સંવત ૧૯૭૫ના વૈશાખ વદ-૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ માયિક જ્ઞાને કરીને આ લોકનું બધુંય ઓળખાય છે, કાંઈ બાકી રહેતું નથી; તેમ અનુભવજ્ઞાન થાય ત્યારે ધામ, સભા, સુખ, મૂર્તિ, એ સર્વેનો સાક્ષાત્કાર થાય, પણ કોઈને કાંઈ શીખવવું પડતું નથી.”
પછી સ્વામી નારાયણસેવકદાસજીએ પૂછ્યું જે, “આ સત્સંગમાં ભેળ ઘણી થઈ ગઈ છે તે શ્રીજીમહારાજ કેમ જોઈ રહ્યા હશે?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રી સ્વામિનારાયણ ભગવાન તત્કાળ કાંઈ કામ કરતા નથી, એ તો વાણિયા જેવા છે તે ખસતાં ખસતાં બધુંય લઈ લેશે; એક દિવસ બધુંય સારું કરશે. આંધળે ઘોડે ચઢે તે બધાંય કૂવામાં પડવાનાં. તે આંધળાઈ વિક્ષેપમાંથી જાગી છે. ગૃહી-ત્યાગીના ધર્મ પ્રવર્તાવવામાં આચાર્યજી મહારાજ કારણરૂપ છે, પણ શ્રીજીમહારાજ સારું કરશે; પોતાનો સત્સંગ ભેળાવા દેશે નહીં.”
એમ વાત કરીને પછી બોલ્યા જે, “જેને કથા, વાર્તા તથા આ સભા વિના રહેવાય નહિ અને શ્રીજીમહારાજના એકાંતિક તે આવા છે અને પરમ એકાંતિક તે આવા છે અને અનાદિમુક્ત આવા છે ને આવા શ્રીજીમહારાજ છે ને આવું તેમનું ધામ છે એવો મહિમા જાણે તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ થઈ જાય ને તેની બુદ્ધિ થોડી હોય તોપણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે. અને જેને આ લોકનું ડહાપણ હોય, પણ શ્રીજીમહારાજનો ને એમના મુક્તનો મહિમા ન સમજાણો હોય ને તેની વ્યાવહારિક બુદ્ધિ ઘણી હોય તોપણ તે જાડી બુદ્ધિવાળો છે. તે સૌ સૌના મનમાં તપાસી જુઓ તો જણાઈ આવે. જેની કુશાગ્ર બુદ્ધિ થઈ હોય તેને આ સભા દિવ્ય ભાસે. આવા સાધુ ક્યાંય નથી! એવા આ સાધુ છે, પણ જાડી બુદ્ધિવાળાને મનુષ્ય જેવા જણાય. આ સભામાં મહારાજ ને મુક્ત વિરાજે છે, પણ જાડી બુદ્ધિવાળાને જાણ્યામાં ન આવે.”
પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “આ સભાનું પૂરું થયું હશે કે કેમ?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પૂરું થઈ રહ્યું એમ કહીએ તો જીવને ચિંતા રહે નહિ ને ખાય, ખેલે ને ઝગઝગાટ ફેંટા બાંધે ને પોતાનું પૂરું માને ને કાંઈ સાધન કરે નહિ. કેટલાક સાધુ અહીં આવે ત્યારે અમે એમનાં લૂગડાંથી ઓળખી લઈએ જે આ ફલાણા ધામના છે. આ અમે વઢતા નથી, હેતની વાત કહીએ છીએ; માટે સૌ ધ્યાનમાં લઈ તે પ્રમાણે રહેશો તો અમે તમારા કલ્યાણમાં વાંધો નહિ આવવા દઈએ. જે અમારાં વચન પ્રમાણે નહિ વર્તે તો તેનું તે જાણે, માટે આવો જોગ મળ્યો તો બીજો જન્મ ધરવો પડે નહિ એમ વર્તવું.”
એટલી વાત કરીને પછી બોલ્યા જે, “પરમપદ તે પરમ એકાંતિકની પ્રાપ્તિ છે અને અનાદિની તો વાત જ જુદી છે. તેનું સ્વરૂપેય જુદું! એને પમાડનારાય જુદા! ને પામનારાય જુદા! ને એનું સુખ પણ જુદું! ને પ્રાપ્તિયે જુદી! તેની તો વાત જ જુદી છે. અનાદિ તો સદાય મૂર્તિમાં છે, છે ને છે જ.” ।।૨૦૧।।