સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૧ પડવેના રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “શ્રીજીમહારાજ પોતાના સ્વરૂપનું જ્ઞાન જીવોને આપવા સારુ પોતાના અનાદિ તથા પરમ એકાંતિક મુક્તોને સાથે લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા અને મુક્તોએ શ્રીજીમહારાજની આજ્ઞાથી શ્રીજીમહારાજના પુરુષોત્તમપણાની ઘણીક વાતો કરી; પણ કેટલાક જીવ સમજી શક્યા નહિ ત્યારે મુક્તોએ શ્રીજીમહારાજની પ્રાર્થના કરી જે, ‘હે મહારાજ! કેટલાક જીવ તમારો મહિમા સમજી શકતા નથી.’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘એમને આજે જ આપણો યોગ મળ્યો છે માટે નવા આદરવાળા છે, તેથી તેમના માન્યામાં આવતી નથી; પણ જેણે જેણે તમારી વાતો સાંભળી છે તે સર્વે દેહ મૂકશે તેમને ફેર સત્સંગમાં જન્મ ધરાવશું ને તમને ઉપદેશ કરવા મોકલશું.’”
“માટે આજ સર્વે સંસ્કારી જીવ સત્સંગમાં આવ્યા છે અને અનાદિ સ્વતંત્ર મુક્ત પણ આવ્યા છે. તેમનો જોગ કરીને અનંત જીવ મુક્ત થઈને ધામમાં જાય છે. અને જેમ શ્રીજીમહારાજ અનાદિ છે ને સ્વતંત્ર છે તેમ જ મુક્ત પણ અનાદિ અને સ્વતંત્ર છે. અને જેટલું શ્રીજીમહારાજનું કર્યું થાય છે તેટલું જ તેમના મુક્તનું કર્યું પણ થાય છે. એવા અનાદિમુક્ત સાથે આત્મબુદ્ધિ ને દૃઢ પ્રીતિ કરે અને મન-કર્મ-વચને બહારથી અને અંતરથી જીવ જોડે તો તેને કાંઈ કરવું બાકી રહે નહિ ને જેવા મુક્ત પોતે શ્રીજીમહારાજના સુખે સુખિયા છે એવો જ સુખિયો તે જીવને પણ કરે.”
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “શ્રીજીમહારાજના ધામમાં તથા મૂર્તિમાં રહેલા મુક્તો આ પૃથ્વી ઉપર આવ્યા હોય તેમનાં લક્ષણ કેવાં હોય?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એમનો સમાગમ કરે તેના ઘાટ-સંકલ્પ બંધ થઈ જાય ને ધ્યાનમાં વિક્ષેપ ન આવે ને મૂર્તિનું સુખ આવે ને છેટે રહે થકે પણ જે સંભારે તેના ઘાટ-સંકલ્પ ટળી જાય ને એમની પાસે બેઠા હોઈએ તે વખતે માયિક ઘાટ-સંકલ્પ થાય જ નહિ. અને કોઈ દેહ મૂકે તેને અક્ષરધામમાં તેડી જાય, એવાં કેટલાકને દર્શન આપે અને કોઈને તેડી જવા હોય તેને આગળથી દર્શન આપીને તેને દેહ મૂકવાનો અવધિ પણ કહી જાય. અને કોઈ પ્રાર્થના કરે તો તેને રાખી પણ જાય અને કોઈને દેહ મૂકવો હોય તો તેને આયુષ્ય હોય તોપણ તેડી જાય એવી સામર્થીવાળા હોય તેને એવા મુક્ત જાણવા.”
ત્યારે વળી સ્વામીએ પૂછ્યું જે, “અનાદિમુક્ત સાથે બહારથી અને અંતરથી જીવ કેવી રીતે જોડવો?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેમ પોતાના દેહને સુખે સુખી થવાય છે ને દેહને દુઃખે દુઃખી થવાય છે તેમ જ મોટાને દુઃખે દુઃખી થવાય અને મોટાને સુખે સુખી થવાય તે બહારથી જીવ જોડ્યો કહેવાય. પણ એવું થવું અતિ કઠણ છે, કેમ જે સમુદ્રમાં વહાણ કે આગબોટ ડૂબે અને એક પાટિયાનો કકડો હાથ આવે તો પોતાને તરીને નીકળવાનો સંકલ્પ ન થાય, ને ‘આવા મુક્ત જશે તો હું એકલો રખડીશ ને પતરમાં કોઈ અન્ન પણ નહિ આપે ને અનંત જીવોનો ઉદ્ધાર બંધ થઈ જશે; માટે હું બૂડી મરું ને આ મુક્ત ઊગરે તો ઠીક.’ એમ થાય. ને રેલમાં સારી જગ્યામાં મોટાને બેસારે; અને પાંચ-સાત દિવસે અન્ન મળે તે એક જણ જમે એટલું જ હોય તો મોટાને આપી દે ને પોતે ભૂખ્યો રહે; અને હિમ પડ્યું હોય ને એક જણ ઓઢે એટલું જ હોય તો મોટાને ઓઢાડે ને પોતે ઓઢ્યા વિના જ રહે એવું થાય તો બહારથી જીવ જોડ્યો કહેવાય.”
“અને જેમ નદીમાં થોડુંક પાણી નાખીએ તે સમુદ્રમાં પહોંચી જાય, તેમ મોટા અનાદિમુક્ત છે તે મહારાજની મૂર્તિમાં અખંડ જોડાઈ રહ્યા છે. તેમની સાથે આપણો જીવ મેળવીએ એટલે આપણે પણ મહાપ્રભુજીની મૂર્તિનો સાક્ષાત્કાર મોટાના જેવો જ થાય એ અંતર્વૃત્તિએ જીવ જોડ્યો કહેવાય. તે મોટા અનાદિ કેવી રીતે જોડાયા છે તો મહારાજની મૂર્તિમાં સળંગ રહ્યા થકા મૂર્તિનાં રોમરોમનાં સુખ લે છે ને નવીન નવીન ઇચ્છે છે તે મહારાજ આપે છે. તે સુખ સદા મૂર્તિમાં રહીને ભોગવે છે, પણ બહાર નીકળતા જ નથી. અને જે પરમ એકાંતિક મુક્ત છે તે તો શ્રીજીમહારાજના તેજમાં શ્રીજીમહારાજને સન્મુખ રહીને મૂર્તિમાં જોડાઈને મૂર્તિનું સુખ લે છે.”
ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “બહાર સમાગમ કરવાથી જેવું મોટાનું સુખ આવે છે તેવું અંતરમાં ધારવાથી કેમ નથી આવતું?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સાધનદશામાં હોય ત્યાં સુધી બહારવૃત્તિમાં સુખ અધિક જણાય, પણ અંતર્વૃત્તિનું સુખ અધિક છે તે જ્યારે સિદ્ધદશા આવે ત્યારે અંતર્વૃત્તિનું સુખ અધિક જણાય; કેમ જે સિદ્ધદશા ન આવી હોય ત્યાં સુધી કાંઈક નાસ્તિક ભાવ રહે છે.”
પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “નાસ્તિક ભાવ તે શું? ને આસ્તિક ભાવ તે શું?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિઓને વિષે ચિત્ર- પાષાણાદિકનો ભાવ રહે તથા મુક્તને વિષે મનુષ્યભાવ રહે તથા મહારાજ વિના બીજો ઘાટ ઊપજે તેને પૂરો થવા દે, પણ થતાં જ તે ઘાટને તોડી પાડે નહિ તે નાસ્તિક ભાવ કહેવાય. અને મૂર્તિઓને વિષે સદા દિવ્યભાવ રહે અને મહારાજ અને મુક્તને સદા અંતર્યામી જાણે ને સદા સમીપે જાણે ને સંકલ્પને પૂરો થવા દે નહિ એ આસ્તિક ભાવ કહેવાય. અને નાહવા-ધોવામાં, ખાવા-પીવામાં, બોલવા-ચાલવામાં, એ આદિક સર્વે ક્રિયામાં બાળકિયા સ્વભાવ આવી જાય; અને મહારાજની અને મોટાની મર્યાદા ન રહે; અને ભગવાનના મંદિરમાં તથા મોટા સંત-હરિજન પાસે તથા બીજે ઠેકાણે હાંસી, મશ્કરી, ઠઠ્ઠાબાજીના શબ્દ કઢવા તે સર્વે નાસ્તિક ભાવ છે. માટે વિનયે યુક્ત બોલવાનો સ્વભાવ રાખવો; પણ રજ-તમ આદિક ગુણના વેગે ચઢી જવું નહિ. અને વેગે કરીને બોલવું, ચાલવું, ખાવું, પીવું, સૂવું, બેસવું, જોવું, સાંભળવું નહિ. અને વેગે કરીને કથા, વાર્તા, માળા, ભજન, ભક્તિ તે પણ ન કરવાં; કેમ જે વેગ ઊતરી જાય ત્યારે ઢીલો પડી જાય. માટે સંત કહે તેમ કરવું, તો સુખી રહેવાય. અને મહારાજ તથા મોટા પોતાના આત્માને વિષે સદા વિરાજમાન છે એમ જાણીને કામ-ક્રોધાદિક માયિક ઘાટ ઊઠવા દે નહિ અને આત્માને વિષે મૂર્તિ છે તેનું અખંડ અનુસંધાન રાખવું, તો અંતરમાં મર્યાદા કહેવાય અને તેને મૂર્તિ ન દેખાય તોપણ સાક્ષાત્કાર કહેવાય.”
ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “મહારાજને રાજી કરવા સારુ કાઠીઓ ટોળ કરતા તેમ હસવું-બોલવું થાતું હોય તે નાસ્તિક ભાવ કહેવાય કે નહિ?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “યથાર્થ મહિમા સમજીને મહારાજ રાજી થાય એવો સમય જોઈને રાજી કરવા સારુ હસવું-બોલવું થાતું હોય તે નાસ્તિક ભાવ ન કહેવાય.” ।।૧।।