સંવત ૧૯૭૧ના ચૈત્ર સુદ-૭ને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “ઘણાં ધામોના મુક્ત સત્સંગમાં આવ્યા હોય તે કેમ ઓળખાય?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જે ધામમાંથી એ આવ્યા હોય, તે ધામોની ને તે ધામોના ધામીની મોટપ એમને રહી ગઈ હોય તેથી તેમનું વર્ણન કરે; ને મહારાજનીએ મોટપ કહે, પણ કેવળ મહારાજની મોટપ ન કહે. અને જે શ્રીજીમહારાજના મુક્ત હોય તે તો શ્રીજીમહારાજ વિના બીજા કોઈની મોટપ કે સારપ રહેવા દે નહિ, એ ઉપરથી તેમને ઓળખવા. આજ સત્સંગમાં જડ અને ચૈતન્ય માયામાં જે લોભાશે નહિ તેના ધણી મહારાજ અને અમે છીએ તેથી અમારા જેવા તેમને સુખિયા કરીશું. અને જે એ બેમાં લોભાશે તેના ધણી મહારાજ અને મોટા નહિ થાય; કેમ કે તે તો બળેલા કોયલા જેવા છે. માટે એ બે વાતની સાવધાની તમારે સૌને જેવી છે તેવી સદાય રાખજો, તો તમે અમારા છો તે અમારા જેવા કરીશું.” એ વર દીધો.
પછી કથાની સમાપ્તિ કરીને સંતો માંદા સાધુને નવરાવવા સારુ ગયા અને બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી તથા વરતાલથી બ્રહ્મચારી આવ્યા હતા તે સર્વે ઓસરીમાં બેઠા હતા. સાધુ મુક્ત- જીવનદાસજી ખાડે જતા હતા ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું કે, “આ સાધુને ક્યારે લઈ જશો?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમને ખપતા નથી?” ત્યારે તેમણે કહ્યું જે, “સાજા કરો તો ખપે.” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એમને માટે ગઈ કાલે લાકડાં તૈયાર કરી રાખ્યાં છે અને આજ લઈ જવા છે.”
એટલામાં તે માંદા સાધુ ખાડેથી આવ્યા અને કૂવા ઉપર જઈને દાતણ કર્યું એટલે સાધુ મુક્તવલ્લભદાસજી આદિક નવરાવવા લાગ્યા, એટલામાં તો એ માંદા સાધુ નમી પડ્યા.
ત્યારે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “સાધુની પાસે જાઓ, અમે લઈ જઈએ છીએ.”
પછી બાપાશ્રી આદિક સર્વે તે સાધુ પાસે આવ્યા ને વસ્ત્ર પહેરાવીને ઓરડીમાં લઈ જઈને સુવાર્યા કે તરત જ તે દેહ મૂકી ગયા. પછી તેમને દેન દઈ આવ્યા ને શ્રી ઠાકોરજીને થાળ કરીને જમાડ્યા. ।।૧૪૨।।