સંવત ૧૯૬૮ના ભાદરવા વદ-૧૦ને રોજ રાત્રિએ વાંટાવદરના ભૂરાભાઈએ પૂછ્યું જે, “મધ્ય પ્રકરણના ૫૩મા વચનામૃતમાં જીવ કાળો છે કે ગોરો છે, કે લાંબો છે કે ટૂંકો છે, એમ કહ્યું તે કેવી રીતે સમજવું?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જ્યાં સુધી મૂળમાયાના કાર્યમાં જીવને રાગ હોય ત્યાં સુધી તે કાળો કહેવાય. અને માયિક રાગ ટળી જાય અને માયિક પદાર્થમાં દેશકાળે કરીને પણ ક્યાંયે મોહ ન પામે; પણ ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ અને અક્ષરકોટિના ઐશ્વર્યમાં રાગ હોય તે ગોરો કહેવાય. અને એમના ઐશ્વર્યમાં ક્યાંય રાગ ને સારપ ન રહે ને શ્રીજીમહારાજની મૂર્તિનો પ્રકાશ જે મહાતેજરૂપ અક્ષરધામ તે જેવો થાય તે લાંબો કહેવાય. અને મૂર્તિમાન થઈને મૂર્તિને સન્મુખ રહે અથવા મૂર્તિમાં લીન રહે તે લાંબો મટીને ટૂંકો થયો કહેવાય. તેવા મુક્ત મૂર્તિમાન થકા જ લીન રહે છે.”
પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “છેલ્લા પ્રકરણના ૨૧મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ‘અમને વન, પર્વત અને જંગલમાં જ રહેવું ગમે છે; પણ મોટાં મોટાં શહેર-પાટણ ગમતાં નથી.’ તે વન-પર્વતાદિક શું સમજવું?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પર્વતને ઠેકાણે મહારાજની મૂર્તિ જાણવી. વનને ઠેકાણે મુક્તનો સમૂહ જાણવો અને જંગલને ઠેકાણે અક્ષરધામ જાણવું; તેમાં અમારા મુક્તોને રહેવું ગમે છે, પણ પાટણને ઠેકાણે અક્ષરકોટિ અને શહેરને ઠેકાણે બ્રહ્મકોટિ તેમાં રહેવું ગમતું નથી; તો પ્રકૃતિપુરુષના લોકમાં તો રહેવું ગમે જ કેમ? એમ મહારાજે કહ્યું છે.”
પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, “શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે દ્વારિકા આદિક તીર્થની યાત્રા કરવાનું કહ્યું છે તે દ્વારિકાનો શો અર્થ હશે?”
ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોક્ષનું દ્વાર ઉઘાડે કહેતાં મોક્ષ કરે એવા સંત જ્યાં હોય તેમનો સમાગમ કરવો, એ દ્વારિકાની યાત્રા કહેવાય.” ।।૧૧૧।।