ज्ञानं कुतोमनसि संभवती हतावत्
प्राणोऽपि जीवति मनोम्रियते न यावत् ।
प्राणं मनो द्वयमिदं विलयं नयेद्यो
मोक्षं स गच्छति नरो न कथंचिदन्यः ॥ १ ॥
यावन्नैव प्रषिशति चरन् मारुतो मध्य मार्गे
यावदबिंदु र्न भवति दृढं प्राणवात् प्रबंधात् ।
यावद्ध्याने सहजसदशं जायते नैव तत्त्वम्
तावज ज्ञानं वदति तदिदं दंभमिथ्या प्रलापः ॥ २ ॥
આપણી જ્ઞેય, ધ્યેય અને ઉપાસ્ય મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રીમુખે કહ્યું છે જે, “સંપ્રદાયની પુષ્ટિ તેના શાસ્ત્રથી જ થાય છે.” દરેક સંપ્રદાયમાં પામર, વિષયી, મુમુક્ષુ અને મુક્ત જીવો હોય છે જ. તેમ આપણા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ તે ઉપરાંત સાત ધામોના મુક્તો પોતાના આત્યંતિક કલ્યાણ માટે આવે છે એ વિશેષ છે. મોટા અધિકારીની જવાબદારી પણ મોટી. જે મૂર્તિનાં દર્શન ફક્ત અક્ષરધામમાં પોતાના પરમ એકાંતિક મુક્ત જે પોતાને સમીપે રહ્યા છે તે તથા અનાદિમુક્ત જે મૂર્તિમાં રસબસ રહ્યા છે તેમને જ છે; બીજા કોઈને એ મૂર્તિનાં દર્શન નથી એવી અગમ્ય, અકળિત, અદ્વિતીય મૂર્તિએ ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા કહેવાતા અક્ષરકોટિ, બ્રહ્મકોટિ, ઈશ્વરકોટિ અને તેમના તાબાના મુક્ત જીવો તેમજ માયાબદ્ધ જીવોનો મોક્ષ કરવા માટે આ મનુષ્યલોકમાં દર્શન દીધાં! તે કેવડી વાત! !
“કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું,
ક્યાં અમે ને ક્યાં આપ જીવન જાણું છું.”
વળી કહ્યું છે જે स्वकीयावतारास्तदीयां श्च भक्ता निजोपासना ज्ञानमाबोध्य तेषां । तथा स्वधामाधिनेतुं विचित्यागतो श्री हरि हेतु रुक्त श्चतुर्थः॥ એમ પોતાના અવતારોને ને તેમના ભક્તોને પોતાની ઉપાસના-જ્ઞાન આપીને પોતાના ધામમાં લઈ જવા માટે દર્શન દીધાં. વળી, “સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન.” એમ ઉપર કહ્યા તે સૌને વશ કરવા માટે એ સૌનો કારણ એવો હું એક જ ભગવાન છું; બીજો કોઈ ભગવાન નથી. એમ પોતે કહ્યું છે.
શાસ્ત્ર માત્રમાં ગુરુભાગ હોય છે. તે શ્રીમુખે કહ્યું છે જે સત્શાસ્ત્રો પણ સત્પુરુષ થકી જ સમજાય છે, પણ પોતાની બુદ્ધિથી સમજાતાં નથી. તેમ જ પોતાનું સ્વરૂપ જે ઉપર કહ્યા પ્રમાણે પોતાના મુક્તોને જ ગમ્ય છે તેવા સત્પુરુષ જે સ્વતઃસિદ્ધ મુક્તો તે થકી જ સમજાય છે, પ્રાપ્ત થાય છે, અનુભવાય છે; પણ તે સિવાય બીજા કોઈ સાધને કોઈ કાળે જાણી-અનુભવી શકાય તેમ નથી.
આ કારણપણા માટે પોતાના સ્વતઃસિદ્ધ મુક્તો શ્રી ગોપાળાનંદ સ્વામી તથા શ્રી પર્વતભાઈ આદિને પોતાના સંકલ્પથી અહીં દેખાડ્યા! આવા અજોડ મહારાજ ને મુક્તોનાં દર્શન, સ્પર્શ, સેવા, સમાગમનો લાભ કોટિ કલ્પે, કોટિ સાધને કે અનેક જન્મનાં સુકૃતથી મળતો નથી કેમ જે તે વસ્તુ જ એવી અનુપમેય, અદ્વિતીય, અમૂલ્ય છે. કેવળ કૃપાસાધ્ય છે. આવા સ્વતઃસિદ્ધ અનાદિમુક્તોએ આ સત્સંગરૂપ બગીચો બનાવી આપણને ભોગવવા માટે શ્રી કૃષ્ણાર્પણ કર્યો છે!
આવા બગીચાના વર્તમાન સમયે છેલ્લામાં છેલ્લા માળી તે આ લઘુ પણ અનુભવાત્મક રહસ્યજ્ઞાન પ્રદાતા અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપા છે. તેમના નામથી સત્સંગમાં ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. છતાં તેઓ કોણ હતા? કેવા હતાં? તેમણે સત્સંગમાં શું શું કર્યું? ઇત્યાદિ બાબત બે બોલ અસ્થાને નહિ ગણાય.
(૧) બાપાશ્રી કોણ હતા?
અક્ષરધામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે દિવ્ય મૂર્તિ છે તે મૂર્તિ, તથા સંવત ૧૮૩૭માં શ્રી છપૈયાપુરમાં પ્રગટ થયા તે મનુષ્યરૂપ મૂર્તિ, તથા તેમણે પધરાવેલી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રીજીમહારાજ આદિ મૂર્તિઓ તે એક જ છે ને સ્વયં પોતે જ છે; એ સિદ્ધાંત સમજાવનાર પ્રસિદ્ધ સ્વતઃસિદ્ધ અનાદિ મહામુક્તરાજ હતા.
શ્રી સ્વામિનારાયણ ભગવાન એક જ છે અને અનાદિમુક્ત અનેક છે ને અનેક થાય છે ને અનેક થશે; તે સર્વેને સુખના દાતા છે અને અનાદિમુક્ત સર્વે એ એક જ મૂર્તિના સુખભોક્તા છે; એ સિદ્ધાંત સમજાવનાર પ્રસિદ્ધ સ્વતઃસિદ્ધ અનાદિ મહામુક્તરાજ હતા.
શ્રીજીમહારાજના સકામ ભક્ત બ્રહ્માથી લઈ અક્ષર સુધીની પદવીને પામે છે અને નિષ્કામ ભક્ત પોતાની સમીપે પરમ એકાંતિક અથવા પોતાની મૂર્તિમાં રહેલા અનાદિમુક્તની પદવીને પામે છે; પણ ભગવાન શ્રી પુરુષોત્તમ જે एकमेवा द्वितीयं ब्रह्म છે -એક જ છે- તે ભગવાનની પદવીને તો કોઈ પણ પામી શકતા નથી ને ભક્ત કોઈ દિવસ પોતાના સ્વામીની પદવીને ઇચ્છે જ નહિ; એ સિદ્ધાંત સમજાવનાર પ્રસિદ્ધ સ્વતઃસિદ્ધ અનાદિ મહામુક્તરાજ હતા.
શ્રી સ્વામિનારાયણ ભગવાન કૃપા કરીને અનાદિમુક્તને રસબસ પોતાની મૂર્તિમાં જ નિમગ્ન-લુબ્ધ રાખે છે- જેમ દૂધમાં સાકર રહે છે તેમ. છતાં પોતે સ્વામી ને અનાદિમુક્ત સર્વે સેવક છે ને સદા સાકાર છે; એ સિદ્ધાંત સમજાવનાર પ્રસિદ્ધ સ્વતઃસિદ્ધ અનાદિ મહામુક્તરાજ હતા.
શ્રી સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમરૂપ થવાથી અનાદિમુક્ત થવાય છે (પ્ર.પ્ર. ૫૧ પ્રમાણે); કેમ જે, જે વસ્તુ જાણવી-જોવી હોય તે વસ્તુરૂપ થયા વિના તે વસ્તુ જોઈ, જાણી શકાતી નથી અને દાસપણું પણ ત્યારે જ સુધું દૃઢ થાય છે; એ સિદ્ધાંત સમજાવનાર પ્રસિદ્ધ સ્વતઃસિદ્ધ અનાદિ મહામુક્તરાજ હતા.
શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને અને અનાદિમુક્તને જુદાપણું એટલે સહેજ પણ છેટાપણું નથી, વાણા-તાણાની પેઠે એકમેક, ઓતપ્રોત, તદ્રૂપ, તલ્લીન થવાય ત્યારે જ અણુમાત્ર છેટે નથી એમ કહેવાય; તેવી રીતે સહજ સ્વભાવે સહેજ પણ ક્ષણમાત્ર મૂર્તિથી દૂર ન રહેવાય એટલે પોતે તો મૂર્તિમાં લુબ્ધ છે અને આજ્ઞાવિહિત સર્વે ક્રિયા મહારાજ કરે છે એવો સાક્ષાત્કાર (લક્ષ્યાર્થ) થાય ત્યારે અનાદિમુક્તની પંક્તિમાં ભળાય; એ સિદ્ધાંત સમજાવનાર પ્રસિદ્ધ સ્વતઃસિદ્ધ અનાદિ મહામુક્તરાજ હતા.
શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિનો પોતાના ચૈતન્યમાં સાક્ષાત્કાર કરે તેવા પરમ એકાંતિકને મૂર્તિમાં રસબસ જોડી–સંલગ્ન કરી રોમરોમનું એકકાળાવચ્છિન્ન સુખ ભોગવાવી અનાદિમુક્ત કરનાર પ્રસિદ્ધ સ્વતઃસિદ્ધ મહામુક્તરાજ હતા.
જ્યારથી પ્રગટ ભગવાન કે પ્રગટ મુક્ત મળ્યા ને તેમનો દૃઢ નિશ્ચય-દૃઢ આશ્રય થયો ત્યારથી જ કાળ, કર્મ, માયાથી રહિત કરી સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ ને તુર્યાવસ્થાનો –મૂળ અજ્ઞાનનો નાશ કરી અનાદિમુક્તની પંક્તિમાં ભેળવ્યા જ છે એટલે દેહ મૂક્યા પછી જેવા થવાનું છે તેવા કર્યા જ છે પણ ‘દેહ મૂક્યા પછી મહારાજ ને મુક્ત ધામમાં તેડી જશે ને પછી એવા કરશે’ એમ ન માનવું પણ છતે દેહે જ એવા કર્યા છે એવું સંપૂર્ણ કૃતાર્થપણું માનવું; અને તેમની પ્રસન્નતાને અર્થે આજ્ઞામાં રહી કથા, વાર્તા, માળા, માનસીપૂજા, ધ્યાન, ભજન, નિયમ, ઉપાસના, કર્યા કરવાં ને મૂર્તિમાં અખંડ રસબસ રહેવાય –ક્ષણમાત્ર જુદા ન પડાય એમ વર્તવું, છતાં ગરીબ સંત-હરિજનના પણ દાસાનુદાસ થઈ રહેવું ને બીજા જે દૃઢ આજ્ઞા-ઉપાસનાવાળા હોય તેમને પોતાથી મોટા જાણવા ને પોતાને તેમનાથી ન્યૂન માનવું પણ છકી જાવું નહિ. જેમ રાજાને ઘેર જન્મે તે રાજા જ કહેવાય પણ જ્યાં સુધી ગાદીએ ન બેસે ત્યાં સુધી રાજા જેવું સુખ-સામર્થી ન આવે; તેમ સાધુ કે સત્સંગી થયા એટલે પૂરું થઈ ગયું એમ માની બેસી રહેવું નહિ, કારણ કે સ્વતઃસિદ્ધ અનાદિમુક્તો મૂર્તિનું સુખ સ્વતંત્રપણે લે છે તે પણ પાર પામતા નથી માટે તેમના જેવા થવાના ઉપાયમાં દેહ પર્યંત તત્પર રહેવું; એ સિદ્ધાંત સમજાવનાર પ્રસિદ્ધ સ્વતઃસિદ્ધ અનાદિ મહામુક્તરાજ હતા.
(૨) બાપાશ્રી કેવા હતા?
વચનામૃતમાં તેમ જ આ વાતોના પુસ્તકમાં તેમનો ફોટો (છબી) આપેલ છે.
શ્રીજીમહારાજ મનુષ્યરૂપે પ્રગટ થયા તેમને નજરે દેખ્યા, ઓળખ્યા ને મૂર્તિનો આત્મામાં સાક્ષાત્કાર કર્યો તેમણે જ મહારાજને જાણ્યા. આજ જેને ધામની મૂર્તિ, મનુષ્યરૂપ મૂર્તિ અને પ્રતિમા એક જ છે એવો દિવ્ય ભાવ આવે; તેમ જ તેમનાં વચનામૃત ઉપરથી સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વોપરી, સદા સાકાર, સર્વ કર્તા-હર્તા જાણે ને મૂર્તિ સિદ્ધ કરે તેણે મહારાજને સર્વોપરી ભગવાન જાણ્યા કહેવાય. તેવી રીતે બાપાશ્રીનો સમાગમ કરી જેવા છે તેવા ઓળખ્યા તે બાપાશ્રી જેવા જ થઈ ગયા. અને આજ પણ તેમની વાતો ઉપરથી તેઓશ્રી અનાદિ મહામુક્તરાજ હતા એમ સૌ કોઈ નિઃશંકપણે કહી શકે છે.
બાપાશ્રી કહેતા જે, “વાતો વર્તન કરશે.” તે શું જાણે છે તે કરતાં તે કેવા છે તે જોવું, જેમ સોય કેડે દોરો સોંસરો ચાલ્યો આવે છે તેમ તેમના ઉપદેશામૃતમાં “એક મૂર્તિમાં જ રસબસ-લુબ્ધ રહો, એક મૂર્તિમાં જ જોડાઓ, એક મૂર્તિ જ સિદ્ધ કરો, બીજું બધું એક વાર જાણી પડતું મૂકો. જેમ ખેડૂતને કરોડો રૂપિયા મળે તો મહેનત કરી દાણા પકવવા પડ્યા મૂકે, અને જેમ સૂર્ય ઊગતાં જ રાત્રિ ટળી જાય છે; તેમ જ્યારે સ્વરૂપનિષ્ઠા દૃઢ થાય છે ત્યારે પંચવિષય, પરચા, ચમત્કાર, ઐશ્વર્ય એ સર્વમાંથી સહેજે જ પ્રીતિ ટળી જાય છે. જ્યારે એ મૂર્તિના સુખનો ભોક્તા થાય છે ત્યારે તેને ધામ અને મુક્તનું સુખ પણ નજરમાં આવતું નથી (જો કે સ્વતંત્રપણે સર્વને જાણે-દેખે છે). આવી સ્થિતિ થાય તેને જ અનુભવજ્ઞાન-લક્ષ્યાર્થજ્ઞાન કહેવાય.” બાપાશ્રી કહેતા જે, “વાચ્યાર્થમાં પડ્યા રહેવું નહિ, પણ લક્ષ્યાર્થ કરવો; એટલે કે મહારાજ ને મોટા મળ્યા તો તેમના જેવા થવું.”
જ્યારે પુરુષોત્તમરૂપ થાય ત્યારે જ પુરુષોત્તમને ને અનાદિમુક્તને જેવા છે તેવા જાણી શકે અને પોતે અનાદિમુક્ત થાય ત્યારે લય-વિક્ષેપાદિ કષાય નાશ પામે; લક્ષ્યાર્થજ્ઞાની પણ તેને જ કહેવાય. જ્યારે પાટે બેસી કથા કરે ત્યારે જ્ઞાની એમ સમજે જે, “હું બેઠો નથી, પણ મહારાજ બેઠા છે ને હું બોલતો નથી, પણ મહારાજ બોલે છે ને હું સાંભળું છું”; અને જેને આ જ્ઞાન હાથ ન આવ્યું હોય તે એમ જાણે જે, “લખ્યું છે તે વંચાય છે”. આવી રીતે દૃઢ જ્ઞાની પણ માન-સન્માનના ધણી મહારાજને રાખે છે ને પોતાપણું સર્વે વીસરી જાય છે. એકાંતિક ભક્ત સાધનકાળમાં ઉપર પ્રમાણે પોતાને અકર્તા માને છે ને ‘મારા દ્વારે મહારાજ વિચરે છે, જમે છે, જુએ છે, બોલે છે’ (પ્ર.પ્ર.વ. ૨૭) એવું મનન રાખે છે. તે દરમ્યાન ક્યારેક ગોપીઓની પેઠે ‘લ્યો કાન, લ્યો કાન’ એમ થાય. અને અવલબાઈ આદિ બાઈઓની પેઠે એમ પણ થાય જેઃ
“કહે હું સહજાનંદ સ્વામી સરવેનો છું અંતરજામી”
ઉપર પ્રમાણે મનન અને નિદિધ્યાસ રાખતાં રાખતાં જ્યારે આત્મામાં સાક્ષાત્કાર થાય ત્યારે તેને ‘મુક્ત-સંત-અનુભવી’ કહેવાય. એવા સંતનો મહિમા શ્રીજીમહારાજે કહ્યો છે જેઃ- “સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે ભેળો હું ભમું રે.” એટલે મહારાજને ને મુક્તને નિત્ય સંબંધ છે; જુદા નથી.
‘‘સંત જાણજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતિ રે.’’
તે સંત એટલે અનાદિમુક્ત જાણવા; તે વચનામૃતમાં પણ મહારાજે સંતને પોતાની મૂર્તિઓ કહી છે. તેવા અનુભવી કરતાં અનાદિમુક્ત તો અતિશય શ્રેષ્ઠ છે. તે તો સદા મૂર્તિમાં જ રસબસ છે, છે ને છે જ. તેમને જો એમ પૂછવામાં આવે જે હાલ મહારાજ ક્યાં છે? તે શું કરે છે? તો તે મહારાજની મૂર્તિને ઊંચે કે અડખેપડખે ક્યાં બતાવે? તે આ પુસ્તકના ઊંડા અભ્યાસીની નિર્મળ બુદ્ધિને સોંપીશું.
અનાદિમુક્ત સ્વયં પુરુષોત્તમરૂપ છે. અનાદિમુક્ત તો સદા સુખમાં જ લુબ્ધ રહે છે ને સુખ લીધાં જ કરે છે, પણ તે સુખ મૂકી બીજો સંકલ્પ કરતા જ નથી, બીજું કાંઈ જોતા જ નથી; છે તો બધુંય હસ્તામળ. જ્યાં મૂર્તિ ત્યાં અનાદિમુક્ત હોય જ. જેમ મૂર્તિ તેમ જ અનાદિમુક્ત. જેવું મૂર્તિ બોલે તેવું જ અનાદિ બોલે.
બાપાશ્રી કહેતા જે, “આ શબ્દ તો મહારાજના પડછંદા છે.” આ સ્થિતિ જેના સમજવામાં આવે છે તે બાપાશ્રીની સ્થિતિના શબ્દો સાંભળી ભૂલા પડતા નથી. અને જે ભોળા છે તે ભૂલા પડે છે અને વિપરિત મતિવાળા છે તે ભૂલા પાડે છે. તે મહારાજે કહ્યું છે જે, “નિશ્ચયની વાત અટપટી છે.” એટલે સમજતાં ન આવડે તો મૂળગેથી જાય, તેમ થાય. જેને એ સ્થિતિ સમજાય છે તે તો તેમનાં ઉપદેશ-વર્તનનો સરવાળો કરે છે. એ પણ બાપાશ્રી કહેતા જે, “કેટલાક ખોટા મુક્તને ખોટા કરે તે ભેળા સાચા મુક્તને ખોટા માની બેસે. માટે તપાસ કરવો; કેમ જે જે સાચા મુક્ત હોય તે પુરુષોત્તમરૂપે વર્તે, પણ પંડે પુરુષોત્તમ ન થાય અને મૂર્તિમાં જ જોડે, પણ પોતામાં ન જોડે ને મહારાજ ને મુક્તનો ભેદ, સ્વામી-સેવકપણું દૃઢ કરાવે.” તે બાપાશ્રીની વાતોના અભ્યાસીને જણાયા વિના રહેશે નહિ.
બાપાશ્રી કહેતા જે, “ઇયળની ભમરી કરવી છે, રાંકમાંથી રાજા કરવા છે, કીડીનો કુંજર કરવો છે, માખીનો સૂર્ય કરવો છે, પારસથી પારસ કરવો છે, હીરેથી હીરો વેંધવો છે. અરે! તમને મૂર્તિમાં જ રાખ્યા છે. જેવો પર્વતભાઈએ યજ્ઞ કર્યો હતો તેવો આ યજ્ઞ છે. આ મુક્તની કૃપાદૃષ્ટિથી તમે મુક્ત થઈ રહ્યા છો. જેને આવી સ્થિતિ થાય તેને મનુષ્યભાવ-દિવ્યભાવ, અવરભાવ-પરભાવ, અહીં-ત્યાં એક થઈ જાય છે. ધામની સભા ને આ સભા એક જ ભાસે છે અને તેને જ અનુભવી જાણવો. આવા અનુભવી કરતાં સ્વતઃસિદ્ધ અનાદિમુક્ત અતિશય શ્રેષ્ઠ છે. જેમ શ્રીકૃષ્ણે ઉદ્ધવજીને પોતાથી અણુમાત્ર ન્યૂન કહ્યા નથી, તેમ મહારાજ ને મોટા પોતાના આશ્રિતને અણુમાત્ર ન્યૂન રાખતા નથી (સિવાય કે દાતા-ભોક્તા, સ્વામી-સેવકપણું રહે છે એ ભૂલવું જોઈએ નહિ).” આવી સ્થિતિના શબ્દો બાપાશ્રીની વાતોમાં વખતોવખત નજરે પડે છે.
બાપાશ્રી કોણ હતા તેના ખુલાસા અનેક રીતે ઉપર કરેલા છે તે વાંચી બરાબર પચાવ્યા હશે તેમને જરૂર સમજાયું હશે જે જેવો મહિમા મહારાજનો તેવો જ તેમના અનાદિમુક્તનો કહેવાય. જેટલું મહારાજ જાણે ને દેખે તેટલું જ તેમના અનાદિમુક્ત જાણે ને દેખે.
વચનામૃતમાં કહ્યું છે જે, “મહારાજને લઈને તો આ મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન કહેવાય.” એવી રીતે અનાદિમુક્તનો મહિમા કહેવામાં સ્વયં શ્રીજીમહારાજનો મહિમા વધારીએ છીએ એ ભૂલવું ન જોઈએ. જેમ રાજાની સમૃદ્ધિનો મહિમા કહેવામાં ખુદ રાજાની મોટપ સહેજે જ આવી જાય છે; તેમ અનાદિમુક્તો છે તે મહારાજની સમૃદ્ધિ છે. તેમના મહિમામાં સ્વયં મહારાજનો મહિમા આપોઆપ વધે છે. જેમણે બાપાશ્રીની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાવાળાં વચનામૃત તથા આ વાતો સમજી-વિચારી વર્તનમાં ઉતારવા પ્રયત્ન સરખો કર્યો હશે તેમને બાપાશ્રી કેવા હતા? તેમનો મહિમા કેવો સમજવો? તે બાબત અક્ષરે જાણવા-સાંભળવાની ઇચ્છા થશે નહિ.
સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એક દૃષ્ટાંત છે જે એક ભરવાડને હાથ હીરો આવ્યો પછી તેને પથ્થર જાણી બકરીની કોટે બાંધ્યો. પછી કોઈક ઝવેરીએ તેની પાસેથી વેચાતો રાખી બીજા ઝવેરીને વેચ્યો ત્યારે છેવટે તેની કિંમત અમૂલ્ય થઈ. આટલું અપારપણું તો માયાના પદાર્થમાં છે. તો આ તો દિવ્ય મહારાજ અને દિવ્ય મુક્ત. તેમનો સૂઝે તેટલો મહિમા કહો તો પણ અપૂર્ણ જ રહેવાનો; તેમાં કાંઈ પણ આશ્વર્ય નથી. કહેવત છે કે ‘ભણતરનો ને વણતરનો (માયિક વિદ્યાનો) પાર નથી’. આટલું તો માયાવાદીઓ કહે છે. વળી વેદ પણ મૂળપુરુષનો મહિમા કહેવામાં नेति नेति કહી અટકે છે. તો આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ને તેમના અનાદિમુક્તનો મહિમા તે કોણ યથાર્થ કહી શકે? કોઈ નહિ. વચનામૃતમાં કહ્યું છે જે, “જેવા મેં મહારાજને જાણ્યા હતા તેવો તો મને પણ કર્યો છે, તો પણ મહારાજ તો અપારના અપાર જ રહે છે. એટલે જેમ જેમ મહિમા વધુ વધુ સમજાય છે તેમ તેમ દાસપણું સુધું દૃઢ થતું જાય છે ને મહિમા અપાર જણાયા કરે છે.” છતાં એ મહિમાની દિશ બતાવી શકાય.
એક શિષ્યે ગુરુને પૂછ્યું જે, “હે ગુરો! હે કૃપાનિધે! આપે દયા કરી મને મૂર્તિમાં રાખ્યો છે ને સુખ પણ આવે છે; તો પણ એ મૂર્તિ કેવી છે તે બરાબર કળી શકાતું નથી.” ત્યારે ગુરુએ હસીને કહ્યું જે, “અમે અનાદિકાળથી મૂર્તિમાં જ છીએ ને સુખ લીધા જ કરીએ છીએ; તો પણ અમને ખબર નથી જે આ મૂર્તિ તે કેવી છે. તો તને તો હજી હમણાં જ અનુભવ થયો એટલામાં શી ખબર પડે?” કેવો સચોટ અને સીધો જવાબ! અર્થાત્ જેઓ અનાદિમુક્ત સરખી સ્થિતિ પ્રાપ્ત કરે છે તે પણ યથાર્થ મહિમા કહી શકતા નથી તો જેઓ પોતાની તેવી સ્થિતિ થાય પહેલાં એટલે કે ‘હાલ મહારાજ ક્યાં છે? શું કરે છે?’ તેનો અનુભવ તો શું પણ ખબરેય ન હોય છતાં ‘મહારાજ તો આવા જ છે, મુક્ત તો આમ જ છે’ એમ મત બાંધી મિથ્યા વાદવિવાદ કરે છે તે કેટલી ભીંત ભૂલ્યા છે તે નિષ્પક્ષપાત વાચકવૃંદની નિર્મળ બુદ્ધિને સોંપી વિરમીશું. એટલે બાપાશ્રી કેવા હતા? તેમનો મહિમા કેવો સમજવો? તેની કેટલેક અંશે ઝાંખી કરી શક્યા કહેવાઈએ.
(૩) બાપાશ્રીએ શું શું કર્યું ?
શ્રીજીમહારાજે સા.-૧૭મા વચનામૃતમાં કહ્યું છે જે, “ભક્તની દૃષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય તેમ તેમ ભગવાન ને મુક્તનો મહિમા ને અપારપણું વધુ ને વધુ જણાયા કરે છે.” ભક્ત જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી મોટા મુક્તને મોટા ભક્ત જેવા જાણે; જ્યારે ભક્ત પોતે મુક્ત થાય ત્યારે મહારાજને તથા મોટાને ઓળખે. સાધનિક જે જે ક્રિયા કરે છે તે પોતાના મોક્ષ માટે કરે છે, જ્યારે સ્વતઃસિદ્ધ મુક્ત જે જે કરે છે તે બીજા જીવોના મોક્ષ માટે કરે છે.
બાપાશ્રીએ સત્સંગમાં ઘણા યજ્ઞ, પારાયજ્ઞ, ઉત્સવ, સમૈયા કરી પામર ને વિષયી જીવોનો પણ મોક્ષ કર્યો છે. તેમજ તેમના જોગ-સમાગમમાં આવેલા કેટલાક સંત-હરિજનોને મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કરાવ્યો. બાપાશ્રી કેટલાક ભક્તોને તેમના મનની વાત જાણી અંતર્યામીપણે કહી દેતા. કેટલાકને તેમના પૂર્વજન્મની સ્મૃતિ કરાવી આપતા. કેટલાકને દેહને અંતે મહારાજ સાથે દર્શન દઈ ધામમાં તેડી જતા, કેટલાકને આયુષ્ય ન હોય તો પણ રાખતા. કેટલાકના ઘાટ-સંકલ્પ ટાળી જ્ઞાન-ધ્યાન દૃઢ કરાવતા. એવી ઘણી સામર્થી જોવામાં આવતી. અને એકાંતિક ભક્તોને વચનામૃતનો ઊંડો અભ્યાસ થાય ને મહારાજ ને મોટાનો મહિમા સહેજે સમજાય તે માટે વચનામૃતના ખુલાસા કરી વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કરી છે.
ગાજવીજથી દાણા ન પાકે ને વરસાદથી દાણા પાકે; તેમ પરચા-ચમત્કાર જોવા-જાણવાથી મૂર્તિનું જેવું છે તેવું સુખ ન આવે. ને મહારાજનું સર્વોપરીપણું, કર્તાપણું, સાકારપણું, સુખદાતાપણું તે રૂપ સ્વરૂપનિષ્ઠા દૃઢ કરવાથી મહારાજ ને મુક્તનો મહિમા સમજાય ને મૂર્તિનું સુખ મળે. બાપાશ્રી કહેતા જે, “એ મૂર્તિના સુખમાં પહોંચ્યા પછી ધામનું સુખ તે પણ શું અને મુક્તનું સુખ તે પણ શું? એવું એ મૂર્તિનું અલૌકિક, અનુપમેય સુખ છે.” એ જ બતાવે છે કે તેમણે ચોખ્ખી ઉપાસના યથાર્થ સાંખ્ય જ્ઞાન આપી સમજાવી.
અને જ્યાં સુધી સમગ્ર મૂર્તિ દેખે ત્યાં સુધી જીવની પણ વૃત્તિ કહેવાય. જ્યારે મૂર્તિમાં સંલગ્ન થાય, રસબસ થાય, પુરુષોત્તમરૂપ થાય ત્યારે જીવસત્તાએ મૂર્તિ દેખી કહેવાય. એવી સ્થિતિ ન થાય ત્યાં સુધી યોગ સિદ્ધ કર્યા કરવો જે, “મને મહારાજ મળ્યા ત્યારથી મૂર્તિમાં રાખ્યો છે ને બોલે છે, ચાલે છે તે મહારાજ કરે છે” એવું મનન રાખવું. એ લટક-યોગકળા અને યોગનિદ્રા જે સૂતી વખતે તે મૂર્તિમાં લુબ્ધ થઈ સૂવું એવો યોગમાર્ગ શીખવ્યો. અને પોતે સદા તે સુખમાં જ રહેતા એ ઉપરના શબ્દોથી સ્પષ્ટ તરી આવે છે. આવી રીતે દૃઢ યોગ ને સાંખ્ય દ્વારા સર્વોપરી ઉપાસના સમજાવી.
પોતે અદૃશ્ય થયા ત્યાં સુધી ‘જીવો બિચારા પોતાના સરખા કેમ થાય? મૂર્તિના સુખે સુખિયા કેમ થાય?’ એ જ બિરદ-ધ્યેય-કર્તવ્ય સામી નજર રાખી છે એમ તેમની વાતો ને વર્તન ઉપરથી સ્પષ્ટ દેખાતું ને દેખાય છે. “આ વખતે મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય એવું છે. આ ટાણે મૂર્તિનો સાક્ષાત્કાર નહિ કરો તો પછી કોણ કરાવશે? માટે આ કરો, આ કરો; બીજું સર્વે પડ્યું મૂકો.” જ્યારે દૃઢ ઉપાસના-દૃઢ સ્વરૂપનિષ્ઠા થાય છે ત્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ સઘળા ગુણો સંપૂર્ણ રીતે સહજ સ્વભાવે અખંડ રહે છે. જે તે પ્રકારે જીવોને મહારાજ ને મોટા જેમ છે તેમ ઓળખાય અને સર્વ એ મૂર્તિમાં નિમગ્ન રહે એ જ તાન હતું. બાપાશ્રી મુખ્યત્વે નિશ્ચય, મહિમા, આજ્ઞા અને ઉપાસનાના બળની વાતો ઘણી કરતાઃ- “એક જીવને ઉગારો તો એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય, કારણ કે તેને ચોરાસીમાં અનંત વાર મરવું અને અવતરવું પડે તે મટી ગયું; એમ બ્રહ્માંડ ઉગાર્યા જેટલું પુણ્ય કહ્યું છે.”
એવી જ રીતે “અમને કોઈ ખતરાવશો નહિ, આ જોગ-સમાગમ-સત્સંગને વગોવશો નહિ. જડ માયા (દ્રવ્ય), ચૈતન્ય માયા (સ્ત્રી)નો ત્યાગ દૃઢપણે રાખજો. તમે તો એ બે વાતના હરામના સમ ખાઈ બેઠા છો. દ્રવ્યમાં તો સ્ત્રી પણ ભેગી આવી ગઈ, માટે તે પાપને તો રાખવું જ નહિ.” જ્યારે કોઈ મહારાજ ને મોટાની બાંધેલી ધર્મમર્યાદાનો ભંગ કરે ત્યારે પોતે ઘણા જ દિલગીર થઈ જતા અને તે પોતાનો સંબંધી હોય અથવા બીજો કોઈ પણ હોય, તો પણ તેનો પક્ષ નહિ રાખતાં ધર્મનો પક્ષ રાખી તેને પ્રાયશ્ચિત્ત આપતા-અપાવતા. એવો તેમનો ધર્મ પાળવા-પળાવવાનો આગ્રહ હતો.
સવાલ એ થાય છે કે સત્પુરુષનો મહિમા યથાસ્થિત કોણ કહી શકે? ઉત્તર જેટલો સહેલો છે તેથી વિશેષ મુશ્કેલ સમજવામાં છે. મોટી વસ્તુ નાની વસ્તુને યથાસ્થિત જાણે-દેખે, પણ નાની વસ્તુ મોટી વસ્તુને યથાસ્થિત જાણી-દેખી શકતી નથી. તદનુસાર અનાદિમુક્તનો યથાસ્થિત મહિમા સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન એક જ સમજાવી શકે, અથવા તેમના અનાદિમુક્તો જે અસંખ્ય છે તે પૈકી કોઈ પણ એક બરાબર સમજાવી શકે, અથવા તો મહારાજ ને મોટાની કૃપાથી તેમના સરખી સ્થિતિ થઈ હોય તે સમજાવી શકે. આ વાત જે અનુભવ કરી સિદ્ધ કરે તેને જરૂર એમ જણાય જે અનાદિમુક્ત અહીં દેખાય તો પણ તેઓ મૂર્તિમાં રહ્યા થકા જ દેખાય છે. જેમ પૃથ્વી જળમાં રહી છે ને બહાર દેખાય છે, તેમ અનાદિમુક્ત તે સુખમાં લુબ્ધ જ છે ને શ્રીજીની ઇચ્છાથી મનુષ્યરૂપે દેખાય છે; તેમને તો એક મહારાજ જ કર્તા છે. વચનામૃતમાં કહ્યું છે જે, “સત્પુરુષ સરખી સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા બરાબર જણાતો નથી અને મહિમા જાણ્યા વિના સ્થિતિ પણ થતી નથી.” માટે જેમ બને તેમ સત્પુરુષ જે સ્વતઃસિદ્ધ અનાદિમુક્ત તેમની સાથે હેત કરી મહિમા સમજવો. તેમણે જે યુક્તિ-લટક-મંત્ર આપ્યો હોય તે મનન, નિદિધ્યાસ કરી તેમના સરખી સ્થિતિ કરવી એ ધ્યેય જે મુમુક્ષુ રાખે તે જ સત્સંગમાં દિનપ્રતિદિન આગળ વધે છે અને અનાદિમુક્ત એ કયું તત્વ છે તે બરાબર સમજી શકે છે.
આવી સ્થિતિ થવાની લટક-ઉપાય-રસ્તો-મહામંત્ર અનેક અનુભવસિદ્ધ યુક્તિઓ સાથે આ વાતોમાં નજરે પડે છે. માટે આ પુસ્તક છતે દેહે –બાપાશ્રીના શબ્દોમાં કહીએ તો છ માસની અંદર મૂર્તિ સિદ્ધ કરવી હોય એવા મુમુક્ષુને જ ઉપયોગી અને રસદાયક થઈ પડશે. કહેવાની જરૂર નથી કે આવી મુમુક્ષુતામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ ગુણો સિદ્ધ કરી એક મૂર્તિ આકારે વૃત્તિ થઈ હોય અને ‘અર્થ સાધ્યામિ વા દેહં પાત્યામિ’ એવી શ્રદ્ધાનો જે મુમુક્ષુમાં જન્મ થયો હોય એવા મુમુક્ષુને જ આ સંગ્રહ રસદાયક થશે. આવી મોટી તૈયારી કરનારમાં કેવાં કેવાં લક્ષણો–ગુણોની આવશ્યકતા છે? અને તે ગુણો કયા કયા તે જાણવું જ જોઈએ અને તેને જ મુમુક્ષુ જાણવો. હવે મુમુક્ષુ કોને કહીએ તે વિચારીએઃ-
૧) તે જ મુમુક્ષુ ખરો કે જે કેવળ પોતાનું નામું રોજેરોજનું રાખે છે.
૨) તે જ મુમુક્ષુ ખરો કે જે પોતાના દોષને જ જાણે છે ને ટાળવા તનતોડ યત્ન કર્યા કરે છે.
૩) તે જ મુમુક્ષુ ખરો કે જે “શ્રેયાંસી બહુ વિઘ્નાનિ” સારા કામમાં સો વિઘ્ન એ કહેવત સમજી ચાડી, ચુગલી, નિંદા, ટીકા, કૂથલી આદિ મનોવિકારને તિલાંજલિ આપી એક મૂર્તિનો જ સાક્ષાત્કાર કરવા મંડ્યો રહે છે.
૪) તે જ મુમુક્ષુ ખરો કે જે પોતાના ઉક્ત ધ્યેયમાં જ નિમગ્ન રહે છે.
૫) તે જ મુમુક્ષુ ખરો કે જે શ્રી સ્વામિનારાયણ ભગવાન છે, શ્રી ગોપાળાનંદ સ્વામી આદિ અનાદિમુક્તો છે એવું જાણીને કેવળ બીજા આગળ તેવી વાતો કરી તૃપ્તિ નથી પામતો, પણ વર્તનમાં ઉતારવા યત્ન કરે છે.
૬) તે જ મુમુક્ષુ ખરો કે જે અનાદિમુક્તનાં લક્ષણ જાણી, તેવાં પોતામાં આવ્યાં છે કે નહિ તેની જ એક ચિંતા રાખે છે.
૭) તે જ મુમુક્ષુ ખરો કે જે પામર અને વિષયી જેવા જેવા જીવોમાંથી પણ એકલા ગુણને જ ગ્રહણ કરે છે.
૮) તે જ મુમુક્ષુ ખરો કે જે પોતાના બરોબરિયા સાથે સ્નેહ ને મિત્રાચાર રાખે છે.
૯) તે જ મુમુક્ષુ ખરો કે જે પોતાથી નાના જે વિષયી ને પામર જેવા જીવો તેમના અવગુણને જોતાં છતાં તેમના પ્રત્યે દયા રાખે છે ને હેત ને માયાળુ દૃષ્ટિએ તેમને જુએ છે.
૧૦) તે જ મુમુક્ષુ ખરો કે જે પોતાથી મોટા હોય તેમના આગળ સ્તબ્ધ રહી એક ચિત્તે તેમની વાણી-વર્તનનું અવલોકન કરી પોતાના જીવન સાથે સરખાવી પોતાની જ કસોટી કર્યા કરે છે.
૧૧) તે જ મુમુક્ષુ ખરો કે જે જીવે ત્યાં સુધી કોઈનો ગુરુ થતો નથી.
૧૨) તે જ મુમુક્ષુ ખરો કે જે જીવનપર્યંત શિષ્ય-સેવક-દાસાનુદાસ થઈ સત્સંગમાં રહે છે.
શ્રીજીમહારાજે કહ્યું છે જે :-
“દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં,
ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં.”
વળી સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે જે, “દાસ તમારા દાસનો (દાસનો પણ દાસ એ કેવું નિર્માનીપણું! ! એ જ ખરી મુમુક્ષુતા જાણવી.) મને રાખો નાથ હજૂર; એ વર માગું છું.” આવા મુમુક્ષુને આ પુસ્તક એક ખારા સમુદ્રમાં મીઠી વીરડી તુલ્ય શાંતિદાયક થશે.
હવે રહ્યા વિષયી જે રાત્રિ-દિવસ સમાગમ કરે છે, કથાવાર્તા કરે છે, પણ પોતે ધ્યાન કરી સ્થિતિ કરવામાં આળસું, પ્રમાદી રહેનારા; તેઓ ઘણે ભાગે બીજાના ગુણ-અવગુણ જોવામાં પણ રોકાય છે. આ વર્ગ કેવળ દયાને જ પાત્ર છે; છતાં જો તેઓને અનાદિમુક્તની પંક્તિમાં ભળવું હોય, અનાદિમુક્ત જે સુખ, સામર્થી ને પ્રકાશનો અનુભવ કરે છે તે સુખ લેવું હોય તો તેમણે સંગશુદ્ધિ ને નિર્દોષ બુદ્ધિ કરવી અતિ આવશ્યક છે. આવી બુદ્ધિ મેળવવાની રાજા ચાવી એક છે અને તે આ રહી. જેને વાપરવી હોય તે ભલે વાપરે :-
પ્રથમ તેણે શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી ઘનશ્યામ મહારાજની ઊભી-બેઠી ગમે તે મૂર્તિ જેમાં પોતાને અતિશય સ્નેહ હોય તે મૂર્તિ આગળ શાંત ચિત્તે બેસી ગઈ-ગુજરી માટે ફક્ત એક જ દિવસ એક જ કલાક પશ્ચાત્તાપ કરીને નીચે મુજબ વિચાર કર્યા કરવો. તે વિચારનું મનન ચાલે તે દરમ્યાન બીજા કોઈ વિચારને મનમાં પેસવા દેવો નહિ.
(૧) તુલસી જાકે મુખનસે, ભૂલઇ નિકસે રામ; તાકી પગકી પેનિયાં, મેરે તનકી ચામ.
જે માત્ર પોતાના ઇષ્ટદેવનું નામ-સ્મરણ કરતો હોય, બીજાં સાધન ભલે ઓછાં હોય તેને પણ પોતાથી અધિક માનવો.
(૨) ગીતા વિષે શ્રીધર સ્વામી, શંકરાચાર્ય, રામાનુજાદિક અનેક વિદ્વાનોએ જુદી જુદી ટીકા કરી શાસ્ત્રના અર્થ સમજાવ્યા છે. તો વચનામૃત તેમજ આપણા ઇષ્ટદેવના મહિમાનું કોઈ ગમે તેવું વર્ણન કરે તેમાંથી આપણને જેટલું સમજાય તેટલું ગ્રહણ કરી બાકીનું પડ્યું મેલવું; અને એમ જાણવું જે તેમાં લખ્યું છે તે તો સાચું હશે, પણ મને સમજાતું નથી.
(૩) હાથી ને સાત આંધળાના દૃષ્ટાંતનું મનન કરી સિદ્ધાંત સમજવો જે જેને જેમ સમજાણું, અનુભવાણું તેમ લખ્યું છે. તે વચનામૃતમાં પણ કહ્યું છે જે, “ગાયનું મુખ દીઠું, પૂંછ દીઠું, પણ સમગ્ર ગાય કોઈએ દીઠી નથી.” માટે જ્યારે સમગ્ર મૂર્તિ એકકાળાવિચ્છિન્ન અનુભવાય ત્યારે જ આપણને બીજા જે બોલે, લખે તે વિષે અભિપ્રાય આપવાનો હક્ક મળે છે; તે પહેલાં નહિ. પછી તે વિચાર સિદ્ધ થાય એટલે મુમુક્ષુતા જન્મે છે. પછી હંમેશાં સ્વસ્થ અને આનંદચિત્તે તે મૂર્તિ સન્મુખ બેસી ગદ્ગદ કંઠ અને રોમાંચિત ગાત્ર થઈ એક નજરે તે મૂર્તિ ધારવી. એમ દરરોજ સવાર-સાંજ બબ્બે-ત્રણ ત્રણ કલાક કર્યા કરવું.
આ વાતોમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આજ્ઞા, ઉપાસનાદિ ઘણા વિષયો છે; પરંતુ મુખ્યત્વે કેટલાક શબ્દો સાધનદશાના અને કેટલાક સિદ્ધદશાના તેમજ સિદ્ધદશા પામવા માટેના જોવામાં આવશે. અહીં ખાસ વિવેકદૃષ્ટિની જરૂર છે. અને જે વિવેકદૃષ્ટિ રાખી કેવળ પોતાનું ધ્યેય જે મૂર્તિનો સાક્ષાત્કાર કરવો તે સામી જ નજર રાખે છે તેને તો અકેકો બોલ લાખ લાખ હીરાનો અમૂલ્ય થઈ પડશે.
પરંતુ જેઓ અર્ધદગ્ધ દશામાં ઊભા રહી આગળ વધવામાં આળસુ-પ્રમાદી હશે તે संशयात्मा विनश्यति તેમ અપૂર્ણ દશામાં રહી, પૂર્ણ દશાનો નિર્ણય પોતાની માયિક બુદ્ધિથી કરવા યત્ન કરશે તેને લાભને બદલે હાનિ થવા સંભવ છે. તેઓ જો પૂર્વાપર વચનામૃતના સિદ્ધાંત સાથે આ વાતોના સિદ્ધાંત સરખાવી, જે સિદ્ધાંતો તેમને વચનામૃત સાથે મળતાં માલૂમ પડે તેનું જ ગ્રહણ કરશે ને જે ન સમજાય તે માટે મુમુક્ષુતા રાખી દાસભાવે જાણવા ઇચ્છશે તેને સમજાવનાર જરૂર મળી આવશે.
જેમ કે વચનામૃતમાં કહ્યું છે જે, “સમુદ્રના કિનારે ઊભેલાને ઝાડ, પહાડ, મનુષ્ય, પશુ, પક્ષી, તેમજ સમુદ્ર એ સર્વે પૃથક્ પૃથક્ દેખ્યામાં આવે છે; પરંતુ તે જ્યારે વહાણમાં બેસી સમુદ્ર મધ્યે જાય ત્યારે ઊચું-નીચું સર્વત્ર જળ જ દેખે, પણ બીજું કાંઈ દેખે જ નહિ. તેમ જે વહાણને દષ્ટાંતે મૂર્તિમાં જ નિમગ્ન રહે તેને એક મૂર્તિ જ દેખાશે ને મૂર્તિ જ બોલે છે, જમે છે, જુએ છે, સાંભળે છે– સર્વે ક્રિયા મૂર્તિ જ કરે છે ને હું તો મૂર્તિના સુખમાં લુબ્ધ છું” એમ અનુભવ થશે.
એવી સિદ્ધદશા પામવા માટે આ વાતોમાં બાપાશ્રીએ કહ્યું છે જે, “જ્યારથી મહારાજ અને મોટા મળ્યા ત્યારથી તમે સર્વ અમારા સરખા થઈ ચૂક્યા છો એમ નિશ્ચય દૃઢ રાખજો; પણ જ્યાં સુધી એવો અપરોક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી સિદ્ધદશા પામવાનો મંત્ર ચાલુ રાખજો. પણ ‘ચલ બે રંડી, હમ ખાખ બને હે’ એટલે સાધુ થયા કે સત્સંગી થયા એટલે પૂરું એમ માની આળસુ થઈ બેસી રહેશો નહિ. સિદ્ધદશા ન આવે ત્યાં સુધી છૂપું નાસ્તિકપણું રહે છે એ વચન સામી નજર રાખજો.”
એવી રીતે મહારાજ ને મોટા મળ્યા તે રૂપી સ્વરૂપનિષ્ઠાના બળની સાથે સૂક્ષ્મ કર્તવ્ય જે ધ્યાન કરવું, આપોપું કરવું, પુરુષોત્તમરૂપ થવું તે ચાલુ રાખવું. વચનામૃતમાં પણ એમ જ કહ્યું છે જે, “પોતાના સ્વરૂપને જાણતો-જોતો નથી તે જ અજ્ઞાની-નીચ છે.” એમ સૂક્ષ્મ દૃષ્ટિવાળા મુમુક્ષુને કર્તવ્યપરાયણતાનો ઉપદેશ આપેલો છે. એમ આ વાર્તાનો સોંસરો અભિપ્રાય શું છે તે મુમુક્ષુને જ યથાર્થ જાણ્યામાં આવશે. ટૂંકામાં, “શ્રી સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે અને હું તથા અનાદિમુક્ત સર્વે તે મૂર્તિમાં રસબસ છીએ” એવું શ્રવણ થાય પછી તેનું મનન, નિદિધ્યાસ ને સાક્ષાત્કાર કરવાની ઇચ્છા થઈ હશે એવા મુમુક્ષુ ને જ આ પુસ્તક એક અનુભવી સદ્ગુરુની ગરજ સારશે.
तत्र यच्छवणं प्राज्ञै स्तुतं तद्वीप सन्निभम् ।
दीपिका सदशं प्रोक्तं साधनं मननं तथा ॥ १ ॥
तन्निष्पाद्यो निदिध्यासो बुधैरुक्त स्तडित्समः ।
साक्षात्तातु त्रिकुड्भूता प्रोक्तौखाज्ञि सन्निभा ॥ २ ॥
અનાદિમુક્તો જે સ્થાનમાં, જે સ્થિતિમાં અને સુખમાં રહ્યા છે તે સ્થાનમાં, તે સ્થિતિમાં અને સુખમાં જેને રહેવું હોય; શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી બ્રહ્માનંદ સ્વામી, શ્રી પર્વતભાઈ, શ્રી અબજીબાપા આદિ જેવા જેને થવું હોય તેને માટે આ વાર્તાસંગ્રહ એક સાક્ષાત્કાર કરાવનાર માર્ગદર્શકનું કામ કરશે એ નિઃસંદેહ છે.
આપણને આ અમૂલ્ય વાર્તાસંગ્રહનો લાભ મળે છે તે સર્વ અનાદિ મહામુક્તરાજ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના શિષ્ય સદ્ગુરુ સ્વામી શ્રી નિર્ગુણદાસજી, તેમના શિષ્ય સદ્ગુરુ સ્વામી શ્રી ઈશ્વરચરણદાસજીને આભારી છે.
આ ઉપદેશામૃતનો સંક્ષિપ્ત સંગ્રહ સત્સંગની સેવામાં નિષ્કામ ભાવે બનતી ત્વરાએ અર્પણ થયો જોઈ સૌ કોઈ સત્સંગી આનંદથી પાન કરશે એ જ શુભેચ્છા. અસ્તુઃ
આવૃત્તિ ૧લી સંવત ૧૯૮૯ ઈ.સ. ૧૯૩૩
પરીખ બળદેવદાસ વલ્લભદાસ, અમદાવાદ
(પ્રથમાવૃત્તિ પ્રસિદ્ધકર્તા)