।। શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ।।
આપણા (સ્વામિનારાયણ) સંપ્રદાયમાં શ્રીજીમહારાજે જે જ્ઞાનનો પ્રકાશ પાડ્યો છે તેનો લાભ લઈ ઘણા સંત-હરિજનો સુખી થયા અને મહારાજ અદૃશ્ય થયા ત્યારે તે સંત-મુક્તોએ તે જ્ઞાનની પરંપરા ચલાવી ઘણા મુમુક્ષુને સુખી કર્યા છે. સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના શિષ્ય નિર્ગુણદાસજી સ્વામી પણ એ જ્ઞાન તથા સુખના ભોક્તા હતા અને પોતાના શિષ્યો તથા સમાગમ કરનારા મુમુક્ષુઓને પણ સુખ આપતા.
કચ્છમાંથી અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી પણ ઘણી વખત યાત્રાર્થે સંઘ લઈ અમદાવાદ પધારતા ત્યારે તેઓશ્રી પણ સ્વામીશ્રીનો ઘણા દિવસ રહી સમાગમ કરતા. સ્વામીશ્રી પણ બાપાશ્રી ને “મારા જીવનપ્રાણ આવ્યા” એમ વારંવાર કહેતા. તે જાણી તેમના સમાગમે બેઠેલા સર્વેએ સ્વામીશ્રીને પૃચ્છા કરેલી ત્યારે સ્વામીશ્રીએ કહેલું કે, “હાલ સત્સંગમાં આ પુરુષની કોઈ જોડ નથી. માટે એમનો સમાગમ કરજો.” તેથી બાપાશ્રીનો સમાગમ કરવા સારુ ગુજરાતના સંત-હરિજનો કચ્છમાં જતા, તેમ જ બાપાશ્રી પણ વારંવાર તેમને કાગળ લખી તેડાવતા.
સં. ૧૯૫૯ની સાલમાં તો બાપાશ્રીએ દેશોદેશ કંકોત્રીઓ લખી ઘણા સંત-હરિજનોને તેડાવી ભારે યજ્ઞ કર્યો હતો અને સર્વેને બહુ સુખ આપ્યું હતું. ફરીવાર જ્યારે સંવત ૧૯૬૨ની સાલમાં કચ્છ રામપરામાં ધનબાએ યજ્ઞ કર્યો તે વખતે બાપાશ્રીએ સ્વામી વૃંદાવનદાસજીને તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને કાગળ લખ્યો જે, “જેવો આપણે ઓગણસાઠની સાલમાં અહીં યજ્ઞ કર્યો હતો તેવો જ રામપરામાં યજ્ઞ થાય છે. વળી, જેમ આપણા યજ્ઞમાં ‘જે પ્રસાદી જમે તે અક્ષરધામમાં પહોંચે’ એવો સંકલ્પ કર્યો હતો, તેમ ‘આ યજ્ઞની પ્રસાદી જમે તે અક્ષરધામમાં જાય’ એવો સંકલ્પ કર્યો છે. માટે તમો સૌ આવજો. અને જે સંત-હરિજન આવે તેને લાવજો ને મૂળીવાળા સ્વામી બાલકૃષ્ણદાસજી તથા પુરાણી ધર્મકિશોરદાસજી તથા સાધુ હરિવલ્લભદાસજી આદિને કાગળ લખી અહીં આવવાનું જણાવશો.”
પછી સ્વામી આદિ સૌ રામપરે ગયા. ને મૂળી, બળોલ તથા બીજાં ગામોના હરિજનોને કાગળ લખી જણાવ્યું અને તે સૌ આગળ-પાછળ આવ્યા અને બાપાશ્રી વૃષપુરથી રામપરે પધાર્યા ને કથા સાંભળી ને કથાની સમાપ્તિ વૈશાખ સુદ-૧ને રોજ સવારમાં થઈ.
પછી તે દિવસે બાર ઉપર બે વાગે રામપરેથી બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત તથા કેટલાક હરિજનો ચાલ્યા તે સરલીના વીરડામાં નાહવા ગયા. તે વીરડામાં પાણી સારું નહિ હોવાથી આથમણી કોરે ધરો છે તેમાં નાહ્યા અને જળમાં સર્વેને મળ્યા અને પછી બહાર નીકળ્યા અને વસ્ત્ર બદલીને બેઠા અને પાણી પીધાં. ગામ રઢુના ઠકકર ગોવર્ધન દામોદરે સ્વામી ઈશ્વરચરણદાસજી સાથે દાડમ મોકલાવેલાં તે તથા રણછોડલાલભાઈ સેવકરામભાઈએ સુખડી મોકલાવેલી તે શ્રી ઠાકોરજીને જમાડીને પોતે તથા સર્વે સંત-હરિજનો જમ્યા. પછી ઊઠીને મળીને વૃષપુર પધાર્યા. ભુજના મંદિરના શિખર ઉપર કળશ ચઢાવવાના હતા તેથી બાપાશ્રી તથા સર્વે સંત વૈશાખ સુદ-૫ને રોજ ભુજ ગયા અને છઠને દિવસ કળશ ચઢાવ્યા.
વૈશાખ સુદ-૧૫ને રોજ બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો વૃષપુર ગયા તે રાત્રિએ કથા-વાર્તાની સમાપ્તિ થઈને સભા ઊઠી ગઈ ત્યારે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “તમે પંદર વર્ષથી અમારી વાતો સાંભળો છો, પણ લખતા નથી તે આ વાતો અમે કરીએ તે હવેથી લખો તો આગળ ઉપર ઘણી કામ આવે માટે આજથી લખજો.” ત્યારથી સ્વામીએ વૈશાખ વદ-૧ને રોજથી બાપાશ્રીના મુખકમળથી નીકળેલી અમૃતરસરૂપ વાર્તાઓ સાંભળેલી તેનું નિત્ય સ્મરણ કરવા માટે તથા સંત-હરિજન જે વાંચે તેનું કલ્યાણ થાય તેણે કરીને શ્રીજીમહારાજ તથા તેમના મુક્ત પ્રસન્ન થાય તે સારુ લખી છે.