુરમાં ખીમજીભાઈના દીકરા ભીમજીને ઘેર અમે ગયા હતા. ત્યાં હનુમાનજીની છબી જોઈને અમે કહ્યું જે આ શું છે? પછી તે કાંઈ બોલ્યો નહિ. આપણે તો સ્વામિનારાયણનો જ આશરો રાખવો. બધે માથાં ભટકાવવાં નહિ. મહારાજ તો કૃપાસાધ્ય છે. તેના મુક્ત પણ એવા જ છે. તે જે જીવ આશરે આવે તેને સુખિયો કરી મૂકે.”
પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજી આવ્યા અને કહ્યું જે, “બાપા! મૂર્તિમાં રાખજો.”
ત્યારે બાપાશ્રી કહે, “બહાર રાખીએ તો?” ત્યારે કહે કે, “ના, મૂર્તિમાં રાખજો.” ત્યારે બાપાશ્રીએ કહ્યું કે, “માંહી મૂંઝવણ થાય તો?” ત્યારે સ્વામી કહે, “મૂંઝવણ નહિ થાય.”
પછી બાપાશ્રી બોલ્યા જે, “સારું મહારાજ! મૂર્તિમાં રાખશું. આપણે તો જે છે તે અહીં છે. અહીં અક્ષરધામ, મૂર્તિ, મુક્ત, સર્વે છે; પણ અક્ષરધામ બીજે છે અને મૂર્તિ બીજે છે, એમ ન જાણશો. સર્વે અહીં જ છે.” એમ વાત કરી ઠાકોરજીનાં દર્શને પધાર્યા અને દર્શન કરી સર્વેને મળ્યા.
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “મૂર્તિનું સુખ ને આનંદ વધતાં જાય તેનો શું ઉપાય હશે?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજની મૂર્તિમાં નિમગ્ન રહેવું, તેણે કરી આનંદ ને સુખ વધતાં જાય. આ બાવો ઈશ્વરચરણદાસજી જાણે જે હું બધો મહિમા લખી નાખું, પણ તમે બધી વનસ્પતિની કલમો કરો, સાત સમુદ્રની શાહી કરો, તે લખતાં કલમો ઘસાઈ જાય, શાહી ખૂટી જાય તોપણ મહારાજના મહિમાનો પાર ન આવે. એવી દિવ્ય મૂર્તિ છે, અપાર છે, તે પાર પામી શકાય તેવું નથી.”
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “બાપા! આપની મરજી હોય તો લખું.”
ત્યારે બાપાશ્રી માથે હાથ મૂકી અતિ પ્રસન્નતા જણાવીને બોલ્યા જે, “ભલે! લખો. અમો રાજી છીએ. મોટા મોટા સંતોએ મહારાજનાં ચરિત્ર, પ્રતાપ, ઐશ્વર્ય, મહિમાના અનેક ગ્રંથો લખ્યા; તોપણ જેવો છે તેવો મહારાજનો મહિમા લખવાને કોણ સમર્થ છે? મહારાજ કહે છે કે, ‘હું પણ મારા મહિમાનો પાર પામતો નથી તો બીજા કોણ પાર પામી શકે?’ એવી એ કારણ મૂર્તિ છે. એ કારણ મૂર્તિના આધારે સૌ સુખિયા છે.”
“આપણને તો મહારાજે ન્યાલ કર્યા છે. તે ગામોગામ મંદિર, જ્યાં જઈએ ત્યાં હરિભક્તોનાં હેત પણ એવાં. તે જુઓને! આપણે ગામ મેડા ગયા હતા. ત્યાંના હરિભક્તોનાં શું હેત! આપણે સૌને રાજી કરીને ત્યાંથી ચાલ્યા ત્યારે સૌ હરિભક્તો ઘણે છેટે સુધી વળાવવા આવ્યા, તે કહીએ તોય પાછા ન વળે. પછી અમે કહ્યું જે, ‘હવે પાછા વળો.’ ત્યારે તે શું કરે? પછી ઊભા રહ્યા; એવાં તેમનાં હેત. જે મહારાજનો તથા મોટાનો મહિમા જાણે તેને સદાય એવું હેત રહે.”
એમ કહીને બોલ્યા જે, “સ્વામી! તમારા દાખડા ઘણા છે. ગામેગામ ફરીને હરિભક્તોને મહારાજના સુખની ને મહિમાની વાતો કરો છો તેથી સત્સંગ બધો પ્રફુલ્લિત થઈ રહ્યો છે. મહારાજ કહે, ‘તમ જેવા ધર્મ-નિયમવાળા સંતની વાત નોખી છે’ એવા તમે છો.” એમ પ્રસન્નતા જણાવી.
પછી બીજે દિવસે સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતો પર બાપાશ્રી પ્રસન્ન થઈને બોલ્યા જે, “હવે તમને ગુજરાતના હરિભક્તો સંભારે છે તે કેમ કરશો? અમારે અહીં આવા સંતોની તાણ ઘણી છે. અમને આવી સભા અખંડ ખપે. આ દેશનાં ભાગ્ય મોટાં જે આવા સંત ઘેર બેઠાં આવીને દર્શન દે છે.”
ત્યારે સ્વામી વૃંદાવનદાસજી બોલ્યા જે, “બાપા! આ બધું આપની કૃપાનું કારણ છે. આપે સાજો સત્સંગ સુખિયો કરી મૂક્યો છે. તેથી બધા તણાઈને અહીં ચાલ્યા આવે છે. મહારાજનું સુખ આ ટાણે આપે બહુ સુગમ કરી દીધું છે.”
ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “ભલે મહારાજ! તમો હવે દેશમાં જાઓ ને હરિભક્તોને સુખિયા કરો. તેડાવીએ ત્યારે આવજો. અમારે અહીં સંતોને રાખ્યાની તાણ તો રહે, પણ હરિભક્તોનાં હેત સામું જોવું ખપે.” આવી રીતે બાપાશ્રીની ઇચ્છા જાણી સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, સાધુ મુક્તવલ્લભદાસજી, શ્વેતવૈકુંઠદાસજી તથા દેવજીવનદાસજી અને આશાભાઈ આદિક સર્વે બાપાશ્રીને પ્રસન્ન કરી દેશમાં જવા તૈયાર થયા.
તે ટાણે પોતે સૌને મળ્યા અને માથે હાથ મૂકીને બોલ્યા જે, “આમને આમ મહારાજની મૂર્તિમાં રસબસ રહેજો, આપણે સદાય ભેળા જ છીએ.” એવા આશીર્વાદ આપીને વિદાય કર્યા. પછી સંતો ભુજ બે દિવસ રોકાઈને ગુજરાત આવ્યા. ।।૩૦।।